દિલ્હી બોમ્બ વિસ્ફોટ કરનારા આતંકવાદી મોહમ્મદ ઉમર નબીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ઉમર નબી અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે અને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોને યોગ્ય ઠેરવી રહ્યો છે. આ વીડિયોમાં ઉમર નબી એકલો દેખાય છે. તે કેમેરા સામે બેસીને વીડિયો બનાવી રહ્યો છે.
આ વીડિયોમાં આતંકવાદી ઉમર કહે છે કે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટને યોગ્ય રીતે સમજવામાં આવ્યા નથી. લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે બોમ્બ વિસ્ફોટ અથવા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો વિચાર ખરેખર શું છે તે સમજવામાં નિષ્ફળ જાય છે. તેની સામે ઘણા વિરોધાભાસ અને અસંખ્ય દલીલો છે.
વધુમાં તે કહે છે, સ્યુસાઈડ બોમ્બર એટેકની મુખ્ય સમસ્યા એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ માને છે કે તેનું મૃત્યુ ચોક્કસ સમયે અને સ્થળે થશે ત્યારે તે ખતરનાક માનસિક સ્થિતિમાં જતો રહે છે. તે એવું માનવા લાગે છે કે મૃત્યુ જ તેનું એકમાત્ર લક્ષ્યસ્થાન છે. તે આગળ કહે છે, પરંતુ સત્ય એ છે કે આવી વિચારસરણી અથવા આવી પરિસ્થિતિઓ કોઈપણ લોકશાહી અથવા માનવ વ્યવસ્થામાં સ્વીકાર્ય ન હોઈ શકે. કારણ કે તે જીવન, સમાજ અને કાયદાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.
આ વીડિયો અહીં સમાપ્ત થાય છે. તેથી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ અંગે તેના વધુ વિચારો જાણી શકાયા નથી. જો કે, આ વીડિયોમાં આતંકવાદી ઉમર એકદમ હળવાશથી બોલતો દેખાય છે. આતંકવાદીઓના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થઈ શકે છે.
લાલ કિલ્લા પાસે હુમલાનો આરોપી છે ઉમર
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં પંદર લોકોના મોત થયા છે. મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 ની બહાર કારમાં સવાર એક વ્યક્તિએ પોતાને ઉડાવી દેતા વિસ્ફોટ થયો હતો. તપાસ એજન્સીઓએ આતંકવાદી ઉમરની માતા પાસેથી ડીએનએ નમૂના લઈને પુષ્ટિ કરી છે કે કાર ચલાવનાર વ્યક્તિ ખરેખર આતંકવાદી ઉમર હતો અને વિસ્ફોટમાં તેના ટુકડા થઈ ગયા હતા. તપાસ હજુ પણ ચાલુ છે. પોલીસે આ કેસના સંદર્ભમાં દિલ્હી, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં ઘણા લોકોની ધરપકડ કરી છે. આ કેસ ફરીદાબાદમાં મળેલા 2900 કિલો વિસ્ફોટકો સાથે જોડાયેલો છે.
ડૉ. ઉમર કોણ છે?
આતંકવાદી ડૉ. ઉમર મૂળ પુલવામાના કોઇલ ગામનો વતની હતો. તેને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં ખૂબ રસ હતો. પોલીસ સૂત્રો કહે છે કે તાજેતરના મહિનાઓમાં ઉમરનું વર્તન બદલાઈ ગયું હતું. 30 ઓક્ટોબરથી તેણે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી પોતાની ફરજો છોડી દીધી અને ફરીદાબાદ અને દિલ્હી વચ્ચે મુસાફરી કરવાનું શરૂ કર્યું. તે ઘણીવાર રામલીલા મેદાન અને સુનહેરી મસ્જિદ નજીકની મસ્જિદોમાં રોકાતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, 9 નવેમ્બરના રોજ ફરીદાબાદમાં દરોડા પડ્યા બાદ તે ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ એક વેરહાઉસમાંથી લગભગ 2,900 કિલો વિસ્ફોટકો મળી આવ્યા હતા અને તેના કેટલાક સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી.