National

લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ, સામાન્ય કરદાતા માટે શું આવશે બદલાવ?, સમજો આ 10 પોઈન્ટ્સમાં

આજે સંસદના બજેટ સત્રના પહેલા તબક્કાનો છેલ્લો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું હતું. વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ રજૂ થતાં જ તેને સિલેક્ટ કમિટી પાસે મોકલી દેવાયું હતું. નાણામંત્રીએ આવકવેરા બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ મુકતા જ સ્પીકર સમિતિની રચના કરશે. સિલેક્ટ કમિટી આગામી સત્રના પહેલાં દિવસે પોતાનો અહેવાલ રજૂ કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આ બિલ રજૂ કરતી વખતે કહ્યું કે, આવકવેરા બિલમાં 4000થી વધુ સુધારા કરવામાં આવ્યા છે. નાણામંત્રીએ મનીષ તિવારી અને પ્રોફેસર સૌગત રોય દ્વારા બિલ સામે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો જવાબ પણ આપ્યો હતો.

ગૃહમાં નવા આવકવેરા બિલને રજૂ કર્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની ભલામણ કરી. લોકસભા સ્પીકર ઓમ બિરલા ટૂંક સમયમાં પસંદગી સમિતિના સભ્યોના નામોની યાદી જાહેર કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પસંદગી સમિતિએ આગામી સત્ર એટલે કે ચોમાસુ સત્રમાં પોતાનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.

નવું આવકવેરા બિલ 1961ના આવકવેરા કાયદાનું સ્થાન લેશે. નવા બિલમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેની માહિતી બુધવારે તેની રજૂઆત પહેલા જારી કરાયેલી ડ્રાફ્ટ કોપીમાં બહાર આવી હતી. નવા બિલને પારદર્શક અને કરદાતાઓને અનુકૂળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમાં, કરવેરા પ્રણાલીને ડિજિટાઇઝેશનથી સરળ બનાવવા, કર ચૂકવણીમાં સુધારો કરવાથી લઈને કરચોરી અંગેના નિયમોને વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

બિલમાં પાનાઓની સંખ્યા ઘટાડવામાં આવી છે
નવા આવકવેરા બિલમાં પહેલો અને મોટો ફેરફાર એ છે કે તેને સામાન્ય લોકો સમજી શકે તે માટે પહેલા કરતાં વધુ સરળ શબ્દોમાં વધુ સંક્ષિપ્ત બનાવવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે 1961ના આવકવેરા બિલમાં 880 પાના હતા, પરંતુ છ દાયકા પછી, તેમાં પાનાઓની સંખ્યા હવે ઘટીને 622 થઈ ગઈ છે. નવા ટેક્સ બિલમાં 536 કલમો અને 23 પ્રકરણો છે.

ટેક્સ યરનો કોન્સેપ્ટ
આજે રજૂ થનારા નવા બિલમાં ટેક્સ યરનો કોન્સ્પેટ રજૂ કરવામાં આવ્યો છે. જે અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા આકારણી વર્ષ અને પાછલા વર્ષનું સ્થાન લેશે. સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે કરદાતાઓ કર ચૂકવતી વખતે આકારણી અને નાણાકીય વર્ષ વિશે મૂંઝવણમાં મુકાતા હતા પરંતુ હવે આ બધું દૂર કરવામાં આવશે અને ફક્ત કર વર્ષનો ઉપયોગ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 સુધી કર વર્ષ 2025-26 રહેશે. મતલબ કે, નાણાકીય વર્ષના આખા 12 મહિના હવે કર વર્ષ કહેવાશે.

સ્ટાન્ડર્ડ ડિડક્શન જૂનું જ રહેશે
નવા ટેક્સ બિલ હેઠળ જો તમે પગારદાર વ્યક્તિ છો તો તમને જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ 50000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું રહેશે પરંતુ જો તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો આ ડિડક્શન તમને 75000 રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે. આ સાથે નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે નહીં અને બજેટમાં જાહેર કરાયેલા દરો એ જ રહેશે.

CBDTને મળ્યો આ અધિકાર
આવકવેરા 1961ની તુલનામાં નવા કર બિલમાં આગામી મોટો ફેરફાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટી સાથે સંબંધિત છે. બિલ મુજબ અગાઉ આવકવેરા વિભાગને વિવિધ કર યોજનાઓ શરૂ કરવા માટે સંસદની મંજૂરી લેવી પડતી હતી પરંતુ નવા કર કાયદા 2025 મુજબ હવે CBDT ને આવી યોજનાઓ સ્વતંત્ર રીતે શરૂ કરવાની સત્તા આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય અમલદારશાહી વિલંબની સમસ્યાને દૂર કરવાનો છે.

કેપિટલ ગેઈન ટેક્સ યથાવત
ડ્રાફ્ટમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101(b) હેઠળ 12 મહિના સુધીના સમયગાળાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. ટૂંકા ગાળાના મૂડી લાભ કર 20 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે લાંબા ગાળાના મૂડી લાભ કર 12.5 ટકા પર લાગુ થશે.

પેન્શન, NPS અને વીમા પર પણ મુક્તિ
નવા આવકવેરા બિલ હેઠળ પેન્શન, NPS યોગદાન અને વીમા પર કર કપાત ચાલુ રહેશે. નિવૃત્તિ ભંડોળ, ગ્રેચ્યુઇટી અને પીએફ યોગદાનને પણ કર મુક્તિ હેઠળ રાખવામાં આવ્યા છે. ELSS મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર પણ કર રાહત આપવામાં આવશે.

કરચોરી પર દંડ
નવા કર બિલમાં કરચોરો પર વધુ કડકાઈ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જે લોકો જાણી જોઈને કરચોરી કરે છે તેમના પર કાર્યવાહી થઈ શકે છે. કર ન ભરવા પર વધુ વ્યાજ અને દંડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાની આવક છુપાવવાનો પ્રયાસ કરે છે તો તેનું ખાતું જપ્ત થઈ શકે છે. આ ઉપરાંત ખોટી કે અધૂરી માહિતી આપવા બદલ ભારે દંડ લાદવામાં આવશે.

કર ચુકવણી પારદર્શક બનાવવા માટે E-KYC ફરજિયાત
કેન્દ્ર સરકાર નવા કર બિલ દ્વારા હાલની કર પ્રણાલીને ડિજિટલ અને વધુ પારદર્શક બનાવવાનો હેતુ ધરાવે છે. આ માટે ઈ-કેવાયસી અને ઓનલાઈન ટેક્સ ચુકવણી ફરજિયાત બનાવવામાં આવી રહી છે. ઈ-ફાઇલિંગ ફરજિયાત બનાવવાથી કર ચુકવણીમાં પારદર્શિતા વધશે.

કૃષિ આવક પર કરમુક્તિ
નવા કર બિલમાં કૃષિ આવકને અમુક શરતો હેઠળ કરમુક્ત રાખવામાં આવી છે. ધાર્મિક ટ્રસ્ટો, સંસ્થાઓ અને દાનમાં આપવામાં આવેલા નાણાં પર કરમુક્તિ ઉપલબ્ધ રહેશે. આ સાથે, ચૂંટણી ટ્રસ્ટને પણ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કર સંબંધિત વિવાદો ઘટાડવા માટે આ ફેરફારો
1961ના કર બિલમાં ઘણી અસ્પષ્ટ જોગવાઈઓને કારણે કરદાતાઓ અને સરકાર વચ્ચે વિવાદો જોવા મળ્યા છે અને તેના કારણે મુકદ્દમાઓની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. નવું કરવેરા બિલ સ્પષ્ટ નિયમો અને સરળ શબ્દો સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે, જે તેને સમજવામાં સરળ બનાવશે અને વિવાદોની સંખ્યામાં પણ ઘટાડો કરશે.

વક્ફ બિલ પર વિપક્ષનો હોબાળો
આ અગાઉ સવારે વકફ બિલ પર JPC રિપોર્ટ રજૂ કરવા પર બંને ગૃહોમાં હોબાળો થયો હતો. વિપક્ષે ચર્ચા દરમિયાન રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. સવારે ભાજપના સાંસદ મેધા કુલકર્ણીએ રાજ્યસભામાં વક્સ બિલ પર JPC રિપોર્ટ રજૂ કર્યો. આ અંગે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ JPC રિપોર્ટ ખોટો છે. આમાં વિપક્ષની અસહમતિઓને ડિલીટ કરવામાં આવી છે. આ ગેરબંધારણીય છે. AAPના સાંસદ સંજય સિંહે કહ્યું- અમે અમારો પક્ષ રજૂ કર્યો. તમે આની સાથે સહમત અથવા અસંમત હોઈ શકો છો પરંતુ તમે તેને કચરાપેટીમાં કેવી રીતે ફેંકી શકો છો.

JPCએ 30 જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ડ્રાફ્ટ રિપોર્ટ સુપરત કર્યો હતો. આ રિપોર્ટ 655 પાનાનો છે. 16 સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું હતું જ્યારે 11 સભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. સમિતિમાં સામેલ વિપક્ષના સાંસદોએ આ બિલનો વિરોધ કર્યો હતો.

Most Popular

To Top