Columns

નીંબૂડા નીંબૂડા લાઈ દો.. ઓઓ…!

મારા મિત્રને ઘેર હું અને મિત્ર બંને બેઠા હતા. તેના વિશાળ LCD TV પર ઐશ્વર્યા રાય ‘નીંબૂડા નીંબૂડા’ ગીત પર છમ્મ છમ્મ નાચી રહી હતી. હું જોઈ રહ્યો હતો. મારું ચિત્ત ગીતમાં એકાગ્ર થયું ત્યાં મિત્રે ચેનલ બદલી નાખી અને ગુજરાતી ચેનલ કરી. હું જરા ગુસ્સે થઈ ગયો. મારા અવાજમાં ખટાશ આવી ગઈ. મેં કહ્યું, ‘‘અલ્યા, ઐશ્વર્યા કેવો મસ્ત ડાન્સ કરતી’તી ને જેમ રાજકારણી પક્ષ બદલે તેમ તે ચેનલ બદલી કાઢી!’’ ચેનલ બદલીને સીધો ગુજરાતી પર આવી ગયો. ત્યાં પણ ..‘‘લીંબુડા ઝૂલે તારી બાગમાં, છબીલા લાલ, લીંબુડા ઝૂલે તારી બાગમાં..’’ ગીત આવતું’તું. તેણે ગુજરાતીમાંથી છલાંગ મારીને સીધી જ મલયાલમ ચેનલ પકડી લીધી. ગમે તે ગીત આવે તોય કોઈ માથાકૂટ જ નહીં.

ઐશ્વર્યાને જોવા છતાં મિત્રનું ડાચું બગડેલું જ હતું.(તેનું કારણ ભાભી નહોતા!) તે ડાચું વધારે બગાડીને બોલ્યો, ‘‘એકલું લીંબુડા લીંબુડા જ ચોંટી છે બીજો કાંઈ ધંધો નથી!’’ ત્યારે મને સમજાયું કે લીંબુની ખટાશ લોકોના મગજમાં એવી ચડી ગઈ છે કે તેઓ ઐશ્વર્યા જેવી લાંબી રૂપસુંદરીને પણ મન ભરીને જોઈ શકતા નથી. ઐશ્વર્યા પ્રત્યેના દર્શકોના ભાવ પર આજકાલ લીંબુનો ભાવ હાવી થઈ ગયો છે. લીંબુનો ભાવ એટલો વધ્યો કે દર્શકોના હૈયામાં ઐશ્વર્યા પ્રત્યેનો ભાવ ઘટી ગયો. (આ લખાય છે ત્યારે લીંબુનો ભાવ રૂપિયા 400ને વટાવી ગયો છે.)

ગીતની શરૂઆતમાં અતિ તાર સપ્તકમાં ‘હે…એ…નીંબુડા… આ.. આ… આ…. ‘ એવી બૂમ સાંભળીએ ત્યારે એમ લાગે કે સરદાર માર્કેટમાં લીંબુની હરાજી થઈ રહી છે પણ પછી બહેનનો અવાજ સંભળાય ત્યારે ખબર પડે કે ના ના, આ તો ફિલ્મનું ગીત છે. નીંબુડા નીંબુડા…… ગીતમાં ઐશ્વર્યા એટલે કે ભુરીબેન એવો ઊછળી ઊછળીને ડાન્સ કરે છે કે આપણને ખ્યાલ આવી જાય કે તે બે- ત્રણ ગ્લાસ લીંબુપાણી પીને જ આવ્યા હશે અને પૂરું કરીને પણ પીશે. બાકી ઉનાળામાં આ રીતે અંગ કસરત ભારે પડે હોં! આજકાલ ફક્ત ‘લીંબુડા લીંબુડા’ શબ્દો સાંભળીને લોકોનો ઓક્સિજન ઘટી જાય છે અને આ ગીતમાં લીંબુડા ઠાંસી ઠાંસીને ભરી દીધા છે બોલો.

જો કે ગીતમાં દ્રશ્ય સ્વરૂપે લીંબુડા ફક્ત એક જ વાર બતાવવામાં આવ્યા છે. બાકી લીંબુની વાડી, ખેતર એવું કશું જ બતાવ્યું નથી. છતાં દર્શકો માને છે કે જેટલું બતાવ્યું એટલું ઘણું.  જેમના ફ્યુઝનથી શ્રોતાઓના મગજમાં કન્ફ્યુઝન થઈ જાય તેવા કેટલાક મ્યુઝિક કમ્પોઝર આ ગીતનું રીમિક્સ બનાવવા ઉત્સુક છે પણ આજકાલ લીંબુના ભાવમાં આગ ઝરતી તેજી જોઈને, ભડકે બળતો ભાવવધારો જોઈને ખમી ખાધું છે. તો કેટલાક વળી લીંબુડાની જગ્યાએ ‘ચીકુડા ચીકુડા’ શબ્દ વાપરી આ ગીત શક્ય તેટલી વહેલી તકે લોન્ચ કરવાના મૂડમાં છે. ભાવકો મૂંઝાશો નહીં ‘લીંબુડા’ની જગ્યાએ ભલે ‘ચીકુડા’ આવે પણ તેમાં ભુરીબેન તો હશે જ!

ગીતની શરૂઆતમા ભુરીબેન પગથિયા પૂજતા પૂજતા નીચે ઉતરે છે પણ તેની પાછળવાળો સખણો રહેતો નથી. તે ઓચિંતાની ‘નીંબુડા…આ..આ…’ એવી ગગનભેદી બૂમ પાડે છે અને ભૂરીબેન ભડકે છે ને તોફાને ચડે છે. ભલા માણસ ઓચિંતાની આવી બૂમ પડાય?! કાચાપોચા હૃદયની બેનું દીકરીયું ફફડી જાય. પેલો એકાદ-બે બૂમ પાડીને બંધ થઈ જાત પણ ભૂરીબેન તોફાને ચડ્યા એમાં એને ય ચાનક ચડ્યું અને તેણે બૂમો પાડીને ભૂરીબેનને લીંબુના ઝાડવે ચડાવી દીધા.

પૃથ્વી પર જેમ 71 % વિસ્તારમાં પાણી અને 29% જમીન છે. એ જ રીતે આ ગીતમાં 71 % જગ્યા લીંબુડા શબ્દે જ રોકી પાડી છે. બાકી બચેલી ખાલી જગ્યામાં મીઠામરચાંની માફક છૂટાછવાયા શબ્દો ભભરાવી કવિએ ગીતને રમતું મૂકી દીધું છે. બાકી તો આમાં ય ‘ગીત ગોત્યું ગોત્યું ને ના જડ્યું.’ જેવી જ સ્થિતિ છે અમને લાગે છે કે ગીતના કવિ અગાઉ લીંબુ વેચવાનો ધંધો કરતા હશે. નહીં તો એક ગીતમાં આટલી બધી વાર ‘નીંબુડા’ શબ્દ ન આવે. એમ તો ગુજરાતીમાં ય ‘લીંબુડા’ ગીત છે.  ‘લીંબુડા ઝૂલે તારી બાગમાં છબીલા લાલ, લીંબુડા ઝૂલે તારી બાગમાં….’ પણ અહીં ગુજરાતના છબીલા લાલના બાગમાં લીંબુડા છે લીંબુડીને ખૂબ ખાતર-પાણી આપ્યા છે તોય ગીતમાં સમાય એટલા જ લીંબુડા આવ્યા છે. જ્યારે ભૂરીબેનવાળા ‘નીંબુડા નીંબુડા’માં તો લીંબુડી પર પાન કરતાં લીંબુ વધારે છે. જો કવિની લીંબુડીમાં આટલા બધા લૂમ્બેઝૂમ્બે લીંબુ પાક્યા હોય તો તેણે ગીત લખવાના ઢઇડાં ન કરાય. સવારમાં લીંબુનો ટેમ્પો ભરીને જસદણના માર્કેટિંગ યાર્ડમાં મોકલી દેવાય. બસ પછી જલસા!

આ ગીતમાં લીંબુડા લીંબુડા શબ્દ પછી વધુમાં વધુ આવતો શબ્દ છે. ‘લાઈ દો, લાઈ દો, લાઇ દો’ (પણ એમાં ભૂરાને શું ફાયદો?) અરે ભૂરીબેન જરાક ધીરા થાવ, લાવી દેશે. એના હાટુ થઈને આમ ઠેકડા મરાતા હશે, મારી બેન! આમાં એક કરતાં બીજું થાય, કમરમાં ટચકિયું થઈ જાય. જેમ નાનકાને 20 રૂપિયાવાળી ચોકોબાર કેન્ડી ન લઈ દઈએ ને પછી તે જીદે ચડે એમ ભૂરીબેન જીદે ચડયા છે. અરે ભૂરીબેન જીદને ઝાડવે ચડવું સહેલું પણ ઊતરવું અઘરું! વચ્ચે તો એવી અધીરાઈથી ‘લાઈ દો લાઇ દો’ ની હઠ પકડી તે આપણને થાય કે હવે જો આને લીંબુ નહીં લાવી દઈએ તો તે ગીત અધૂરું મૂકીને ભાગી જશે. ‘ઝટ જાઓ ચંદનહાર લાવો…’ તેનીય આવી જીદ નહોતી. આ તો તેના કરતાંય વધી!

ગીતની ખૂબી એ છે કે ભૂરીબેન લીંબુડા પાછળ આદુ ખાઈને પડ્યા છે ને ઓલ્યા દેવગનના ચહેરા પર શેરબજારમાં કડાકા બોલી ગયા હોય એવા ભાવ દેખાય છે. શેરબજારમાં વધારે પડતું રોકાણ કરી નાખ્યું હશે તેથી તેને અત્યારે થતું હશે કે આ શેર લેવા કરતાં શેરને માથે સવાશેર એવા લીંબુ લઈ લીધા હોત તો જમાવટ થઈ જાત. ભૂરીબેન ઉછળકૂદ કરે ત્યારે દેવ જેવા દેવગનને વિચાર આવે કે આ રીતે જ શેરબજાર ઉછળતું’તું ત્યારે રોકાણ કર્યું અને રોકાણ કર્યા પછી સાવ અભિષેક જેવું થઈ ગયું. આ ગીતમાં ભૂરીબેન ઘણો વ્યાયામ કરે છે.

તો બીજી બાજુ દેવગનના ચહેરા પર ‘બધા ભારતીયો મારા ભાઇ-બહેન છે’ એવા પવિત્ર ભાવ દેખાય છે. જેમ માર્કેટિંગયાર્ડમાં અનાજ – કઠોળનો દલાલ આંટા મારતો હોય એમ અજય દેવગન આંટા મારે છે. એને એમ કે લીંબુડામાં તે કાંઈ આટલી બધી હાયવોય કરાતી હશે? સૌ સારા વાના થઈ રહેશે. પણ ભૂરીબેન એવી ઉતાવળી કે એક મિનિટ પણ પગ વાળીને બેસતી નથી. તે એકલી નીંબુડા નાચ કરતી હોત તો વાંધો નહીં પણ અહીં તો તેણે લોકટોળાને ધંધે લગાડ્યું છે. બધા જ સમજ્યા-કારવ્યા વગરના કબડ્ડી રમવા લાગી પડયા છે. તમે વિચાર કરો આ બધાંનો સરવાળો કરીએ તો કેટલા માનવ કલાકો વેડફયા ગણાય? લીંબુડા પાછળ સમયનો આટલો બધો બગાડ આપણા દેશને ન પોસાય. કદાચ તાત્કાલિક ધોરણે લીંબુડા ન હોય તો તેમણે મોસંબીનો રસ પીને રોળવવું.

ગાવાની ઈચ્છા થાય તો ગાવું ય ખરું…..’હો રાજ મેં તો પીધો મોસંબીનો રસ…’ વળી આ ગીતમાં વચ્ચે ‘તા ધીન, તા તા ધીન, ધા ધીન’ જેવા બોલ આવે છે. તેથી સંગીતની દુનિયામાં આ ગીતે એક અનોખું સ્થાન બનાવ્યું છે. વેસ્ટ અને ઈન્ડિયન ક્લાસિકલનું ફ્યુઝન તો ઘણા ગીતોમાં જોવા મળે છે પણ શાકભાજી અને શાસ્ત્રીય સંગીતનું ફ્યુઝન તો એકમાત્ર આ ગીતમાં જ જોવા મળ્યું. આ ‘તા ધીન તા તા ધીન’ વખતે ભૂરીબેન ઝટકો મારીને ઝૂકે ને આંચકો મારીને ઊભા થાય. પછી ડાબે ઝૂકે ને જમણે ઝૂકે! આમ ઘણું ઝૂકમઝૂક કરે છે. એને કહેવાનું મન થાય કે ભૂરીબેન આટલી ઝૂકકાઝૂકી ન કરાય, વર્ટિગો થઈ જાય. પછી ન ઝૂકવું હોય તોય ઝૂકી પડાય. હજી તો તમારે આવા ઘણા સબ્જીસોંગ ગાવાના છે.

વળી આ ગીતની વિશેષતા એ છે કે આ ગીત ગાવાની પ્રેક્ટિસ કરો તો ગીત ભલે ન આવડે પણ લીંબુ વેચતા તો આવડી જાય, એ પાકકું! આપણને પ્રશ્ન થાય કે આ લોકોને તાત્કાલિક લીંબુની કેમ જરૂર પડી હશે? શું પ્રિયતમને તાવ આવ્યો હશે, લૂ લાગી હશે કે લૂઝ મોશન થઈ ગયાં હશે. પણ ભૂરીબેન આ ગીતની શરૂઆતમાં જ આંખ મારે છે એનો અર્થ એ જ કે પ્રિયતમના શરીરમાં પાણી તો નથી જ ઘટયું પણ લીંબુની લમણાઝીંક કંઈક જુદી જ છે. મામલો ભેદી છે. અમે એ પણ નોંધ્યું કે ગીતમાં ભૂરીબેન કહે છે કે ‘કાચા કાચા, છોટા છોટા લીંબુડા લાઇ દો..ઓ..ઓ…’ તેથી અમારું માનવું છે કે બેન શાકભાજીના સેન્સેક્સને ખૂબ સારી રીતે જાણતા હોવા જોઈએ. તેને અગાઉથી જ ખબર પડી ગઈ છે કે લીંબુના ભાવ નાળિયેરી જેટલા ઊંચા જવાના છે એટલે તે કહે છે કે કાચા કાચા, છોટા છોટા, જેવા જડે એવા અને જ્યાંથી જડે ત્યાંથી લીંબુડા ઉપાડી લાવો. કાલે માર્કેટમાં લીંબુ ગોત્યા નહીં જડે.

એટલે તે કહે છે… ‘જા જા જા ખેત સે હરીયાલા લીંબુડા લાઇ દો’ આ પંક્તિમાં પેલાને ત્રણ વાર ‘જા જા જા’ કહે છે. આ રીતે જ ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મમાં ભાગ્યશ્રીએ કબૂતરને ત્રણ વાર ‘જા જા જા’ કહ્યું’તું. ત્યાર પછી તેનું કબૂતર ક્યાં ગયું કોઈને ખબર નથી એટલે અહીં પણ ખૂબ ભારપૂર્વક કહે છે, ‘‘મૂઆ જલ્દી જા અને ખેતરમાંથી હરિયાળા એટલે કે હીરકચ્ચા લીંબુ લેતો આવ.’’ વળી અહીં કોના ખેતરમાંથી લીંબુ લાવવાના છે એવી ચોખવટ કરી નથી. તેનો અર્થ એ જ કે જ્યાંથી હાથ પડે ત્યાંથી, ગમે તેના ખેતરમાંથી લીંબુડા ઉપાડી લાવો માટે હવે ગીત ગાવાનો નહીં લીંબુડા કબ્જે કરવાનો સમય છે. હજુ તો ભવિષ્યમાં આવું ઘણું ય આવશે. દેખતે રહીએ!
ગરમાગરમ:-
લીંબુ- મરચાંને લાગી નજર,
મરચાં લટકે લીંબુ વગર.
             – ભૂષિત જોષીપુરા

Most Popular

To Top