સુરત: ચાલુ વર્ષે કોલેજોમાં એડમિશન મામલે ખૂબ ઉહાપોહ થયો છે. પહેલાં રાઉન્ડના એડમિશનમાં કોલેજો દ્વારા મેરિટના નિયમોનું પાલન યોગ્ય રીતે નહીં કરાયું હોવાના લીધે ઊંચું મેરિટ ધરાવતા સ્ટુડન્ટ્સ પણ પ્રવેશથી વંચિત રહી ગયા છે. જોકે, સ્ટુડન્ટ્સે નિરાશ થવાની જરૂર નથી. પ્રવેશ પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરાઈ છે.
સામાન્ય રીતે ગુજરાતની કોલેજોમાં વિવિધ કોર્ષમાં એડમિશન માટે બે રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા થતી હોય છે, પરંતુ આ વખતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રયાસોના લીધે સ્ટુડન્ટ્સના ભવિષ્યને ધ્યાનમાં રાખી વધુ એક વાર પ્રવેશ પ્રક્રિયા થઈ રહી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સુરત ખાતેના મહામંત્રી જયદીપ ઝીંઝાળાએ કહ્યું કે, ઊંચું મેરિટ ધરાવતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. તેઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી રજૂઆત કરાઈ હતી. પરિષદની રજૂઆતને પગલે વિદ્યાર્થીઓને છેલ્લી તક આપવાનું નક્કી કરાયું છે.
એડમિશન માટે નવા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. સ્ટુડન્ટ્સ તા. 4 જુલાઈથી તા. 6 જુલાઈ દરમિયાન નવા ફોર્મ ભરી શકશે. તેમજ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ ફોર્મ ભર્યું હોય તો તેમને સુધારવા કે અપડેટ કરી શકશે. તે માટે સ્ટુડન્ટ્સે GCASની પોર્ટલ ઓપન કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન શૈક્ષણિક વરસથી રાજય સરકારે તમામ યુનિ.ના કોમન એડમિશનની પ્રથા શરૂ કરી વિવાદને નોતરું આપ્યું છે. ગુજરાત કોમન એડમીશન સિસ્ટમની પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં અનેક કોલેજોએ મેરીટનું પાલન અંગે વ્યાપક ફરિયાદો ઉઠી છે. ગઈકાલે બુધવારે સુરતના ભરથાણા વિસ્તારની ડીઆરબી કોલેજમાં 160 ઉમેદવારોના એડમિશન રદ કરતી નોટિસને પગલે યુનિ.માં હંગામો મચી ગયો હતો. વાલીઓએ બુધવારે યુનિ. માથે લઇ ટેબલ ઉપર ચઢી જઇ ઉહાપોહ મચાવી દીધો હતો.