નવી દિલ્હી: (New Delhi) રાજધાની દિલ્હીમાં રખડતા કૂતરાઓનો (Street Dog) ત્રાસ સતત વધી રહ્યો છે. શનિવારે રાત્રે તુગલક રોડ વિસ્તારમાં દિવ્યાંશી નામની દોઢ વર્ષની બાળકીને રખડતા કૂતરાઓએ ચૂંથી નાંખી લોહીલુહાણ કરી નાંખી જીવ લઈ લીધો હતો. કુતરાના હુમલાથી પરિવાર બાળકીને બચાવી શકે ત્યાં સુધીમાં બાળકી ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘાયલ યુવતીને સફદરગંજ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
નિર્દોષ બાળકીની ચીસો જોરથી વાગતા સંગીતમાં ધરબાઈ ગઈ
મૃતક દોઢ વર્ષની બાળકી દિવ્યાંશી તેના પરિવાર સાથે તુગલક લેનના ચમન ઘાટ વિસ્તારમાં રહેતી હતી. તેના પિતા રાહુલ કપડાં ઇસ્ત્રીનું કામ કરે છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પીડિતાના ઘરની બહાર રાત્રે કૂતરા ફરતા હતા. બાળકી જમ્યા પછી ઘરની બહાર નીકળી ત્યારે અચાનક કૂતરાઓએ તેના પર હુમલો કર્યો હતો. ઘટના સ્થળની નજીક જોરથી સંગીત વાગી રહ્યું હતું, સંગીતના અવાજને કારણે બાળકીની ચીસો કોઈ સાંભળી શક્યું ન હતું.
શોધખોળ કરવા ગયેલા પરિવારજનોને બાળકી ઘરથી થોડે દૂર લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. ત્રણ કૂતરા તેના શરીરને ચાવી રહ્યા હતા. લોકોએ કોઈક રીતે બાળકીને કૂતરાઓના ચુંગાલમાંથી છોડાવી. પરિવારના સભ્યો ઘાયલ યુવતીને સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. ઘટના બાદ વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકો ખવડાવે છે તેના કારણે કૂતરા ભેગા થાય છે
આ ગંભીર ઘટના બાદ લોકોમાં ભારે રોષ છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે એક મહિલા આ રખડતા કૂતરાઓને ખવડાવવા આવે છે. જેના કારણે કૂતરાઓનું ટોળું ત્યાં ભેગું થઈ જાય છે. અગાઉ પણ સ્થાનિક લોકોએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો.