વિદેશી દેશોમાં ધાર્મિક શિક્ષણ માટે ઓનલાઈન ક્લાસ ચલાવતા મુફ્તીની મદદથી એટીએસ અને એનઆઈએ વિદેશી ફંડિંગની કડીઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે. NIA અને ATSની સંયુક્ત ટીમે ગુરુવારે સવારે લગભગ 4:00 વાગ્યે દરોડો પાડ્યો હતો. ઝાંસી કોતવાલી વિસ્તારમાં આવેલા સલીમ બાગની બહારના દતિયા ગેટના રહેવાસી ખાલિદ નદવી દીની તાલિમના ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ ચલાવે છે. કેન્દ્રીય તપાસ એજન્સીની ટીમ ગુરુવારે વહેલી સવારે અહીં પહોંચી હતી. વિદેશી ભંડોળના કેસમાં એજન્સીઓ પાસે મહત્વની કડીઓ છે.
ખાલિદના ઘરે પહોંચતા પહેલા ટીમ મુકરાણાની છોટી મસ્જિદમાં રહેતા તેમના સંબંધી સાબીર નદવીના ઘરે પણ પહોંચી હતી. તેમની પણ પૂછપરછ કરવામાં આવી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ તપાસ ટીમ તેમને પોલીસની સુરક્ષામાં છોડીને ખાલિદના સ્થાને પહોંચી હતી.
NIAની કાર્યવાહી દરમિયાન કોઈને પણ મુફ્તી ખાલિદને મળવા દેવાયા નહોતા. જેને લઈ ત્યાંના લોકોએ મસ્જિદમાંથી એલાન કરી દીધું હતું. આ એલાન બાદ મુફ્તી ખાલિદના ઘરની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. ટોળાએ હોબાળો મચાવ્યો હતો. ટોળાએ મુફ્તી ખાલિદને મુક્ત કરાવ્યા હતા જોકે ટીમે ફરી મુફ્તી ખાલિદને કસ્ટડીમાં લીધા હતા. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલુ જ છે.
NIAની ટીમ મુફ્તી ખાલિદ નદવીને કસ્ટડીમાં લઈને એસપી ઓફિસ પહોંચી છે. અહીં SP સુધા સિંહના નેતૃત્વમાં NIA અને પોલીસની ટીમ તેમની પૂછપરછ કરી રહી છે. NIAની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. વિદેશી ફંડિંગ કેસની તપાસ દરમિયાન ટીમ અહીં પહોંચી અને લોકોની પૂછપરછ કરી. મુફ્તી ખાલિદની અટકાયતના સમાચાર મળતા જ વિસ્તારમાં હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો.
એસપી સિટી જ્ઞાનેન્દ્ર સિંહ સહિત અનેક જગ્યાએથી પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને મામલો સંભાળ્યો હતો. ગુસ્સે થયેલી ભીડને જોતા પોલીસ કેટલાક કલાકો સુધી મુફ્તી ખાલિદ સાથે એક મસ્જિદમાં રોકાઈ હતી, ત્યારબાદ તે ગુપ્ત રીતે તેમને પાછળના રસ્તેથી એસપી ઓફિસ લઈ ગઈ હતી.
મુફ્તી ખાલિદે શું કહ્યું?
મુફ્તી ખાલિદે કહ્યું કે રાત્રે લગભગ 2.30-3 વાગ્યે NIA દિલ્હીના લોકોએ મારો દરવાજો ખખડાવ્યો. તેઓએ આખું ઘર સારી રીતે તપાસ્યું અને કંઈ મળ્યું નહીં. તેમને જે પણ પુસ્તકો શંકાસ્પદ જણાયા તે તેઓ લઈ ગયા. તેઓ પાસપોર્ટ, સાઉદી અરેબિયાના જૂના વિઝા જેવા દસ્તાવેજો લઈ ગયા હતા. તેઓએ મારા ફોન પર જઈને મારા વોટ્સએપ કોન્ટેક્ટ્સ અને ગ્રુપ્સ વિશે પૂછપરછ કરી. તેમણે મહંમદ ઇલ્યાસ ખુમાણ વિશે પૂછ્યું. હું એક ઓનલાઈન ઈસ્લામિક કોચિંગ સેન્ટર ચલાવું છું જ્યાં હું ભારતીય અને NRI વિદ્યાર્થીઓને ભણાવું છું. તેઓએ મારા બેંક સ્ટેટમેન્ટ પણ તપાસ્યા હતા.