રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા બાદ હાલમાં ફરી ચૂંટણીને કારણે વધવા માંડતા રાજ્ય સરકાર દ્વારા ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુની મુદત આગામી તા.15મી માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં રાત્રિના 12થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં છે. આ કરફયુ અંગે હવે આગામી તા.15મી માર્ચ બાદ સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે.
રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાના કેસ વધી જતા રાત્રિ કરફ્યુ મુકવામાં આવ્યો હતો. રાત્રિ કરફ્યુને કારણે કેસ ઘટતાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો. છેલ્લે ઘટાડીને રાત્રિ કરફ્યુને રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો. આ કરફયુની મુદત તા.28મી માર્ચ સુધી રાખવામાં આવી હતી.
જોકે, રાત્રિ કરફ્યુ છતાં કોરોનાના કેસ ઘટ્યા બાદ ફરી વધી ગયા છે. કોરોના કેસની પાછળ હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જવાબદાર છે. જોકે, સરકારે ચૂંટણી થવા દીધી અને તેને કારણે કોરોનાના કેસ વધી ગયા. કોરોનાના કેસ વધતાં જે રાત્રિ કરફ્યુનો અમલ પડતો મુકવામાં આવે તેવી સંભાવના હતી તેની મુદત રાજ્ય સરકારે ફરી લંબાવી દીધી છે.
રાજ્ય સરકારની કોર કમિટીમાં રાત્રિ કરફયુ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કોરોનાના કેસ ઘટશે નહીં તો રાત્રિ કરફ્યુ 15મી માર્ચ પછી પણ હટે તેવી સંભાવના જોવાતી નથી.