બીલીમોરા : બીલીમોરાના દેવસરમાં લાગેલી ભીષણ આગમાં નવો ખુલાસો થયો છે. ચીખલીના પિતા પુત્રએ જ્વલનશીલ જીપી થીનર ભરેલા કેમિકલના ડ્રમ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર સાથેના મેળાપીપળામાં કોઈક સ્થળે મોકલવા બુક કર્યા હતા, જેમાં વિસ્ફોટ થતા આગમાં મેનેજર સહીત ત્રણ લોકો જીવતા ભૂજાઈ ગયા હતા. પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના સ્વર્ગસ્થ મેનેજર સહિત પિતા પુત્ર સામે સઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ગેરકાયદેસર રીતે કેમિકલની હેરાફેરી કરવાના ગુના બદલ ફરિયાદ નોંધી છે.
દેવસરની જય હિંદ ક્લે કમ્પાઉન્ડમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીમાં ગોડાઉનમાં રવિવારે સવારે 9 કલાકે લાગેલી ભયાનક આગમાં મેનેજર અનુપ મોહરસિંહ નુનિયા, નિતેશ અરવિંદ પટેલ અને શૈલેષ ઉર્ફે ચકો ધીરુભાઈ આહીર આગની લપેટમાં આવી જતા મોતને ભેટ્યા હતા. જ્યારે મુકેશ રામુભાઈ પટેલ, હેમંત શંકરરાવ જાંબેકર, જીતેન્દ્રસિંહ સાવંતસિંહ રાજપુત તથા જગદીશ ટપુભાઈ ગઢીયા પણ આગમાં સપડાઈ જતા શરીરે 25 થી 30 ટકા જેટલા દાઝી ગયા હતા.
પોલીસની તપાસમાં દાઝેલા ચાર પૈકી મુકેશ રાઠોડે પોલીસને જણાવ્યું હતું કે પોતે સચિનમાં નોકરી કરે છે. પણ શનિવારે તા. 10/11/224 તેનો મિત્ર નીતેશ પટેલે તેને જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં ગાડીમાં માલ સામાન ભરવાનો હોવાથી મજૂરી કામે લઈ ગયો હતો. જેમાં ઓફિસની બહાર ઉભેલા કન્ટેનરમાં થીનર ભરેલા ડ્રમ, પ્લાસ્ટિકનો સામાન, પીઓપીનો સામાન ભરતી વખતે આઠ જેટલા ડ્રમમાંથી એક ડ્રમ લીકેજ હતું. જેને ઓફિસની દિવાલ પાસે મૂકી દીધું હતું. જેમાંથી કેમિકલ લીકેજ થઈને બાજુમાં આવેલા અરવિંદભાઈના મોહિત સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના કારખાના સુધી પ્રવાહી પ્રસરી જતા ત્યાં કામ કરતા જગદીશ ટપુભાઈ ગઢીયા ગ્રાઇન્ડીંગનું કામ કરતા હતા તે દરમિયાન તણખો ઉડી કેમિકલના સંપર્કમાં આવતા આ ભયાનક આગ લાગી જતા ભાગદોડ મચી હતી.
ટ્રાન્સપોર્ટમાં બુક કરાવેલા ડ્રમમાં લીકેજ થતા આગ લાગી હતી
ફરિયાદી મુકેશ રાઠોડે પોલીસને જણાવ્યું હતું કે અર્જુન સોહનભાઈ વિરવાલ અને તેના પિતા સોંહનલાલ વીરવાલે કેમિકલથી ભરેલા ડ્રમ કશેથી લાવીને કોઈક સ્થળે મોકલવા માટે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં બુક કરાવ્યા હતા. જે ડ્રમમાં લીકેજ થવાને કારણે આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયાં હતા.
પોલીસે ડીટેઇન કરેલા પિતા પુત્રનો ગુનાહિત ઇતિહાસ
ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કેમિકલની હેરાફેરી માટે ચીખલીના અર્જુન સોહનલાલ અને તેના પિતા સોહનલાલે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં 8 જેટલા ડ્રમ રાજસ્થાનના ચિતોડગઢ મોકલવા બુક કરાવ્યા હતા. જોકે તેમણે આ અગ્નિકાંડમાં માર્યા ગયેલા ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર અનુપસિંહ નુનિયાની પણ સંડોવણી હોવાનું કહી જણાવ્યું હતું કે મેનેજર પોતે જાણતા હોવા છતાં કે આ કેમિકલની હેરાફેરી માટે કડક નિયમો હોવા છતાં મેળાપીપળામાં આર્થિક લાભ માટે કૃત્ય કરવા બદલ પોલીસે સ્વ. અનુપસિંહ નુનિયા સાથે અર્જુન વિરવાલ અને તેના પિતા સોહનલાલ વિરવાળ સામે ફરિયાદ નોંધી છે. આ પહેલા પણ તેઓની સામે વર્ષ 2014-18 અને 23 માં 407 મુજબ ગુનો દાખલ થયેલો છે. બંને પિતા પુત્ર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેઓને પોલીસે ડીટેઇન કર્યા છે. બંનેની પૂછપરછમાં આ કેમિકલ ક્યાંથી લાવ્યા તેની જાણકારી પોલીસ મેળવશે. તે સાથે તપાસ દરમિયાન આ અગ્નિકાંડમા જે વધુ નામો ખુલશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.