એક ગામના સાવ સામાન્ય ગણાતા છોકરા શ્યામે અસામાન્ય પ્રગતિ કરી અને મોટા બિઝનેસમેનની યાદીમાં નામ મેળવ્યું.ગામનાં લોકોએ તેનું સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો. બધાએ તેનાં બહુ વખાણ કર્યાં, સન્માન કર્યું.પછી તેને પ્રેરણા સંદેશ આપવા કહ્યું.યુવાન બોલવા ઊભો થયો.શ્યામે કહ્યું, ‘નાનપણથી મેં મા પાસે એક કહેવત સાંભળી હતી કે ‘જે ગામ જવું ન હોય તેનું નામ લેવું નહિ.’ પણ મેં તે ન માન્યું અને નવી કહેવત મનમાં બનાવી કે ‘જે ગામ પહોંચવું હોય તેનું વારંવાર નામ લેવું…તો તમે એ ગામ પહોંચી જ શકશો.’
આ સાંભળી બધા હસ્યા અને તાળીઓ વગાડી.કોઈક મિત્રે કહ્યું, ‘મા ની વાત ન માની એટલે સફળ બની ગયો.ફરી હાસ્યનું મોજું ફરી વળ્યું. યુવાન પણ હસ્યો અને બોલ્યો, ‘મા ની વાત ન માની …એમ નથી પણ મનની વાત સાંભળી અને તે પ્રમાણે કર્યું એટલે આજે જયાં છું ત્યાં પહોંચ્યો છું. મનમાં મા ના આશિષ લઈને.મારી વાત ગાંઠ બાંધી લેજો દરેક માણસ આગળ વધી શકે છે…સફળ થઇ શકે છે …સફળ થવા માટે કોઈ અસામાન્ય આવડતની જરૂર હોતી નથી.ધીરજ અને મહેનત સાથે કોઇ પણ મારા જેવો સામાન્ય યુવાન પણ મનમાં નક્કી કરી લે તો ધારે ત્યાં પહોંચી શકે છે.જેમને પડ્યા રહેવું છે …કૂવામાં જ રહેવું છે …જેને આગળ વધવું જ નથી …જેના કોઈ સપનાં નથી …
જે એમ માને છે કે હું સફળ થઇ જ નહિ શકું … જે ખાડામાંથી બહાર નીકળવા માંગતા જ નથી …જેણે સ્વીકારી લીધું છે કે આ જ જિંદગી છે હવે વધુ મને કંઈ મળી શકે તેમ નથી તો પછી તે ક્યારેય આગળ વધી શકશે નહિ.’ બધા યુવાનની વાત હવે એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. યુવાને આગળ કહ્યું, ‘તમારે જે મેળવવું હોય તે તમે મેળવી શકો છો, જરૂર છે તેનાં સપનાં જોવાની અને જાગીને તેની પાછળ મહેનત કરવાની…તમારે શું મેળવવું છે તેની વાત કરો.
સ્વાસ્થ્ય,સ્વતંત્રતા,સલામતી,સારા મિત્રો ,સારાં બાળકો ,સરસ ઘર,પ્રેમ, શાંતિ,સમૃધ્ધિ ….બસ શું જોઈએ છે તેનું નામ પાડો …નક્કી કરો, તમારે શું જોઈએ છે અને સતત તેનું રટણ કરતા રહો અને મહેનત કરી આગળ વધતા રહો તો તે મેળવી જ શકશો ..જે ગામે પહોંચવું છે તેનું નામ લો અને જે મેળવવું છે તેને માટે મહેનત કરો, અટક્યા વિના મહેનત કરો ..થાકી ગયા વિના પ્રયત્નો કરો તો સફળતા મળશે જ.’યુવાને લક્ષ્ય સિધ્ધિનું રહસ્ય સમજાવ્યું. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.