SURAT

સુરતને વધુ સુંદર બનાવવા માટે નવી પોલિસી બનાવાઈ, સર્કલ, આઈલેન્ડની સ્પોન્સરશીપ માટે આ નિયમો પાળવા પડશે

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના હસ્તક શહેરનાં તમામ સર્કલ, (Traffic Circle) આઈલેન્ડ, રોડ ડિવાઈડર વગેરેની યોગ્ય જાળવણી થાય તેમજ મનપાને તેમાંથી આવક પણ ઊભી થાય એ માટે મનપા દ્વારા હાલ ઘણાં સર્કલ, આઈલેન્ડને સ્પોન્સરશીપથી (Sponsorship ) ખાનગી કંપનીઓને આપવામાં આવ્યાં જ છે. પરંતુ હવે મનપાએ આ પોલિસીમાં (Policy) સુધારાવધારા કરી નવી ટ્રાફિક આઈલેન્ડ પોલિસી બનાવી છે. તેને ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની મીટિંગમાં મંજૂરી આપવામાં આવી છે.

સુરત શહેરને સુંદર બનાવવાના અભિયાનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના સર્કલ-આઈલેન્ડ-ચેનેલાઈઝર-રોડ ડિવાઈડર વગેરેના હોર્ટિકલ્ચર અને લેન્ડસ્કેપિંગની કામગીરી લોક ભાગીદારી/સ્પોન્સરશીપ/એડોપ્શન/કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિલિટી (CSR)થી સોંપવા માટે મનપા દ્વારા બનાવાયેલી ટ્રાફિક આઈલેન્ડ પોલિસી તો બનાવાઈ જ છે. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યા છે. આઈલેન્ડમાં એરિયાનું વિભાજન કરાયું છે. જેમાં ફુવારા માટે કુલ એરિયાના 50 ટકા વિસ્તારમાં હોર્ટિકલ્ચર અને 50 ટકા વિસ્તારમાં સિવિલ વર્ક તેમજ અન્ય માટે કુલ એરિયાના 75 ટકા વિસ્તારમાં હોર્ટિકલ્ચર અને 25 ટકા વિસ્તારમાં સિવિલ વર્ક કરવાનું રહેશે. જે કંપની દ્વારા આઈલેન્ડ મેઈન્ટેનન્સ કરાશે એ જ કંપનીની જાહેરાત થઈ શકશે. તેમજ મનપા દ્વારા સેફ્ટી સિક્યુરિટી ડિપોઝિટ પણ નક્કી કરાઈ છે. જેમાં 25 ચો.મી. વિસ્તાર માટે રૂ.25,000, 50 ચો.મી. વિસ્તાર માટે રૂ.50,000 અને 50 ચો.મી.થી વધુ વિસ્તાર માટે રૂ. 1 લાખ સિક્યુરિટી ડિપોઝિટ લેવામાં આવશે. 1 આઈલેન્ડ માટે એકથી વધુ કંપની આવશે તો તેમનાં પ્રેઝન્ટેશન જોઈ મનપા નિર્ણય લેશે. હાલમાં સ્પોન્સરશીપથી આપવામાં આવેલા સર્કલ/આઈલેન્ડનું સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જે-તે સર્કલ નવી પોલિસી મુજબ ફાળવવામાં આવશે. મનપા દ્વારા નક્કી કરાયેલા નીતિ નિયમ પ્રમાણે ગ્રીનરીનો ભાગ રાખવાનો રહેશે. કુલ ગ્રીલ એરિયાના 5% વિસ્તારમાં જે-તે સંસ્થા ફક્ત પોતાની જાહેરાત સુંદરતા જળવાઈ રહે એ રીતે લગાવી શકશે તેમજ અન્ય 5% વિસ્તારમાં પર્યાવરણને લગતાં સુવાક્યો લગાડવાનાં રહેશે.

સ્મીમેરમાં કિટ ઉત્પાદક કંપની ઉપર એક વર્ષ માટે પ્રતિબંધ

સ્મીમેરમાં સીરમ બિલરબીન કિટ ઉત્પાદક કંપનીની કિટ મનપાના સેમ્પલોમાં 2 વાર ફેઈલ થઈ છે. મનપા દ્વારા આ કંપનીને 2 વર્ષ સુધી ક્વોલિટી સુધારવા તક આપી હોવા છતાં આ કિટનાં સેમ્પલો ફેઈલ આવતાં મનપાએ આખરે આ કંપનીને 1 વર્ષ માટે બેન્ડ કરી છે. તેમજ ઘણાં દવાનાં સેમ્પલો પણ ટેસ્ટિંગમાં ફેઈલ આવતાં મનપાએ આખરે કંપનીને બંધ કરવાનો નિર્ણય સ્થાયી સમિતિની મીટિંગમાં લીધો છે.

મસ્કતિમાં જૈનરિક ઔષધિ કેન્દ્ર ભાડે આપી મનપાને 4 વર્ષમાં 4 કરોડની આવક થશે

મેડિકલમાં મળતી દવાઓ કરતાં જૈનરિક ઔષધિ કેન્દ્રોમાં મળતી દવાઓના ભાવ ઘણા ઓછા હોય છે. જેથી હવે મનપા દ્વારા મસ્કતિ અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલમાં પણ જૈનરિક ઔષધિ કેન્દ્રો ભાડેથી આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં શરૂઆતના તબક્કામાં મસ્કતિમાં 4 વર્ષ માટે ઔષધિ કેન્દ્ર ભાડેથી ચલાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે, જેમાં મનપાને રૂ.4 કરોડની આવક થશે.

Most Popular

To Top