વેકેશન શરૂ થતાં પૂર્વે જયારે સુરતીઓ પોતાના ટ્રાવેલ પ્લાન્સ ઘડવા બેસે એટલે તેમને સૌથી પહેલું ગોવા, મનાલી, કેરળ, બેંગકોક, સિંગાપોર, દુબઇ કયાં પેરિસ કે સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્થળો જ યાદ આવે. પણ સમય સાથે બદલાતાં ટ્રેન્ડસને પકડવામાં અવ્વલ એવા સુરતીઓ હવે તેમના આ ફેવરિટ ગણાતાં ડેસ્ટિનેશન્સ ઉપરાંત તેનાથી આગળ પણ દ્રષ્ટિ દોડાવતાં થયા છે. કોવિડકાળમાં મોટા ભાગે ઘરમાં ગોંધાઇ રહેલા સુરતીઓએ આ વખતે દિવાળી વેકેશનમાં વિચારેલા દરેક બજેટ માટેના રુટિનમાં ચાલતાં અને પોપ્યુલર ગણાતા ડેસ્ટિનેશન્સ સિવાય એકદમ નવા અને ટ્રેન્ડિંગ સ્થળો પણ ઉમેરાઇ ગયા છે. તો આવો જાણીએ કયા છે આ નવા ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ટ્રાવેલ સ્પોટ્સ જે જોડાયા છે સુરતીઓના નવા ટ્રાવેલ વિશલિસ્ટમાં…
આ વર્ષે શું બદલાવ આવ્યો છે ટ્રાવેલિંગ ટ્રેન્ડમાં
સ્મોલ બજેટ ટ્રીપ્સ
ડોમેસ્ટિક ટ્રાવેલિંગની વાત કરીએ તો પહેલાં ઓછા બજેટમાં લોકો કેરાલા, મનાલી, ગોવા જેવી જગ્યા પસંદ કરતા હતા. આજે લોકોએ સેવન સિસ્ટર્સ, સિક્કિમ તથા સાઉથના હમ્પી, ગોકરણા વગેરે જેવી નવીન જગ્યાઓ પર પસંદગી ઉતારી છે. સાથે ઓછા બજેટમાં દેશની બહાર લોકો શ્રીલંકા તથા ભૂતાન જવાનું પ્રીફર કરતા હતા પરંતુ આ વખતે શ્રીલંકામા પોલિટિકલ ક્રાઈસીસ ને કારણે ઘણા લોકોએ ફરી પાછા જૂના અને જાણીતા નેપાળની વાટ પકડી છે.
સસ્તું હોવાથી વિયેતનામ છે બેસ્ટ ઓપ્શન:વિષ્ણુ બજાજ
શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ બજાજ જણાવે છે કે, આમ તો હું બિઝનેસ માટે દર મહિને અલગ અલગ દેશોમાં ફરતો રહું છુ અને મેં મોટાભાગના દેશો જોઈ લીધા છે પણ આ વર્ષે દિવાળીમાં બહાર ફરવા જવા માટે વિયેતનામ બેસ્ટ ઓપ્શન છે કારણ કે વિયેતનામ જવા માટે તરત વિઝા મળી જાય છે જેથી એ ઝંઝટ રહેતી નથી. આ ઉપરાંત ત્યાં ફૂડ સસ્તું મળે છે. વિયેતનામ પસંદ કરવાનું બીજું કારણ એ પણ ખરું કે ત્યાંનો દરિયા કિનારો ખૂબ જ સરસ છે અને તેની પ્રચંડ લહેરો એક અજબ શાંતિ આપે છે જેથી પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા મળે છે. આ સિવાય દુબઈ, ઇઝરાયેલ, ટર્કી જેવા ડેસ્ટિનેશન્સ પણ મારા ફેવરિટ છે.
મીડીયમ બજેટ ટ્રીપ્સ
અત્યાર સુધી મીડીયમ બજેટમાં સિંગાપોર, મલેશિયા, બેંગકોક જેવી જગ્યાઓ લોકોમાં હોટ ફેવરિટ રહી છે. પરંતુ ટ્રાવેલિંગમાં પણ નવીનતા શોધતા સુરતીઓએ આ વખતે બાકુ તથા વિયેતનામ ઉપરાંત દેશમાં જ અંદામાન જેવી જગ્યાઓ પર પસંદગી ઉતારી છે. આ જગ્યાઓ પર વિઝા કે પરમીટ સહેલાઈથી મળી જાય છે અને લોકો ખાસ શાંતિનો અનુભવ કરવા જાય છે. ગોવા એક એવું ડેસ્ટિનેશન છે જ્યાં સ્મોલ, મીડીયમ અને લાર્જ દરેક પ્રકારના પેકેજીસ અવેલેબલ છે.
બિગ બજેટ ટ્રીપ્સ
જ્યારે હરવા ફરવાની વાત આવે ત્યારે સુરતીઓ મનમૂકીને પૈસા પણ ખર્ચી જાણે છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને પશ્ચિમી યુરોપના સ્વિટઝરલેન્ડ, પેરિસ, લંડન જેવા બિગ બજેટ હોટ ફેવરીટ ડેસ્ટિનેશનનો ટ્રેન્ડ અત્યાર સુધી સુરતીઓમાં જોવા મળતો હતો પરંતુ હવે ઘણીવાર આ યુરોપિયન ડેસ્ટિનેશન પર જવા માટે વિઝા મળવાની તકલીફો જોવા મળી રહી છે. જેને કારણે સુરતીઓએ આ વખતે પ્રાગ, બુડાપેસ્ટ, ઈસ્તાનબુલ જેવું અનયુઝઅલ ડેસ્ટિનેશન પસંદ કર્યું છે. તે ઉપરાંત અમેિરકાના અલાસ્કા તથા કેરિબીયન આઇલેન્ડ્સ પણ ટ્રેન્ડમાં છે.
કોવિડ પછી લોકોની ટ્રાવેલ પેટર્ન ચેન્જ થઈ છે: અતુલ ગુપ્તા
ટ્રાવેલના બિઝનેસ સાથે સંકળાયેલા અતુલભાઈ જણાવે છે કે સુરતીઓ ટ્રાવેલ માટે નવી નવી જગ્યા શોધતા રહે છે. કોવિડ બાદ લોકોની ટ્રાવેલ હેબીટ ચેન્જ થઈ છે. અને પહેલા વર્ષમાં બે વાર ફરવા જતા લોકો હવે ચારથી પાંચ વખત જ્તા થયા છે એટલે નવા નવા ડેસ્ટિનેશન શોધે છે. સાથે જ કોવિડ પછી સુરતીઓ એવું માનતા થયા છે કે જીવનનો શું ભરોસો, મનમૂકીને જીવીલો. આ વખતે લોકોમાં વિયેતનામ જવાનો ખાસ્સો ટ્રેન્ડ જણાઈ રહ્યો છે અને જ્યાં ફરવા જાય ત્યાં શાંતિ નો માહોલ શોધી રહયા છે.