UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CSE) 2023નું અંતિમ પરિણામ આજે એટલે કે 16 એપ્રિલ 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. UPSC એ તેની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાહેર સૂચના દ્વારા પરિણામોની જાહેરાત કરી છે. આ વખતે આદિત્ય શ્રીવાસ્તવે સિવિલ સર્વિસની પરીક્ષામાં ટોપ કર્યું છે. અનિમેષ પ્રધાન બીજા સ્થાને છે જ્યારે દોનુરુ અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાન પર પીકે સિદ્ધાર્થ રામકુમાર અને પાંચમું સ્થાન રુહાનીએ મેળવ્યું હતું. પંચ દ્વારા કુલ 1016 ઉમેદવારોની ફાઈનલ પસંદગી કરવામાં આવી છે.
દેશની સૌથી અઘરી પરીક્ષા એટલે કે UPSC સિવિલ સર્વિસીસ 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. UPSC સિવિલ સર્વિસ પ્રિલિમ્સની પરીક્ષા 28 મેના રોજ યોજાઈ હતી. પ્રિલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજી હતી. આ પછી, મેન્સનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવ્યું હતું. મેન્સ માટે પર્સનાલિટી ટેસ્ટ 2 જાન્યુઆરીથી 9 એપ્રિલની વચ્ચે હાથ ધરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે જે ઉમેદવારોએ સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી છે તેમની UPSC દ્વારા વિવિધ સરકારી વિભાગોમાં 1,105 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી દ્વારા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય મહેસૂલ સેવા (IRS) અને અન્ય કેન્દ્રીય સેવાઓ અને પોસ્ટ્સ પર નિમણૂકો કરવામાં આવશે. ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A અને Bમાં નિમણૂક માટે લેખિત પરીક્ષા અને વ્યક્તિત્વ પરીક્ષણના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવ્યા છે.
સત્તાવાર વેબસાઇટ પર મળેલી માહિતી અનુસાર કુલ 1016 ઉમેદવારોની નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 347 જનરલ કેટેગરીના, 115 EWS, 303 OBC, 165 SC અને 86 ST છે. તમને જણાવી દઈએ કે 1016 ઉમેદવારમાંથી 25 ઉમેદવાર ગુજરાતના છે. પહેલીવાર રેકોર્ડ બન્યો છે કે જ્યારે ગુજરાતમાંથી 25 ઉમેદવાર UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે. આ પહેલાં 2014માં 22 ઉમેદવાર સફળ રહ્યા હતા. ગુજરાતના વિષ્ણુ શશી કુમારનો 31મો રેન્ક આવ્યો છે. ઠાકુર અંજલિ અજયનો 43મો રેન્ક, અતુલ ત્યાગીનો 62મો રેન્ક, પટેલ મિતુલ કુમારનો 139મો રેન્ક, રમેશ ચંદ્ર વર્માંનો 150મો રેન્ક, પટેલ અનિકેત કમલેશભાઈનો 183મો રેન્ક, ઝા સમીક્ષા સત્યેન્દ્ર 362મો રેન્ક અને પટેલ હર્ષનો 392મો રેન્ક આવ્યો છે.
વર્ષ 2022ના ફાઈનલમાં ઈશિતા કિશોરે ટોપ કર્યું હતું
ઈશિતા કિશોરે 2022માં ટોપ કર્યું હતું. જ્યારે ગરિમા લોહિયા બીજા સ્થાને રહી હતી. આ પછી ઉમા હારાથી એન અને સ્મૃતિ મિશ્રા આવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં ટોપર શ્રુતિ શર્મા હતી, ત્યાર બાદ ટોપ ત્રણ રેન્કમાં અંકિતા અગ્રવાલે AIR 2 અને ચંદીગઢની ગામિની સિંગલાએ 3 રેન્ક હાંસલ કર્યો હતો.