National

દિલ્હીમાં યમુના ખતરાના નિશાનથી ઉપર, હિમાચલની નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ

નવી દિલ્હી : દેશભરના મોટા ભાગના રાજ્યોમાં કમોસમી વરસાદ (Rain) આફતની જેમ વરસી રહ્યો છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી વિસ્તારો સુધીના ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. જ્યારે પહાડો પરથી ભૂસ્ખલન (Landslide) થવાથી અને મેદાની વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં (New Delhi) ભારે વરસાદના કારણે યમુના નદી (Yamuna River) ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આજે સાંજે 5 વાગ્યે યમુના નદીએ ખતરાના નિશાનને પાર કરી લીધું હતું. હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) પણ આવેલ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જેના લીધે પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.

દિલ્હીમાં ભારે વરસાદ અને હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે યમુના નદીમાં પાણીએ લાલ નિશાનને પાર થઈ ગયું છે. જોકે આ પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે યમુના નદી 11 જુલાઈ સુધી ખતરાના નિશાનને પાર કરી લેશે. પરંતુ તે પહેલા જ યમુના નદી આ જોખમના નિશાનની ઉપર જતી રહી છે.

લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે
આજે સાંજે યમુના નદીમાં પાણીનું સ્તર 205.40 મીટર નોંધવામાં અવ્યું હતું. જેના કારણે યમુના નદીની આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. CWCના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર જ્યારે યમુના 205.33 મીટરથી ઉપર વહે છે ત્યારે તેને જોખમના નિશાનથી ઉપર ગણવામાં આવે છે. યમુના નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે દિલ્હીનાં નીચાણવાળા વિસ્તારમાં સંકટ મંડરાઈ રહ્યું છે. નદીમાં વધતા જતા પાણીના સ્તરને ધ્યાનમાં રાખી દિલ્હી સરકાર પણ અલર્ટ મોડમાં આવી ગઈ છે. દિલ્હીમાં 1978માં અને 2010માં પુર આવ્યું હતું. 1978માં યમુના નદીમાંથી 2,24,390 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.

શિમલામાં વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે
શિમલામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજ રોજ શિમલા-હાટકોટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોકુનાલા પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. પુલનો ભાગ તુટી પડતા વાહનોની અવરજવર અટકી ગઈ હતી. આ સાથે પુલ પર તિરાડો પણ પડી ગઈ હતી. જેના કારણે ગમે ત્યારે પુલ તૂટી શકે તેવો ભય જોવા મળ્યો છે. જોકે હાલ આ પુલ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

કાટમાળ હટાવવા માટે પ્રદેશમાં લગભગ 342 મશીનો તૈનાત કરવામાં આવી
હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહનું કહેવું છે કે વરસાદના ચલતે હિમાચલ પ્રદેશમાં ભારે નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે રસ્તા પર પડેલા કાટમાળ હટાવવા માટે રાજ્યભરમાં લગભગ 342 મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે કુલ્લુ-મનાલીમાં ફસાયેલા ઘણા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ચમોલી જિલ્લા અધિકારીએ ચમોલીમાં તમામ શાળાઓ 12 જુલાઈ બુધવારે બંધ રાખવાની સૂચના આપી છે. આ સાથે ચંદીગઢની તમામ શાળાઓને 13 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

Most Popular

To Top