National

દિલ્હીમાં પ્રદૂષણને કારણે ફરી હવા બની “ઝેરી”! નોઇડાનો AQI 600ને પાર જતા લોકો પરેશાન

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીની (New Delhi) હવા સતત ઝેરી બની રહી છે. જેમ જેમ શિયાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રદુષણનું (Air Pollution) સ્તર પણ વધી રહ્યું છે. નિષ્ણાતોના મતે જો દિલ્હીમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ નહીં હોય તો આગામી 20 દિવસ દિલ્હીમાં ગંભીર બની શકે છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં છે જ્યારે કેટલાક વિસ્તારોમાં તે અત્યંત નબળી શ્રેણીમાં પહોંચી ગયો છે.

રાજધાનીમાં પવનની ઝડપ ઘટતાં હવામાં શ્વાસ રૂંધાવા લાગ્યો છે. શુક્રવારે ફરી એકવાર દિલ્હી NCRમાં હવા ગંભીર શ્રેણીમાં નોંધાઈ હતી. સફર ઈન્ડિયા અનુસાર દિલ્હીમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ગુરુવારે સવારે 346 નોંધાયો હતો, જે ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં છે. તે જ સમયે નોઇડામાં (Noida) એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) બપોરે 12 વાગ્યે 695 પર પહોંચ્યો હતો. એટલું જ નહિ ઘણા લોકોએ આંખોમાં બળતરાની ફરિયાદ પણ કરી હતી.

દિલ્હીના હોટ સ્પોટ પર AQI વધી રહ્યો છે, જેને લઈને ઘણા વિભાગો સાથે સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જો સતત એક સપ્તાહ સુધી AQI 400 થી વધુ નોંધવામાં આવશે તો 1 કિલોમીટરની ત્રિજ્યામાં બાંધકામનું કામ બંધ કરી દેવામાં આવશે. તેમજ દિલ્હીના તમામ સરકારી વિભાગોમાં નાઈટ ડ્યુટી દરમિયાન ગાર્ડને હીટર આપવાના નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા.

પ્રદૂષણને અંકુશમાં લેવા માટે મોબાઈલ એન્ટી સ્મોગ ગન હવે સમગ્ર દિલ્હીમાં પાણીનો છંટકાવ કરશે. આ અંગે PWDને સૂચનાઓ પણ આપવામાં આવી છે. ઉપરાંત સીએનજી (CNG) અથવા ઇલેક્ટ્રિક બસો સિવાય, માત્ર BS6 એન્જિનવાળી ડીઝલ બસો જ હરિયાણા અને રાજસ્થાન-યુપીના NCR પ્રદેશમાંથી દિલ્હીમાં પ્રવેશ મેળવી રહી છે. આ બાબત પર નજર રાખવા માટે દિલ્હીમાં ટ્રાફિક પોલીસ અને પર્યાવરણ વિભાગના 6 સભ્યોની 18 ટીમો બનાવવામાં આવી છે જેને દિલ્હીમાં ડીઝલ બસોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા માટે તૈનાત કરવામાં આવી છે. આ સૂચનાનો અમલ ગઈકાલે એટલે કે 1લી નવેમ્બરથી શરૂ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં દિલ્હી સરકાર દ્વારા 59 ડીઝલ બસોને રોકવામાં આવી છે.

Most Popular

To Top