નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની તાજેતરની રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો વધારો થઈ રહ્યો છે. ભારતના અનુભવી ખેલાડી હાર્દિક પંડ્યાએ વિશ્વના ટોચના T20 આંતરરાષ્ટ્રીય ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન પાછું મેળવી લીધું છે. તિલક વર્માએ પણ ICC T20I રેન્કિંગમાં ટોચના 10 બેટ્સમેનોની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. તેણે 69 સ્થાનની છલાંગ લગાવી છે.
પંડ્યાએ દક્ષિણ આફ્રિકામાં ભારતની તાજેતરની શ્રેણી દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને આ સિદ્ધિ મેળવી હતી. આ સમયગાળા દરમિયાન પંડ્યાએ ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોન અને નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને હરાવીને T20 ઓલરાઉન્ડરોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું.
આ બીજી વખત છે જ્યારે પંડ્યાએ T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં નંબર 1 સ્થાન હાંસલ કર્યું છે. સતત પ્રદર્શન કરી રહેલા ભારતીય ખેલાડીએ આ વર્ષના ICC મેન્સ T20 વર્લ્ડ કપના અંતે પ્રથમ વખત ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. 31 વર્ષીય પંડ્યાને તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ માટે જાળવી રાખ્યો છે.
તાજેતરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના ખેલાડીઓએ પણ ગતિ પકડી છે. દક્ષિણ આફ્રિકા સાથેની ચાર મેચોની શ્રેણી દરમિયાન પંડ્યાએ બીજી મેચમાં અણનમ 39 રનની ઇનિંગ રમી હતી જેના કારણે ભારતનો દાવ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યો હતો. ચોથી નિર્ણાયક મેચ દરમિયાન પંડ્યાના ત્રણ ઓવરમાં 1/8ના સ્પેલથી ભારતીય ટીમે શ્રેણી 3-1થી જીતી લીધી હતી.
તિલક વર્મા T20Iનો નંબર 3 બેટ્સમેન બન્યો
તિલક વર્માનો પહેલીવાર ટોપ 10 બેટ્સમેનની યાદીમાં પ્રવેશ થયો છે. તિલક ભારત-દક્ષિણ આફ્રિકા સીરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે બે સદી અને 280 રન બનાવ્યા. આ સાથે તે બેટિંગ ચાર્ટમાં 69 સ્થાનની છલાંગ લગાવી. આ લાભ સાથે વર્મા T20I રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન ટ્રેવિસ હેડ પછી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે તે હવે ભારતના સૌથી વધુ રેટેડ બેટ્સમેન છે, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ એક સ્થાન સરકીને ચોથા સ્થાને આવી ગયો છે.