Charchapatra

નાણાંકીય ઠગાઈની નવી તરકીબ

હમણાં જ મને “ફેસબુક” ઉપર વેબસાઇટ બનાવવા માટે એક વ્યક્તિએ કોન્ટેક્ટ કર્યો. બધું સરસ લાગતું હતું—પણ જ્યારે “પેમેન્ટ” ની વાત આવી ત્યારે થોડી શંકા લાગી. સામી વ્યક્તિએ આગ્રહ કર્યો કે તે ફક્ત અમેરિકામાં જ “ચેક” અથવા “મની-ઓર્ડર” દ્વારા ચુકવણી કરશે અને તે મારા તરફથી અમેરિકામાં રહેતા કોઈ એક વિશ્વાસુ મિત્ર કે સ્નેહીજનનું નામ અને સરનામું માંગતો હતો જેમને તે પેમેન્ટ મોકલી શકે. જ્યારે મેં મારી ભારતીય બઁકમાં વાયર ટ્રાન્સફરથી  પેમેન્ટ  માંગ્યું તો તેણે અસ્વીકાર કર્યો અને સુરક્ષા કારણો દર્શાવીને બહાનાં આપ્યાં. પણ તેણે વચન આપ્યું કે જો હું તેના ચુકવણીના નિયમો સ્વીકારું, તો તે મને એડવાન્સ “ચેક”  મોકલશે, જે ૨૪ કલાકમાં ક્લિયર થશે અને પ્રોજેક્ટ પણ મારી કંપનીને મળી જશે!

આટલું સરળતાથી કામ મળતાં મને શંકા દઢ થતી લાગી અને થોડું ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરતાં ખબર પડી કે આ ઠગાઈ કેવી રીતે કાર્ય કરે છે? કૌભાંડી વ્યક્તિ તમને બિલની રકમ કરતાં મોટી  રકમનો બનાવટી ચેક  મોકલે છે અને કહે છે કે તમે તુરંત જમા કરો તો ૨૪  કલાકમાં તે કલિયર થઈ જશે. ચેક ક્લિયર થાય તે પહેલાં, તેઓ તમને વધારાના રૂપિયા અન્ય એકાઉન્ટમાં મોકલાવવા કહે છે- જે આ છેતરપિંડીનું   મુખ્ય તત્ત્વ છે. બેંક પાછળથી  આવો ખોટો “ચેક”  ઓળખે છે અને રકમ પાછી ખેંચી લે છે અને તમારે ખોટ સહન કરવી પડે છે. આ માટે તેઓ બેંકિંગ કિલયરિંગ પ્રોસેસની વિલંબતાનો લાભ લેતા હોય છે. કૌભાંડી વ્યક્તિ  તમારા તરફથી અમેરિકામાં રહેતા બીજા વ્યક્તિની માગણી કરે છે  જેથી ટ્રાન્સેક્ષન ટ્રૅકિંગ કરવું મુશ્કેલ બને. આવી છેતરપિંડીથી સુરક્ષિત રહેવા માટે તમારી વ્યક્તિગત અથવા બિઝનેસ માહિતી અજાણ્યા સોશ્યલ મિડિયા વ્યક્તિ સાથે શેર કરશો નહીં તથા શંકાસ્પદ “ચેક”  ક્યારેય સ્વીકારશો નહીં.
સુરત     – ભાવિન મિસ્ત્રી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top