બેંગ્લુરુઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ બેંગલુરુમાં રમાઈ રહી છે. આજે સ્પર્ધાનો ત્રીજો દિવસ છે. ટીમ ઈન્ડિયાના પ્રથમ દાવમાં 46 રન કદાચ વધારે સાબિત ન થાય. જે પીચ પર ભારતે તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 46 રન બનાવ્યા હતા, તે જ પીચ પર ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 402 રન બનાવ્યા હતા. એટલે કે પ્રથમ દાવના આધારે તેને 356 રનની લીડ મળી હતી. હવે ભારતીય ટીમે મેચ બચાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
આ અગાઉ આજે સવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ્યાં ભારતીય બેટ્સમેનો માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા તે જ મેદાન પર ન્યૂઝીલેન્ડના ભારતીય મૂળના બેટ્સમેન રચિન રવિન્દ્રએ વિસ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી હતી. વનડે શૈલીમાં બેટિંગ કરતા રચિને 124 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તે 2012 પછી ભારતીય ધરતી પર સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તેના પહેલા આ જ મેદાન પર રોસ ટેલરે 113 રનની ઇનિંગ રમી હતી.
આજે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે રમવાનું શરૂ કર્યું ત્યારે તેને શરૂઆતી આંચકાનો સામનો કરવો પડ્યો હતો. ડેરીલ મિશેલને 18 રનના અંગત સ્કોર પર મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો જ્યારે ટોમ બ્લંડેલને જસપ્રિત બુમરાહ 5 રન પર આઉટ કર્યો હતો. ગ્લેન ફિલિપ્સ 14 રને અને મેટ હેનરીને રવિન્દ્ર જાડેજાએ બોલ્ડ કરી મેચમાં ભારતની વાપસી કરાવી હતી.
એક સમય હતો જ્યારે એવું લાગતું હતું કે ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડને 300ની અંદર આઉટ કરી દેશે પરંતુ એવું થયું નહીં. ભારતીય મૂળના રચિન રવિન્દ્રએ તેના મનપસંદ મેદાન પર શરૂઆતમાં ધીમી બેટિંગ કરી પરંતુ બાદમાં ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેણે 124 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
બીજા છેડે પૂર્વ કેપ્ટન ટિમ સાઉથીએ પણ રચિનને સારો સાથ આપ્યો હતો. ફાસ્ટ બોલર સાઉથીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે લંચ સુધી તેની ઇનિંગ્સમાં 50 બોલનો સામનો કર્યો હતો, જ્યારે 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 49 અણનમ રન બનાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ટિમ સાઉથીએ ટેસ્ટમાં સિક્સર ફટકારવાના મામલે વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો છે.
નોંધનીય છે કે આ પહેલા ભારતીય ટીમનો દાવ માત્ર 46 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય મેદાન પર આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે. આ શરમજનક પ્રદર્શન બાદ તેના ખેલાડીઓ બોલિંગમાં પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી.