બાંગ્લાદેશની યુનુસ સરકારે શેખ હસીનાના પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનના વારસાને ભૂંસવાનું શરૂ કર્યું છે. વર્તમાન સરકારે બાંગ્લાદેશના પાઠ્ય પુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ડેઈલી સ્ટાર અનુસાર હવેથી પુસ્તકમાં કહેવામાં આવશે કે બાંગ્લાદેશને વર્ષ 1971માં પાકિસ્તાનથી આઝાદી મુજીબુર રહેમાન દ્વારા નહીં પરંતુ ઝિયાઉર રહેમાન દ્વારા મળી હતી.
ઝિયાઉર રહેમાન બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ ખાલિદા ઝિયાના પતિ હતા. બાંગ્લાદેશની આઝાદી બાદ તેઓ સહ-સેના પ્રમુખ બન્યા હતા. બાદમાં તેઓ દેશના રાષ્ટ્રપતિ પણ બન્યા. વર્ષ 1981માં સેના સાથે જોડાયેલા કેટલાક લોકોએ તેમની હત્યા કરી નાખી હતી. રિપોર્ટ અનુસાર નવા પુસ્તકમાં મુજીબનું ફાધર ઓફ ધ નેશનનું બિરુદ પણ હટાવી દેવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રાથમિકથી માધ્યમિક સ્તર સુધીના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
બાંગ્લાદેશમાં હંમેશા એ વાત પર વિવાદ રહ્યો છે કે ત્યાં કોણે આઝાદીની ઘોષણા કરી. અવામી લીગ દાવો કરે છે કે આ જાહેરાત ‘બંગબંધુ’ મુજીબુર રહેમાને કરી હતી, જ્યારે ખાલિદા ઝિયાની BNP પાર્ટી તેનો શ્રેય તેના સંસ્થાપક ઝિયાઉર રહેમાનને આપે છે. રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશના પાઠ્ય પુસ્તકમાં આ પ્રકારનો ફેરફાર પહેલીવાર નથી થયો. ત્યાં સરકાર બદલાતાની સાથે પુસ્તકમાં સ્વતંત્રતાની જાહેરાત કરનાર નેતાના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
શેખ હસીનાએ 14 વર્ષ પહેલા પુસ્તકમાં ફેરફાર કર્યા હતા
સંશોધક રાખલ રાહા જેઓ પાઠ્ય પુસ્તકમાં ફેરફાર કરનારા લેખકોમાં સામેલ હતા, તેમણે જણાવ્યું હતું કે અગાઉના પુસ્તકોમાં કોઈ હકીકત આધારિત માહિતી નથી. NCTBના અધિકારીઓએ કહ્યું કે જ્યારે દેશમાં 1996-2001 સુધી સ્વતંત્ર સરકાર ચાલી રહી હતી, ત્યારે ટેક્સ્ટ બુકમાં લખવામાં આવ્યું હતું કે શેખ મુજીબે બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા કરી અને ઝિયાઉર રહેમાને ઘોષણા વાંચી.
આ પછી 2001માં જ્યારે ખાલિદા જિયાની સરકાર બની ત્યારે તેમણે તેમાં ફેરફાર કર્યા હતા. 2009માં શેખ હસીના સત્તામાં આવ્યા બાદ 2010માં પણ પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે પછી પુસ્તકોમાં ઉમેરવામાં આવ્યું કે શેખ મુજીબુર રહેમાને 26 માર્ચ 1971ના રોજ પાકિસ્તાની સૈનિકો દ્વારા ધરપકડ કરતા પહેલા વાયરલેસ સંદેશ દ્વારા સ્વતંત્રતાની ઘોષણા કરી હતી.
અધિકારીએ કહ્યું- પુસ્તકોમાં કોઈનો મહિમાગાન નહીં થાય
હવે નવા પુસ્તકોમાં જણાવવામાં આવશે કે 26 માર્ચ 1971ના રોજ બાંગ્લાદેશની આઝાદીની ઘોષણા કરનાર ઝિયાઉર રહેમાન સૌપ્રથમ હતા. એક દિવસ પછી 27 માર્ચે, શેખ મુજીબુર રહેમાને સ્વતંત્રતાની ઘોષણા કરી. રાખલ રાહાએ કહ્યું કે હવે ઇતિહાસના પુસ્તકમાં કોઈ પણ વ્યક્તિનું બિનજરૂરી મહિમાગાન કરવામાં આવશે નહીં. ઉપરાંત કોઈના વિશે કરવામાં આવેલ કોઈપણ અતિશયોક્તિપૂર્ણ નિવેદનો પણ દૂર કરવામાં આવશે.