SURAT

‘ગુજરાતમિત્ર’ ના 159 મા વર્ષમાં પ્રવેશે: તમે અમારાં તો અમે તમારા વાચક છીએ

સુરત: (Surat) ગુજરાતમિત્ર’ 159 મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ગુજરાતી અખબારી પત્રકારિત્વ તેની દ્વિશતાબ્દી ઉજવી રહ્યું છે ત્યારે ‘ગુજરાતમિત્ર’ના (Gujaratmitra) અખબારી કાર્યને અનેક દૃષ્ટિથી જોવાની એક જરૂરિયાત છે. એક મહત્ત્વનું નિરીક્ષણ આજે કરી શકાય કે બ્રિટિશ રાજ હતું ત્યારે પણ તેની મુદ્રા તો આંદોલકની જ હતી. સામાજિક અને રાજકીય જાગૃતિ લાવવાનું કાર્ય તો તે સમયે પણ સતત થયું. તે વેળાનાં દેશી રાજ્યોની આપખુદી, જોહુકમી, અન્યાય અને ગેરવહીવટ સામે ‘ગુજરાતમિત્ર’નો અવાજ બુલંદ હતો. એ રજવાડાંઓ જોકે સૌરાષ્ટ્રમાં જ વધારે હતાં, પણ ‘ગુજરાતમિત્ર’ હંમેશા પોતાના અખબારી (News paper) કાર્યને રાજ્ય અને રાષ્ટ્રની વ્યાપક ભૂમિકાએ જ પ્રસ્તુત જોતું આવ્યું છે.

લાયસન્સ ટેક્સના હુલ્લડ પરથી સુરતમાં રાયટ કેસ થયેલો ત્યારે ભારે ઉહાપોહ મચેલો અને ‘ગુજરાતમિત્ર’ તેની સામે ઝઝૂમેલું. એ સમયે રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરનું નેતૃત્વ હજુ જાગ્યું ન હતું. ગાંધીજી તો બહુ પછીથી આવ્યા. ‘ગુજરાતમિત્ર’ (તે વખતે ‘સુરતમિત્ર’ તરીકે) તો ઇ.સ.1863 માં શરૂ થયેલું. ઓછાં સાધનો, વિતરણની વ્યવસ્થા પણ વિસ્તરી નહોતી. શિક્ષણ પણ આરંભના તબક્કે અને છતાં આ અખબારની અસર સુરત કે દક્ષિણ ગુજરાત પૂરતી મર્યાદિત રહી નહોતી. રજવાડાંના રાજવીઓ અને બ્રિટીશ શાસનના અધિકારીઓ અનિવાર્યપણે ‘ગુજરાતમિત્ર’ વાંચતાં. અખબારો માટે હંમેશ વર્તમાનનું જ વધારે મહત્ત્વ હોય છે પણ એ વર્તમાન ઘડાયો તો હોય છે વિત્યા સમયથી અને વર્તમાન જ ભવિષ્યનો હિસ્સો હોય છે.

જે અખબાર ત્રિકાળ જ્ઞાની હોય એ જ દરેક સમયમાંથી પસાર થઇ શકે. ‘ગુજરાતમિત્ર’ની સાથે સાથે જ નર્મદનું ‘ડાંડિયો’ શરૂ થયેલું અને આ બન્નેનાં પત્રકારત્વમાં ગુજરાતી પ્રજાનું સ્વમાન પ્રગટ થયું છે. ઇ.સ.1871-72 ના વર્ષના મુંબઇ ઇલાકાના સરકારી અહેવાલમાં ઉલ્લેખ છે કે એ વર્ષમાં ગુજરાતી વૃત્તપત્રોની સંખ્યા 26 હતી ને તેમાંના આજદિન સુધી અવિરતપણે ચાલતાં હોય તેવા તો એક હાથની આંગળીએ ગણી શકાય તેટલાં જ એમાંથી એક ‘ગુજરાતમિત્ર’ છે. એક લાંબા ઇતિહાસની આ રોમાંચક વિગતો છે. સુરત-દક્ષિણ ગુજરાતનાં લોકોને વાંચવાની ટેવ આ અખબારે પાડી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતનો મિજાજ આ અખબારના શબ્દેશબ્દમાં પ્રગટ થાય છે. સત્તા નહિ પ્રજાને પડખે રહેવું અંગ્રેજ અમલદારો પણ ‘ગુજરાતમિત્ર’ના તીખા વલણથી ઊંચાનીચા થઇ જતાં અને વડોદરા નરેશ મલ્હારરાવ ગાયકવાડની રાજનીતિ સામે ‘ગુજરાતમિત્ર’એ આકરી અને તર્કબદ્ધ લડાઈ ચલાવેલી એ વખતે આવું કોઇ કરે નહિ પણ ‘ગુજરાતમિત્ર’એ પ્રજાના પ્રતિનિધી રૂપે બેખૌફ બની મલ્હારરાવને એવા પડકાર્યા કે તે વખતેની લોર્ડ નોર્થબ્રુકની સરકારે તપાસકરવી પડી અને પરિણામ એ આવ્યું કે મલ્હારરાવે ગાદી ત્યજી દેવી પડી. એ સમયના દરેક રાજવી ‘ગુજરાતમિત્ર’ જોઇ જતાં.

અખબારની સત્તા શું હોય તેનો પરિચય ‘ગુજરાતમિત્ર’ વખતો વખત કરાવતું આવ્યું છે. દક્ષિણ ગુજરાતનાં લોકોને પારડી ઘાસિયા સત્યાગ્રહ બરાબર યાદ હશે. તે વખતે એવો કાયદો આવેલો કે જેમાં આદિવાસી ખેડૂતોની ઘાસિયા તરીકે ઓળખાતી જમીન છીનવાઈ જાય. ઇશ્વરલાલ દેસાઈએ આંદોલનનું નેતૃત્વ લીધું ત્યારે વ્યાપકપણે અને જાહેર જવાબદારી સાથે ગુજરાતમિત્ર જ એ આંદોલન સાથે રહ્યું. સુરતથી આંદોલન સ્થળે જઇ અહેવાલો લખાય અને સાથે જ આદિવાસી હક્કની બંધારણીય ભૂમિકા પણ આગળ કરવામાં આવે. ‘ગુજરાતમિત્ર’ એ લડાઈ ને એવું સ્વરૂપ આપેલું કે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) ન્યૂઝ સર્વિસ પણ તેના આધારે અહેવાલ લખે અને ન્યૂયોર્ક ટાઈમ્સ પણ પારડી ઘાસિયા સત્યાગ્રહ વિશે લખે તેનો આધાર ‘ગુજરાતમિત્ર’ અખબાર!

આખર સરકારે ઝૂકવું પડયું. એ વિસ્તારોના આદિવાસીઓ આજે પણ તેમના માટે થયેલું આ કાર્ય ભૂલ્યા નથી. કટોકટી વખતે યા નવનિર્માણ આંદલોન, અનામત આંદોલનમાં પણ ‘ગુજરાતમિત્ર’સાચી વિગતો સાથે જ વાત કરતુ. સુરત આજે મહાનગર બન્યું છે પણ તેના શિક્ષણ, રેલવે, રસ્તા, એરપોર્ટની વ્યવસ્થા વિસ્તરે તે માટે સતત લડયું છે સુરત અને દક્ષિણ ગુજરાતને લોકોને હંમેશા લાગ્યું છે કે તેમના જાહેર હિત માટે આ અખબાર જ લડે છે કારણ કે તેના મૂળ અહીંની માટીમાં છે. આજે પણ તેનું વલણ એજ છે. શાષકોની શેહમાં ન આવવું અને પ્રજાના હિતને જ માથે રાખવું. એક સાચા અખબારે આ જ કરવાનું હોય એવું અને સમજતા આવ્યા છે.

‘ગુજરાતમિત્ર’ના કોલમિસ્ટ હંમેશ રાજ્ય, દેશ,દુનિયાને સમગ્રતાથી વિચારનારા રહ્યા છે. લોકહિત તેને મન પ્રથમ રહ્યું છે કારણ કે શાસન અને શાસકો અંતિમ નથી, તે તો બદલાતાં રહેવાનાં. જે અખબાર લોકોની વાણી નથી બોલતું તે ટકી શકતું નથી. 159 મા વર્ષમાં પ્રવેશની ઘટના આ વાત આપોઆપ કહે છે. ‘ગુજરાતમિત્ર’ માં દુર્ગારામ પણ લખતા અને જયોતીન્દ્ર દવે, ચં.ચી.મહેતા પણ લખતા. પુરુષોત્તમ માવળંકર પણ લખતા. ગુજરાત વિશે  આગવી રીતે વિચારતા વિચારકો સામે ચાલીને ‘ગુજરાતમિત્ર’નો હિસ્સો બન્યા છે ને ‘ગુજરાતમિત્રે’ બધાને ઓળખી પોતાની સાથે જોડયા પણ છે. રાષ્ટ્રીય સ્તરે જાણીતા તંત્રી- પત્રકારો પણ ‘ગુજરાતમિત્ર’ના કોલમિસ્ટ રહ્યા છે. ‘ગુજરાતમિત્ર’ વાંચનારા વાચકનું બૌદ્ધિક સ્તર, સામાજિક-રાજકીય વિચારની ગહનતા જૂદાં પડી જાય એવાં રહ્યાં છે. રાજકીય પ્રવાહોનું નીરક્ષીર પૃથકકરણ થતું રહેવું જોઈએ એવું આ અખબાર સમજતું રહ્યું છે.

‘ગુજરાતમિત્ર’ અખબાર સુરત, દક્ષિણ ગુજરાતની સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક ને રાજકીય દસ્તાવેજની સામગ્રી ધરાવે છે. 158 વર્ષથી તેણે પ્રજામનનું દર્પણ બનવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. ‘ગુજરાતમિત્ર’ પાસે આજે પણ તેનાં કેટલાંક મુદ્રણ મશીનો છે. જો એ મશીનો પાસે સ્મૃતિ હોત તો તે કહેતા હોત કે કેવો કેવો સમય તેનામાં અંકિત થયો છે. અમને એ મશીનોની માયા છે એટલે તેને ‘ભંગાર’ સમજી દૂર નથી કરતાં. સુરતની માટી પ્રત્યેની માયા પણ અમને એવી જ છે. બદલાતું સુરત અમારી નસોમાં ધબકે છે અને એનો ધબકાર જ અમારી ઓળખ છે.

158 વર્ષની યાત્રા હોય તો વિશેષતાઓ સાથે કયારેક મર્યાદાઓ પણ ઉપસી હશે. કોઇપણ પત્રકાર સંપૂર્ણ તટસ્થ ન હોઈ શકે. તેણે તો પ્રવાહમાં જ રહેવાનું હોય. છતાં હર હંમેશ સાચું અને પ્રજાહિતનું જ રજુ કરવાની ‘ગુજરાતમિત્ર’ની કાયમ તેમ રહી છે અને રહેશે જ. અમારી અખબારી ભાષા તાપીનાં સતત વહેતાં જળથી પોષાયેલી છે. તાપીથી તપ્ત અમારા અખબારી કાર્યમાં દરેક સુરતી અને દક્ષિણ ગુજરાતીના શ્વાસ ધબકે છે. આપણે એકમેકમાં રહી આ યાત્રા સદીઓ સુધી વિસ્તારતાં રહીશું. તમે અમારાં વાચક છો તો અમે ય તમારા વાચક છીએ. એકબીજાને વાંચતાં રહીશું ને નવા મુકામો હાંસલ કરતાં રહીશું.

Most Popular

To Top