સુરત : સામાન્ય રીતે વરઘોડા કે શોભાયાત્રા(procession)માં બગી(Buggy), ઘોડા(Horses) કે વધુમાં વધુ હાથી(Elephant) અને ઊંટગાડા નજરે પડતાં હતા પરંતુ છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રવાસીઓના એક ગ્રુપ દ્વારા સુશોભિત બળદગાડાનો ટ્રેન્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ ગ્રુપ એક ગૌશાળા ચલાવે છે અને તેમાં જે બળદો તરછોડાયેલા હોય તેનો નિભાવ પણ કરે છે.
- લગ્નના વરઘોડા અને શોભાયાત્રામાં સુશોભિત બળદગાડાંનો નવો ટ્રેન્ડ
- આ નવા કોન્સેપ્ટની આવકમાંથી તરછોડાયેલા બળદનો જ નિભાવ થાય છે
આ ગ્રુપ સાથે સંકળાયેલા પ્રવિણ હિરજીભાઇ માણિયાના જણાવ્યા અનુસાર તેઓ તેમજ તેમના મિત્રો જે તમામ મૂળ સૌરાષ્ટ્રના છે તેમના દ્વારા સણિયા હેમાદ રોડ ઉપર મેલડી માતાના મંદિર પાસે ગૌ-કુલ નામથી એક ગૌશાળા ચલાવવામાં આવે છે. તેઓ જણાવે છે કે, દરેક જગ્યાએ ગાય માતાની જ સેવા કરવામાં આવે છે. દાન પુણ્ય પણ લોકો તેના નામે જ કરતાં હોય છે. આવી સ્થિતિમાં બળદ વિસરાઇ જાય છે. બળદ કોઇ કામના નહીં રહે ત્યારે તેને તરછોડી દેવામાં આવે છે. આવા બળદનું કોઇ જ બેલી નથી હોતું જેના કારણે તેમણે તરછોડાયેલા બળદનો નિભાવ પણ થાય અને તેમના દ્વારા જ આવક પણ ઊભી થાય તે હેતુથી શોભાયાત્રા અને વરઘોડામાં બળદગાડાનો ઉપયોગ કરવાનું તેમણે નક્કી કર્યું હતું.
લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે બળદગાડાનો ઉપયોગ
કોરોનાના વર્ષોમાં તો તેમને કોઇ ખાસ રિસ્પોન્સ મળ્યો ન હતો પરંતુ આ વર્ષે લોકો ઉત્સાહભેર શોભાયાત્રા અને લગ્નપ્રસંગમાં બળદગાડાનો ઉપયોગ કરી રહ્યાં છે. તેઓ નાના વરાછા અને મોટાવરાછા વિસ્તારમાં વરઘોડો હોય તો તેમાં એક ગાડાના 11000 રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે ધાર્મિક પ્રસંગ હોય તો તેમાં 5500 રૂપિયા ચાર્જ કરે છે. આ આવક બળદના નિભાવ પાછળ જ ખર્ચ થાય છે.
બળદ બેઠા બેઠા ખાઇ તે પોસાતું નહીં હોવાથી તરછોડી દેવાઇ છે
આ ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે, હાલના જમાનામાં મા-બાપને પણ તરછોડી દેવાતા હોવાથી વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે. તેવા સંજોગોમાં બળદ બિચારો લાકડી ખાઇ ખાઇને આખી જિંદગી ખેતરમાં કામ કરે છે. તે કામ લાયક નહીં રહે ત્યારે તેને બેઠા બેઠા ખવડાવવાનું નહીં પોસાતું હોવાથી તરછોડી દેવાઇ છે.