બિહાર: બિહાર (Bihar)ના ઘણા શહેરોમાં NIA દ્વારા દરોડા (Raid) પાડવામાં આવ્યા છે. NIAની ટીમ એક સાથે 32 જગ્યાએ દરોડા પડ્યા છે. જેમાં પટના (Patna), દરભંગા અને અરરિયાનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા ફુલવારીશરીફ PFI કનેક્શનના મામલામાં પડી રહ્યા છે. NIAની ટીમ ફુલવારીશરીફ કેસમાં આરોપી મોહમ્મદ મુસ્તકીમના ઘરે પણ દરોડા પાડી રહી છે. તે દરભંગા જિલ્લાના સિંહવાડા પોલીસ (Police) સ્ટેશન વિસ્તારના શંકરપુર ગામનો રહેવાસી છે. આ ઉપરાંત આ ગામના રહેવાસી મોહમ્મદ સનાઉલ્લાહના ઘરે પણ NIAના દરોડા ચાલુ છે. પોલીસે સમગ્ર ગામને કોર્ડન કરી લીધું છે અને આરોપીના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.
- NIAએ અરરિયાના જોકીહાટમાં અહેસાન પરવેઝના ઘર પર દરોડા
- ફુલવારી શરીફ કેસના આરોપી મોહમ્મદ મુસ્તકીમના ઘરે પણ દરોડા
- દરોડામાં મળ્યા વાંધાજનક દસ્તાવેજો, ઝંડા અને પેમ્ફલેટસ
અરરિયાના જોકીહાટમાં અહેસાન પરવેઝના ઘરે પણ NIAના દરોડા ચાલુ છે. પટનામાં ફુલવારી શરીફ કેસમાં અહેસાનનું નામ સામે આવ્યું હતું. અહેસાન પરવેઝ એસડીપીઆઈના રાજ્ય મહાસચિવ છે. તમને જણાવી દઈએ કે બિહાર પોલીસે પટનાના ફુલવારી શરીફમાં દરોડા પાડીને પીએફઆઈની ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ફુલવારી શરીફથી દેશ વિરોધી ગતિવિધિઓ કરવામાં આવી રહી હતી. ફુલવારીશરીફના એએસપી મનીષ કુમારે જણાવ્યું હતું કે નાયટોલામાં ચલાવવામાં આવી રહેલી ઓફિસ પર દરોડા પાડીને બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપી ઝારખંડ પોલીસના ઇન્સ્પેક્ટરના પદ પરથી નિવૃત્ત થયો હતો, જેનું નામ મોહમ્મદ જલાલુદ્દીન છે અને બીજા આરોપીનું નામ અતહર પરવેઝ છે. બંને આરોપીઓ પીએફઆઈ સાથે સંકળાયેલા છે.
માર્શલ આર્ટ શીખવવાના નામે આતંકી તાલીમ
ASPએ જણાવ્યું હતું કે જલાલુદ્દીન અગાઉ સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) સાથે સંકળાયેલો હતો. જલાલુદ્દીનના ઘરે માર્શલ આર્ટ શીખવવાના નામે આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને તેમને ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે પાડવામાં આવેલા દરોડા પછી, ઘણા દસ્તાવેજો, ઝંડા, પેમ્ફલેટ્સ, પુસ્તિકાઓ મળી આવી હતી, જે મિશન સાથે સંબંધિત હતા. કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે જેમાં 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.