Gujarat

અદાણી મુંદ્રા પોર્ટ પર પકડાયેલા 21000 કરોડના ડ્રગ્સના મામલાની તપાસ હવે એનઆઈએ કરશે

કચ્છના અદાણી મુંદ્રા પોર્ટ પરથી રેવન્યૂ ઈન્ટેલીજન્સ દ્વારા જપ્ત થયેલા 21,000 કરોડના 3000 કિલો હેરોઈનની દાણચોરીના કેસની તપાસ હવે લગભગ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) પાસે જતી રહી છે. એનઆઈએ દ્વારા હવે કેટલાં શંકાસ્પદ તત્વોની પુછપરછ શરૂ કરાઈ છે. 21,000 કરોડના હેરોઈનની દાણચોરીના કેસમાં અફઘાનિસ્તાનના તાલીબાન તથા પાકિસ્તાનની આઈએસઆઈની સંડોવણીના પણ નિર્દેશ મળી રહ્યા છે. ખાસ કરીને વિશ્વમાં સૌથી મોટો ગાંજો અને અફિણની ખેતી થાય છે તે વિસ્તાર તાલીબાનના કબ્જામાં છે. જેના પગલે ગુજરાતના સાગરકાંઠાનો ઉપયોગ ટ્રાન્સીટ રૂટ તરીકે થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્ર – કચ્છના સાગરકાંઠેથી સોનું, સિગારેટ અને ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે. એટલું જ નહીં એવી પણ શંકા સેવાઈ રહી છે, કે કચ્છમાંથી 21,000 કરોડનું જે ડ્રગ્સ જપ્ત થયું છે, તેના કરતાં મોટુ કન્સાઈમેન્ટ ગુજરાતની બહાર નીકળી ગયું છે. જેના પગલે હવે તપાસ વધુ સધન બનાવવા એનઆઈએને તપાસ સોંપાઈ છે. આ ઉપરાંત હવાલાના નાણાંના મુદ્દે તપાસ કરવા તેમાં એન્ફોર્સમેન્ટ (ઈડી) પણ તપાસમાં જોડાયું છે.

અખાતી દેશોમાંથી આવતા કન્ટેનરોની હવે સધન તપાસ કરાઈ રહી છે. ચેન્નાઈના દંપતી એમ. સુધાકર અને દુર્ગા વૈશાલીએ ટેલ્કમ પાઉડર અફધાનિસ્તાનથી મંગાવ્યો હતો. જો કે તેમાં ટેલ્કમ પાઉડરની જગ્યાએ હેરોઈનનો 3000 કિલો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર હેરોઈનની દાણચોરીના કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.

મુંદ્રા પોર્ટ પરથી હેરોઈનનો 3000 કિલો જથ્થો જપ્ત થયો તેના બીજા દિવસે ભારતીય કોસ્ટ ગાર્ડ ઉપરાંત એટીએસ દ્વારા સૌરાષ્ટ્રના સાગરકાંઠેથી 150 કરોડનું 30 કિલો હેરોઈન પણ જપ્ત કરીને એક ઈરાની જહાજમાંથી સાત ઈરાની નાગિરકોની ધરપકડ કરી લેવાઈ છે. અગાઉ જુલાઈ -2017માં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા વિદેશી જહાજને આંતરી-ઝડપીને તેમાંથી 3500 કરોડનું 1500 કિલો હેરોઈન જપ્ત કર્યુ હતું. જાન્યુ.2020માં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય જળ સીમાની અંદર ઘૂસીને માછીમારી કરી રેહલા જહાજને આંતરીને તેમાંથી પાંચ પાક. માછીમારોને પકડીને તેઓની પાસેથી 175 કરોડનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. એપ્રિલ -2021માં આઠ જેટલા પાક. નાગિરકોને પકડીને કોસ્ટ ગાર્ડ દ્વારા 150 કરોડનું હેરોઈન જપ્ત કરી લેવાયું હતું.

પોર્ટ ઓપરેટરને કોઈ કન્ટેનરની ચકાસણીની સત્તા નથી: અદાણી ગ્રુપના પ્રવક્તા
અદાણી મુંદ્રા પોર્ટનો દાણચોરો દ્વારા દુરૂપયોગ થઈ રહ્યો હોવાના આરોપો અંગે અદાણી ગ્રુપના પ્રવક્તાએ કહ્યું હતું કે પોર્ટ ઓપરેટરને કોઈ કન્ટેનરની ચકાસણીની સત્તા નથી. તે સત્તા રેવન્યૂ ઈન્ટેલીજન્સ તથા કસ્ટમ્સ પાસે છે. પોર્ટ ઓપરેટરની ભૂમિકા મર્યાદિત છે.

Most Popular

To Top