ગુજરાતમાં ફરી એક વખત મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ કરવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા નરેન્દ્ર મોદી, અમિત શાહની સાથે બેઠકો કરી લેવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં કોણ હશે તેની યાદી નક્કી થઈ ગઈ છે. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવી લેવામાં આવ્યા છે.

એકાદ દિવસમાં મંત્રીઓના રાજીનામા લઈ લેવાશે અને સંભવત: બે દિવસમાં નવા મંત્રીમંડળની જાહેરાત કરવાની સાથે શપથવિધી પણ પુરી કરી દેવામાં આવશે. સરકાર ચાલતી હોય ત્યારે જ મંત્રીમંડળમાં ફેરબદલનો ગુજરાતમાં ઈતિહાસ રહ્યો છે. ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં પણ અનેક વખત મત્રીમંડળમાં ફેરફારો થયા છે. કોંગ્રેસના સમયમાં મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા છે. આ જ સ્થિતિ ભાજપમાં પણ છે. ભાજપમાં પણ એકમાત્ર નરેન્દ્ર મોદીએ જ સળંગ 13 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી હતી. જોકે, જ્યારથી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા છે ત્યારથી ગુજરાતમાં સતત ઘમ્મરવલોણું ચાલતું જ રહ્યું છે. મોદી બાદ આનંદીબેન અને ત્યારબાદ રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે.
અન્ય રાજકીય પક્ષોની તુલનામાં ભાજપે ગુજરાતમાં મંત્રીમંડળોમાં સતત ફેરફારો ચાલુ જ રાખ્યા છે. નરેન્દ્ર મોદી સર્વેસર્વા થયા બાદ ભાજપની આ નીતિ જ રહી છે કે સમય આવ્યે મુખ્યમંત્રી બદલી દેવા. જો મુખ્યમંત્રીને વધુ સમય નહીં થયો હોય તો મંત્રીમંડળમાં ફેરફારો કરી દેવા. સામાન્ય રીતે દરેક પક્ષમાં તમામ ધારાસભ્યો મંત્રી બનવા માટે ઈચ્છુક હોય છે. જોકે, મંત્રીમંડળ એટલું મોટું બનાવી શકાતું નથી.
આ કારણે મોટાભાગના ધારાસભ્યોમાં અસંતોષની લાગણી રહે છે. તેમાં પણ ભાજપમાં તો આ વખતે પક્ષના અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની ભરમાર છે. ભાજપે 157 બેઠકો જીતી હતી અને નવા ઉમેરાતા હાલમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા 162 પર પહોંચી છે. આ સંજોગોમાં તમામને સંતોષ આપી શકાય તેમ નથી. આ કારણે જ ભાજપ દ્વારા મંત્રીમંડળની ફેરરચના કરીને અસંતોષને ઠારવાની સાથે લોકોમાં પણ ઊભા થયેલા એન્ટી ઈન્કમબન્સીની અસરને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
હાલમાં ભાજપની સરકાર માટે રાજ્યની પ્રજામાં થોડો અસંતોષ દેખાવા માંડ્યો હતો. ભાજપમાં દિવસેને દિવસે આંતરિક જુથબંધી વકરી જ રહી છે. સીઆર પાટીલની વિદાય બાદ ભાજપમાં અનેક ઠેકાણે ભાજપના જ કાર્યકરો અને આગેવાનો વચ્ચે મારામારી પણ થઈ છે. આ બતાવે છે કે ભાજપમાં ઉકળતો ચરૂની સ્થિતિ છે. આ સંજોગોમાં જો મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવે અને કેટલાકને સાચવી લેવામાં આવે તો આ અસંતોષને ઠારી શકાય.
ઘણી વખત લડતા તમામને પડતા મુકીને પણ અસંતોષને કાબુમાં કરી શકાય છે. ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ આવ્યા બાદ ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરફાર થાય તેવી સંભાવના હતી જ. એવું મનાતું હતું કે, કદાચ મહાનગરપાલિકા, પાલિકા અને પંચાયતોની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવે પરંતુ દિવાળી પહેલા જ નવું મંત્રીમંડળની રચના કરવા માટે ગુજરાત ભાજપે તૈયારી કરી લીધી છે.
આમ તો નવું મંત્રીમંડળ બન્યા બાદ લોકોની અપેક્ષોમાં ફેરફારો થતા હોય છે પરંતુ નવા મંત્રીમંડળે લોકોની અપેક્ષા પુરી કરવા માટે ખુબ દોડવું પડશે. કોંગ્રેસ મજબુત બનવા માટે મથી રહી છે. આપ પાર્ટીના તોફાની નેતાઓ રાજકીય તોફાનો કરી જ રહ્યા છે. આ સંજોગોમાં બે વર્ષમાં જ આવનારી ચૂંટણી માટે ધારાસભ્યો અને મંત્રીઓએ ભારે મહેનત કરવાની રહેશે. મંત્રીપદે ગમે તે આવે પરંતુ ભાજપની સિસ્ટમ પ્રમાણે મંત્રીઓ સ્વતંત્રપણે પણ નિર્ણયો લઈ શકે તેમ નથી. આ સંજોગોમાં મંત્રીમંડળમાં ફેરફારોનું ખાસ મહત્વ નથી. જો ભાજપ હવે બે વર્ષ લોકોને ખુશ નહીં રાખી શકે તો આગામી ચૂંટણીમાં મુશ્કેલીઓ રહેશે તે નક્કી છે.