Sports

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડે બનાવ્યો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર: દક્ષિણ આફ્રિકાને 363 રનનો લક્ષ્યાંક

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 363 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 6 વિકેટે 362 રન બનાવ્યા. આ ટુર્નામેન્ટનો અત્યાર સધીનો સૌથી વધુ સ્કોર છે. અગાઉનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, ઓસ્ટ્રેલિયાની ટીમે આ જ મેદાન પર ઇંગ્લેન્ડ સામે 356 રન બનાવ્યા હતા.

રચિન રવિન્દ્રએ 108 અને કેન વિલિયમસને 102 રન ફટકાર્યા હતા જ્યારે ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સ અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યા હતા. બંનેએ 49-49 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ 3 વિકેટ લીધી. રબાડાએ 2 વિકેટ લીધી. વાયન મુલ્ડરને પણ એક વિકેટ મળી.

આ મેચ વિલિયમસન માટે અત્યાર સુધી ખૂબ જ ઐતિહાસિક રહી છે, જેમાં તેણે પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 19000 રન પૂરા કર્યા, અને પછી તે પોતાની 48મી સદી પણ ફટકારવામાં સફળ રહ્યો, જેની સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવાના મામલે એબી ડીવિલિયર્સને પાછળ છોડી દીધો.

કેન વિલિયમસન અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 48 સદીની ઇનિંગ્સ રમી ચૂક્યો છે. આ સાથે જ્યારે તેણે સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં એબી ડીવિલિયર્સને પાછળ છોડી દીધો છે, ત્યારે તેણે રાહુલ દ્રવિડ અને સ્ટીવ સ્મિથની પણ બરાબરી કરી છે જેમના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 48 સદી ફટકારવાનો રેકોર્ડ છે. કેન વિલિયમસન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7મો ખેલાડી છે જેણે ODI વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી બંનેમાં 2 કે તેથી વધુ સદી ફટકારી છે. આ વિલિયમસનની વનડે કારકિર્દીની 15મી સદી પણ છે. આ વિલિયમસનની ICC ODI ટુર્નામેન્ટમાં ચોથી સદી હતી અને તે હવે ન્યૂઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રની પાંચ સદી પછી ઓલ ટાઇમ યાદીમાં બીજા ક્રમે છે.

ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇન્ડીઝનો રેકોર્ડ તોડ્યો
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કિવી ટીમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 5 સદી ફટકારવામાં આવી છે, જેની સાથે તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં એક જ આવૃત્તિમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સદી ફટકારવાનો વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2006 માં વેસ્ટ ઇન્ડીઝ ટીમ તરફથી કુલ 4 સદીની ઇનિંગ્સ જોવા મળી હતી.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બવુમા (કેપ્ટન), એડન માર્કરમ, રાયન રિકેલ્ટન, રાસી વાન ડેર ડસેન, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વાયન મુલ્ડર, માર્કો યાનસન, કગીસો રબાડા, કેશવ મહારાજ અને લુંગી એનગિડી.

ન્યૂઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મેટ હેનરી, કાઈલ જેમીસન અને વિલિયમ ઓરૂર્ક.

Most Popular

To Top