મુંબઈ: સમગ્ર વિશ્વમાં ભારતનો (India) ડંકો વાગી રહ્યો છે. ત્યારે ભારતીય શેરબજાર (Stock market) પણ નવો ઈતિહાસ રચી રહ્યું છે. બુધવારના ટ્રેડિંગ (Trading) ના પહેલાં સેશનમાં શેરબજારે પોતાનો જ રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચ્યો છે. બીએસઈ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 63,588ના નવા સ્તરે પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીએ પણ 18850ના સ્તરને પાર કરી લીધો છે. નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ 18,887.60 છે.
મંગળવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 159 પોઈન્ટ વધીને 63,327ના સ્તરે જ્યારે નિફ્ટીમાં 61 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો અને તે 18,816ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં ઉછાળો અને 12માં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ યુએસ ડોલર સામે રૂપિયો 18 પૈસા નબળો પડીને રૂ. 82.12 પર બંધ થયો હતો.
પીએમ મોદીનાં અમેરિકાના પ્રવાસની માર્કેટ પર અસર!
1 ડિસેમ્બર 2022 પછી સેન્સેક્સનો આ નવો રેકોર્ડ છે. પીએમ મોદી જ્યારે આજે અમેરિકાના સત્તાવાર પ્રવાસે છે ત્યારે ટ્રેડર્સોની નજર માર્કેટની હલચલ પર અટકેલી છે. બુધવારના કારોબારમાં સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ઓટોમાં 0.61 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નાણાકીય સેવાઓમાં 0.51 ટકાની વૃદ્ધિ નોંધાવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે બજાર અહીંથી વધુ આગળ વધશે.
આ પહેલા ડિસેમ્બર 2022માં સેન્સેક્સ ઓલ-ટાઇમ હાઇ 63,583.07 હતો. અત્યારે સેન્સેક્સ 130 પોઈન્ટથી વધીને 63,464ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઉપર અને 14 ડાઉન છે. બીજી તરફ નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈની નજીક છે. નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ 18,887.60 છે. હાલમાં તે લગભગ 40 પોઈન્ટ ચઢીને 18,850ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક, ઓટોથી રિયલ્ટી અને મીડિયા સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ હેલ્થકેર, ફાર્મા અને મેટલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતોનું અનુમાન, વર્ષ 2030 સુધીમાં નિફ્ટી 50,000ના આંકડાને સ્પર્શી શકે છે
એક દાયકા પહેલા નિફ્ટી 6000ના સ્તર સુધી પણ પહોંચી ન હતી ત્યારે હવે 10 વર્ષ પછી ડિસેમ્બર 2022માં નિફ્ટી 18900 ની નજીકના સ્તરે હતો. ત્યારે આજે ફરી નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈની નજીક છે. નિફ્ટીના 50 શેરોની માર્કેટ કેપ 14,920,255.38 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
છેલ્લા એક દાયકા દરમિયાન નિફ્ટીની પ્રગતિ 211% નોંધાઈ છે. આ પ્રગતિ પરથી નિષ્ણાતો એવું અનુમાન લગાવી રહ્યાં છે કે વર્ષ 2030 સુધીમાં નિફ્ટી 50,000ના આંકડાને સ્પર્શી શકે છે. બુધવારના કારોબારમાં સેક્ટરલ ઈન્ડેક્સમાં નિફ્ટી ઓટોમાં 0.61 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ નાણાકીય સેવાઓમાં 0.51 ટકાની વૃદ્ધિ નોંધાવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે બજાર અહીંથી વધુ આગળ વધશે.