કામરેજ: કામરેજના નવી પારડી (New Pardi) સુગરના ગેટની સામે બગાસ ભરેલી ટ્રકને પાછળથી બીજી ટ્રકે ટક્કર (Hit BY Truck) મારતાં બંને ટ્રક પલટી મારી જતાં આઠ માસની બાળકીનું મોત (Death) થયું હતું.મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના ધામનીકતારા ગામના વતની અને હાલ કામરેજના નવી પારડી ખાતે આવેલી કામરેજ સુગર ફેક્ટરીમાં રહેતા કાલિયા લાલુ દેહાદિયા સુગર ફેક્ટરીની ટ્રક નં.(જીજે 10 ટી 7999)માં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. મોડી રાત્રે ટ્રકમાં સુગર ફેક્ટરીથી શેરડીનું બગાસ ભરી રાત્રે આશરે 12.30 કલાકે માંગરોળના નરોલી ખાતે આવેલા ઈંટના ભથ્થા પર ખાલી કરવા માટે ટ્રકમાં પત્ની ગુડ્ડી અને આઠ માસની પુત્રી રમદા સાથે નીકળ્યા હતા. સુગર ગેટની બહાર નીકળ્યા ત્યારે નેશનલ હાઈવે નં.48 પર આવતા ટ્રકને પાછળથી બીજી ટ્રક નં.(જીજે 19 એકસ 6508)ના ચાલકે ટક્કર મારી હતી.
ચાલક કેબિનમાં પછડાયો હતો
આથી બગાસ ભરેલી ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. આ બનાવમાં પત્ની અને પુત્રી ક્લીનર સાઈડના દરવાજેથી રોડ પર પટકાયાં હતાં. જ્યારે ચાલક કાલિયા કેબિનમાં પછડાયો હતો. આ ઘટનામાં આઠ માસની પુત્રીને માથાના ભાગે ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પાછળથી ટક્કર મારનાર ટ્રક નં.(જીજે 19 એક્સ 6508) પણ ફેક્ટરીની બાજુમાં આવેલી નહેરમાં પલટી મારી ગઈ હતી. જે અંગે કામરેજ પોલીસમથકમાં સવારે કાલિયા દેહાદિયાએ પાછળની ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
કામરેજ ગ્રામ પંચાયતના સફાઈ કામદારનું કરંટ લાગતાં મોત
કામરેજ: મૂળ રાજસ્થાનના બાંસવાડાના ભીમખોરા ગામના વતની અને હાલ કામરેજ મીક્ષરનગરમાં રહીને કામરેજ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા લાલુ કીડિયાભાઈ માલીવાડ (ઉં.વ.32) શુક્રવારે કેનાલ રોડ પર બાપા સીતારામ ચોકડી પાસે સાફસફાઈ કરવા માટે 9 કલાકે ગયા હતા. ત્યારે રોડની બાજુમાં ઈલેક્ટ્રિક વીજપોલ નજીક કચરો સળગાવતા વીજપ્રવાહવાળો વીજતાર નીચે લટકતો હોવાથી કપાળ પર વાયર અડી જતાં કરંટ લાગવાથી મોત થયું હતું.
અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે કારની અડફેટે ત્રણ વર્ષીય બાળકીનું કરુણ મોત
સુરત: અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે એક કારચાલકે બાળકીને અડફેટે લેતાં ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકીનું કરુણ મોત નીપજતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શુક્રવારે સવારે અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલા બસ સ્ટેન્ડ ખાતે રહેતા હુજેફા ઈકબાલ મન્સૂરીની ત્રણ વર્ષે પુત્રી રોડ કોડ ક્રોસ કરતી હતી. એ વેળા અંકલેશ્વર તરફથી કોસમડી ગામ તરફ જવાના માર્ગ ઉપર ત્રણ વર્ષીય બાળકી હુસનાને કારચાલકે અડફેટે લેતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જો કે, ગંભીર ઈજાના પગલે ટૂંકી સારવાર બાદ ત્રણ વર્ષીય હુસના મન્સૂરીને ડોક્ટરે મૃત જાહેર કરી હતી.