નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતી લીધી છે. ભારતે ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 280 રને જીતી હતી. ત્યાર બાદ કાનપુરમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે 3 T20 મેચોની સિરીઝ રમશે. ટી20 સિરીઝ બાદ ફરી ટેસ્ટનો વારો આવશે. ભારત ન્યૂઝીલેન્ડ સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 3 ટેસ્ટ મેચ રમશે.
દરમિયાન ભારત પ્રવાસ પર આવતા પહેલા ન્યુઝીલેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીલંકામાં 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં 0-2થી હાર્યા બાદ ટેસ્ટ કેપ્ટન ટિમ સાઉથીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાઉથીના સ્થાને અનુભવી ઓપનર બેટ્સમેન ટોમ લાથમ સુકાની કરશે. તે ઘણી મેચોમાં કમાન સંભાળી ચૂક્યો છે. લાથમે 9 ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કર્યું હતું.
સાઉથીએ કેમ છોડ્યું સુકાનીપદ?
સાઉથીએ કહ્યું કે તેણે ટીમના હિતમાં કેપ્ટન પદ છોડવાનો નિર્ણય લીધો છે. સાઉથીએ કહ્યું, મારા માટે ખૂબ જ ખાસ એવા ફોર્મેટમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશિપ કરવી એ સન્માનની વાત છે. મેં મારી કારકિર્દી દરમિયાન હંમેશા ટીમને પ્રથમ સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે અને હું માનું છું કે આ નિર્ણય ટીમ માટે શ્રેષ્ઠ છે. મારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરીને હું ટીમની શ્રેષ્ઠ સેવા કરી શકું છું.
ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી નથી
ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કેપ્ટન તરીકે ટીમમાં સાઉથીના યોગદાનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે તે ટેસ્ટ ક્રિકેટમાં તેમની યોજનાનો મહત્વનો ભાગ બની રહેશે. ન્યુઝીલેન્ડે હજુ સુધી ભારતમાં ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી નથી. કીવી ટીમ 16 ઓક્ટોબરે બેંગલુરુમાં ભારત સામે પ્રથમ ટેસ્ટ રમશે. 24 ઓક્ટોબરથી પુણે અને 1 નવેમ્બરથી મુંબઈમાં ટેસ્ટ મેચ યોજાશે.