Dakshin Gujarat

ગીરાધોધ ખાતે દુકાનો પણ ખુલી ગઈ: સહેલાણીઓના ખાણી -પીણી માટેનું આયોજન

સાપુતારા : ડાંગના ‘નાયગ્રા ધોધ’ (Niagara fall of dang) તરીકે ઓળખાતા વઘઇના આંબાપાડાના ‘ગીરાધોધ’ (Giradhodh)ની મુલાકાતે આવતા હજ્જારો પર્યટકો (Tourist)ને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણી (Food and beverage)ની સુવિધાઓ પણ મળી રહે, સાથે સાથે સ્થાનિકોને ઘરઆંગણે જ રોજગારી ઉપલબ્ધ કરાવી શકાય અને ડાંગની ‘અતિથિ દેવો ભવ’ (Atithi devo bhava)ની સંસ્કૃતિ અને સંસ્કારને પણ ઉજાગર કરી શકાય તે માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 2.15 કરોડના ખર્ચે 32 દુકાનોનું લોકાર્પણ કરાયું છે. તેમ વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.

વન મંત્રીએ દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ‘ગીરાધોધ પરિસરીય પ્રવાસન વિકાસ સહકારી મંડળી – આંબાપાડા’ ને આ દુકાનોનું પી.પી.પી. ધોરણે સંચાલન સોંપીને ૩૨ પરિવારોને સીધી રોજગારી આપી છે તેમ જણાવી, કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્થળની ગરિમા જાળવવા સાથે, અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા બાબતે પણ સૌને સચેત રહેવાનો અનુરોધ કર્યો હતો. પ્રવાસીઓને વન જતન અને સંવર્ધનના કાર્ય માટે પ્રોત્સાહિત કરવા સાથે ડાંગને ‘નો પ્લાસ્ટિક ઝોન’ જાહેર કર્યો છે.

ત્યારે અહીંના પર્યાવરણને કોઈ નુકશાન નહીં પહોંચે તેની તકેદારી દાખવવા પણ મંત્રીએ અપીલ કરી છે. ગીરાધોધ ખાતે ‘સોવેનિયર શોપ સંકુલ’ ના લોકાર્પણ કાર્યક્રમ વેળા ધારાસભ્ય વિજય પટેલે વેપારી પરિવારોને પર્યટકો સાથે તાદાત્મ્યતા કેળવી તેમના વેપાર ધંધાના વિકાસ સાથે ડાંગના આતિથ્ય સત્કારની ઉચ્ચત્તમ પરંપરાનો પણ પરિચય કરાવવાનુ આહવાન કર્યું હતું. તેમણે દુકાનદારો તથા પરિવારોને ‘કોરોના વિરોધી રસી’ લઈને સુરક્ષિત થવાની અપીલ પણ કરી હતી. નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યાએ સમગ્ર પ્રોજેક્ટનો ખ્યાલ આપી, તેના ઉદ્દેશ્યથી અવગત કરાવ્યા હતા.

મદદનીશ વન સંરક્ષક રોહિત ચૌધરીએ આભારવિધિ આટોપી હતી. કાર્યક્રમમા સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, વન સંરક્ષક મનેશ્વર રાજા, ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, વેપારી પરિવારો, પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top