મુંબઈ: NIA એ આજે પાકિસ્તાન(Pakistan) સ્થિત ગેંગસ્ટર(Gangster) દાઉદ ઈબ્રાહિમ(Dawood Ibrahim)ના સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈ(Mumbai)માં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા(Raid) પાડ્યા છે. દરોડા દરમિયાન એનઆઈએએ દાઉદના સાગરિત સલીમ ફ્રુટની અટકાયત કરી છે. તેના ઘર પર દરોડા દરમિયાન તે પકડાયો હતો. આ ઉપરાંત કેટલાક મહત્વના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
- સેન્ટ્રલ એજન્સીએ દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ સામે દરોડા પાડ્યા
- એનઆઈએએ શકીલની ભાભીના પતિ કુરેશીને ભીંડી બજારમાં તેના ઘરેથી ઝડપી લીધો
- આ વર્ષે ફેબ્રુઆરીમાં, ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં તેની તપાસના ભાગરૂપે કુરેશીની પૂછપરછ કરી હતી
20 સ્થળો પર દરોડાની કાર્યવાહી
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની આ કાર્યવાહી મુંબઈમાં નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજાર અને અન્ય સ્થળોએ ચાલી રહી છે. ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ સ્મગલરો દાઉદ સાથે જોડાયેલા હતા. NIAએ ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધ્યો હતો. તેમની સામે આજે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સલીમ ફ્રુટ્સના ઠેકાણા પર દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત NIAએ શકીલની ભાભીના પતિ કુરેશીને દક્ષિણ મુંબઈના ભેંડી બજાર વિસ્તારમાંથી તેના ઘરેથી ઝડપી લીધો હતો.
આ કેસ નવાબ મલિક સાથે પણ સંબંધિત છે
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા મહારાષ્ટ્રના જેલમાં બંધ મંત્રી નવાબ મલિક સાથે પણ સંબંધિત છે. ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ દાઉદ ઈબ્રાહિમ, તેની ગેરકાયદેસર ધંધાદારી ગેંગ ‘D કંપની’ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ડી કંપની સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે. દાઉદ ઈબ્રાહિમને 2003માં યુએન દ્વારા વૈશ્વિક આતંકવાદી પણ જાહેર કરવામાં આવ્યો હતો. તે 1993ના મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. તે ક્યારેક પાકિસ્તાનમાં તો ક્યારેક અન્ય દેશોમાં ઠેકાણાઓ બદલતો રહે છે. NIAએ એક નિવેદન જારી કરીને કહ્યું કે દાઉદના સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરોના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેની તપાસના ભાગરૂપે કુરેશીની પૂછપરછ કરી હતી.