SURAT

વ્યાજખોરો વિરુદ્ધ સુરત પોલીસનો નવો પ્રયોગ, લોકોને જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું

સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો ત્રાસ છે. ગરીબ નાના માણસોનું લોહી ચૂસતા વ્યાજખોરો વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, તે અંતર્ગત સુરત પોલીસે નવતર પ્રયાસ હાથ ધર્યા છે. પોલીસે વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે જનજાગૃતિ અભિયાન છેડ્યું છે.

સચિન GIDC પોલીસ દ્વારા નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અહીં વ્યાજખોરો વિરૂદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું છે. શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુગાલમાં ફસાવવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાઈકલ પર બેનર પોસ્ટર લગાડી ગલીએ ગલીએ ફરીને ગરીબ શ્રમજીવીઓને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ એનાઉસમેન્ટ પણ કરવામાં આવી રહી છે. તે સિવાય ભોગ બનનારાઓ ઝોન 6 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી શકે તેવી અવેરનેસ લાવવામાં આવી રહી છે. વળી જે જરૂરિયાતમંદ વ્યાજે નાણા લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા જોઈએ તેવી માહિતી આપવામાં આવી રહી છે.

પોલીસે કહ્યું કે, વ્યાજખોરો ગરીબો પાસેથી ઊંચું વ્યાજ વસૂલતા હોય છે. મુદ્દલ વસૂલાયા બાદ પણ વ્યાજ માટે વ્યાજખોરો જોર જબરદસ્તીથી રૂપિયા કે મિલકતો પડાવતા હોય છે. આવા વ્યાજખોરો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું છે. જે અનુસંધાને સાયકલ પર બેનર લગાવીને લોકો આવા વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય તે માટે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. કોઈ ફસાયું હોય તો અરજી આપે તેવી પણ જાગૃતિ ફેલાવાઈ રહી છે. બેનરમાં અલગ અલગ લખાણથી જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં ભોગ બનેલા લોકો ન્યાયની સાથે માહિતી પણ મેળવી શકશે.

પોલીસ સ્ટેશનમાં અરજી આપનારની ફરિયાદ પર તાત્કાલિક કામ કરવામાં આવશે. જેથી ઝડપથી આવા વ્યાજખોરોના આતંકમાંથી મુક્તિ મળી શકે તેમ છે. લોકોને ઓછા વ્યાજે લોન કે શરાફી દરમાં ક્યાંથી મળી રહેશે તેવી વિગતો પણ લોક દરબારમાં શેર કરવાની સાથે સાથે તેમને પણ ઉપસ્થિત રાખવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top