ફકત આંખો વડે કેટલા ભાવો સૂક્ષ્મતાથી વ્યક્ત થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે નૂતન. જેમ ‘મધર ઇન્ડિયા’ની કલ્પના નરગીસ વિના ‘મુગલ-એ-આઝમ’ની કલ્પના મધુબાલા વિના ‘ગાઈડ’ની કલ્પના વહીદા રહેમાન કે ‘ઉમરાવજાન’ની કલ્પના રેખા વિના ન થઇ શકે તેમ ‘બંદિની’ અને સુજાતા’ની કલ્પના નૂતન વિના ન થઇ શકે. આ બે ફિલ્મોમાં તેમની આંખો જાણે સ્વયં આખી કથાનું સંવેદન બની જાય વ્યક્ત થાય છે. પણ આ જ નૂતનની આંખો ‘તેરે ઘરકે સામને’માં એકદમ ચંચળ થઇ ઉઠે છે તો ‘મિલન’માં તેની આંખોથી જે પ્રેમ છલકે છે તે મંત્રમુગ્ધ કરી દે છે. નૂતનને જોવી એક અનુભવ છે. આખી ફિલ્મને પોતાના અભિનય વડે તેમણે અનેકવાર તારી છે. ‘સીમા’, ‘સોને કી ચિડીયા’, ‘છલિયા’, ‘ખાનદાન’, ‘સરસ્વતી ચંદન્ર’ અને ‘સૌદાગર’ ફિલ્મોનું કેન્દ્ર તેમના પાત્રો છે. તેઓ જયારે ગંભીર પાત્રો ભજવે ત્યારે ઘણીવાર બલરાજ સાહની જેવા સહઅભિનેતાની જરૂર પડતી. પરંતુ નૂતને પોતાને અમુક પ્રકારની ફિલ્મોમાં મર્યાદિત નથી કર્યા.
તે શમ્મીકપૂર કિશોરકુમારના હીરોઇન પણ બન્યા અને મનિષ (સરસ્વતીચંદ્ર)ના અમિતાભ બચ્ચનનાં રાજખોસલાને ‘મેં તુલસી તેરે આંગન કી’ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે નૂતન-આશા પારેખ પૌઢ થઇ ચુકયા હતા પણ એ પૌઢતાને જ કારણે એ પાત્રો વધારે અધિકૃત બની શકયા. સૌદાગરના કેન્દ્રમાં નૂતન છે. અમિતાભનું પાત્ર ચરિત્રગત શિથીલ છેને તેનાથી જેને છેતરાવાનું બને છે તે નૂતનનું પાત્ર છે. તેઓ વહીદા રહેમાન, વૈજયંતીમાલા જેવા પાત્રો ન કરતાં ડાન્સમાં તેઓ સારા ન હતા તો ખોટા સાહસ નહીં કરવા પોતાની ક્ષમતા શું છે તે સમજવી અને તેમાં શું શું થઇ શકે તે નૂતને વિચાર્યું.
નૂતને અભિનય વડે જે ચારિત્ર્ય ઉભું કર્યું, તેમના સૌથી વધુ ગીતો લતાજીએ જ ગાયા. શમશાદ બેગમથી માંડી આશા ભોંસલે સુધીના ગાયિકા છે પણ નૂતન માટે વધુ પર્ફેકટ લતાજી છે. શોભના સમર્થની ત્રણ દિકરી નૂતન, તનુજા અને ચતુરા. 4 જૂન, 1936માં જન્મેલા નૂતને માત્ર આઠ વર્ષની ઉંમરે નળદમયંતીમાં નાનકડી ભૂમિકા કરેલી. એ ફિલ્મ તેમના પિતા કુમારસેન સમર્થના નિર્માણ હેઠળ બનેલી. શોભના સમર્થે હમારી બેટી નામે ફિલ્મ બનાવી ત્યારે 14 વર્ષની નૂતનને તેમણે હીરોઇન બનાવી દીધે. નૂતન જાણીતા થયા આપણા ગુજરાતી નિર્માતા દલસુખ પંચોલી અને દિગ્દર્શક રવીન્દ્ર દવેની ‘નગીના’ ફિલ્મથી તેમાં તેમના હીરો નાસીરખાન હતા.
તમે જોઇ શકશો કે દિલીપકુમારને નૂતન સામે અભિનય કરવામાં સલામતી જણાય નથી. નૂતનના પાછળા વર્ષોમાં કર્મા અને કાનૂન અપના અપનામાં બન્ને સાથે છે પણ નૂતનને તેમની ઓળખ પ્રમાણેનો અભિનય કરવાનો ન હતો. અભિનેત્રીની પ્રતિભા પણ હીરો પસંદ કરવામાં નિર્ણાયક બની શકે, પાર્શ્વગાયિકા પસંદ કરવામાં નિર્ણાયક બની શકે તે તમે નૂતનમાં જોઇ શકો. નૂતન એક વિચારશીલ અને પાત્રનાં સંવેદનને પામી શકે એવા અભિનેત્રી હતા. દિગ્દર્શક કહે એટલું જ કરે તેવા નહોતા એટલે જ અમુક ફિલ્મ હોય તો નૂતનની પસંદગી આપોઆપ થઈ જતી મનમોહન દેસાઈની પહેલી ફિલ્મ છલિયા છે ને તેમાં રાજકપૂર સાથે નૂતન છે. ગોવિંદ સરૈયા સરસ્વતીચન્દ્રની કુમુદ માટે બીજી અભિનેત્રીને ય વિચારતા હતા પણ શોભના સમર્થ સાથે તેમને નિકટનો પરિચય હતો.
એ સમયે નૂતન -શોભના સમર્થ વચ્ચે ઝગડા ચાલતા હતા છતાં શોભનાજીએ કહ્યું કે કુમુદના પાત્ર માટે તમને નૂતનથી વધુ સારી કોઇ નહીં મળશે. સીમા ફિલ્મના પાત્રમાં મનો વિજ્ઞાનની સમજ જરૂર હતી. માત્ર અભિનય આવડવાથી સીમાનું પાત્ર ભજવી શકાય તેમ ન હતું. આ પાત્રો નૂતન માટે હતા. દેવ આનંદે નૂતન સાથે મંઝીલ, તેરે ઘરકે સામને, પેઇંગ ગેસ્ટમાં કામ કર્યું. દેવસાબે નૂતનના દિકરા મોહનિશ બહલ સાથે પણ કામ કરેલું અને મોહનિશને પ્રથમવાર મળ્યા તો તેની આંખો જોતાં નૂતન સાથેનું ‘ઓ નિગાહે મસ્તાના’ (પેઇંગ ગેસ્ટ) ગીત યાદ આવેલું પણ એ આંખો નૂતનની તો ન જ બની શકે!
નૂતનને સીમા, સુજાતા, બંદિનિ મિલન અને મેં તુલસી તેરે આંગન કી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનાં ફિલ્મફેર એવોર્ડ મળ્યા. 1974માં તેમને પદ્મશ્રીનું સન્માન મળ્યું. નૂતન ખૂબ આધુનિક વિચારના હતા. ફકત સાડી પહેરવી પડે તેવા પાત્રો તેમણે નથી ભજવ્યા. દિલ્હી કા ઠગ માં તેમણે સ્વીમસૂટ પહેર્યો ત્યારે ઘણાની આંખો ચકરાય ગેયલી. નૂતન ગ્લેમર દેખાડી લોકપ્રિય નહોતા બનતાં. બિમલરોયે બંદિની, સુજાતા પછી પરખ અને પ્રેમપત્રમાં પણ નૂતનને ઈચ્છતા હતા પણ ત્યારે તેઓની મોહનીશના મમ્મી બન્યા એટલે વિરામ લેતા હતા. પરખ અને પ્રેમપત્રમાં સાધનાને જોશો તો લાગશે કે નૂતન પાસે કરાવવાનું કામ જ બિમલદાએ તેની પાસે કરાવેલું.
સાધના કહેતાં કે મારો આદર્શ નૂતનજી છે. હકીકત એ છે કે અભિનય શીખવો હોય તો તમે નૂતને ભજવેલા પાત્રોનનો અભ્યાસ કરવો. નૂતનના લગ્ન લેફટન્નટ કમાંડર રજનીશ બહલ સાથે થયેલા, પણ દામ્પત્યજીવન કાંઇ એટલું સારું નહોતું. દેવી ફિલ્મ દરમ્યાન સંજીવકુમાર સાથેનાં પ્રેમની ચર્ચા જાગી ત્યારે લેફટનન્ટ ભડકી ઉઠેલા ને પ્રેમ સંબંધ તોડવો પડેલો. આ નૂતન સંજીવકુમારને મળવા કેમ્પ્સ કોર્નરની હોટલમાં આવતા ત્યારે સંજીવકુમાર ટેઇપરેકોર્ડર ઓન કરી દેતાં બંનેની અંગત વાતચીત અને કેસેટ ભેગા થયેલા પણ સંબંધ તૂટયો પછી સંજીવકુમારને એ વાતો સાચવવી મુશ્કેલ જણાયેલી અને એક મિત્રના પત્નીને આપી દીધેલી. નૂતન ફકત 55 વર્ષ જ જીવ્યા પણ તેમના અભિનયનું આયુષ્ય તમે જયારે પણ તેમની ફિલ્મો જોશો ત્યારે અનુભવશો.