Dakshin Gujarat

કોલેજમાં ભણતા દક્ષિણ ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે જાણવા લાયક ન્યૂઝ, VNSGUએ કરી મોટી જાહેરાત

સુરતઃ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સતત વરસતા ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામકએ જાહેર કર્યું છે કે આવતીકાલે તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ યોજાનારી B.Sc., BCA તથા BBA કોર્સની તમામ નિયમિત પરીક્ષાઓ (Regular Exams) મોકૂફ રાખવામાં આવી છે.

  • ભારે વરસાદની આગાહીને કારણે વીર નર્મદ યુનિવર્સિટીની આવતીકાલની તમામ પરીક્ષાઓ મોકૂફ
  • તા. 29 સપ્ટેમ્બરના રોજ યોજાનારી B.Sc., BCA તથા BBA ની પરીક્ષાઓ હવે પછી નવી તારીખે યોજાશે

યુનિવર્સિટી તરફથી જણાવાયું છે કે વિદ્યાર્થીઓની સલામતી અને વ્યવહારુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થામાં ખલેલ તેમજ પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના પગલે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે.

મોકૂફ રાખવામાં આવેલી આ પરીક્ષાઓની નવી તારીખ યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તમામ આચાર્યો, સુપ્રીટેન્ડેન્ટ તથા સ્ટાફને આ અંગે તાત્કાલિક નોંધ લેવા તેમજ વિદ્યાર્થીઓને પણ યોગ્ય રીતે જાણ કરવા સૂચના આપવામાં આવી છે. પરીક્ષા મોકૂફ થવાથી વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

કેટલાક વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે, તો કેટલાકે તૈયારીને લગતી ચિંતા વ્યક્ત કરી છે. તેમ છતાં, ભારે વરસાદ વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ તેવું શૈક્ષણિક વર્તુળોમાં મત વ્યક્ત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top