વડોદરા: વિવાદોના વંટોળમાં ઘેરાયેલ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નવો વિવાદ સામે આવ્યો છે.જેમાં યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના પ્રોફેસર સતીશ પાઠકે વીસી માટે અડછાજતા શબ્દો સાથે પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો છે. આ મામલે હરકતમાં આવેલા યુનિવર્સિટીના તંત્ર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.જે કમિટી દ્વારા રિપોર્ટ તૈયાર કરી બે દિવસમાં યુનિવર્સિટીના સત્તાધીશોને સોંપવામાં આવશે.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટી ના પ્રોફેસર સતીશ પાઠકે યુનિવર્સિટીની સમસ્યા અને ગેર વહીવટ સામે સવાલો ઉઠાવતી પોસ્ટ મુકતા વિવાદ સર્જાયો છે.
જેમાં પ્રો. સતીશ પાઠકે સોશિયલ મીડિયામાં મૂંગેરી લાલ સહિતના અણછાજતા શબ્દો સાથેની પોસ્ટ વિદ્યાર્થીઓ અને આધ્યાપકો તેમજ ડીનના વોટ્સએપ ગ્રુપમાં મૂકીને વાયરલ કર્યા હતા.ત્યારે આ વિવાદને લઈ ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના ડીન પ્રોફેસર આશુતોષ બીશ્નોઈ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે.
જેમાં ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીના ડીન આશુતોષ બીશ્નોઈ, સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર હરી કટારીયા, આર્ટસ ફેકલ્ટીન પ્રોફેસર આધ્યા સકસેના સહિતના કમિટી મેમ્બરો સમક્ષ સતીશ પાઠક હાજર થયા હતા અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.જોકે બે દિવસ બાદ આ રિપોર્ટ તૈયાર કરીને યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સત્તાધીશોને સોંપવામાં આવશે.
હેડ ઓફીસમાં સુચના આવતા કમિટી બનાવાઈ
છેલ્લા એક વર્ષથી તેઓ અલગ અલગ સોશિયલ મીડિયામાં યુનિવર્સિટીના વિરુદ્ધ અને વીસી ના વિરુદ્ધમાં વિભિન્ન પ્રકારની પોસ્ટ કરતા હતા અને જે પોસ્ટ પરથી એવું ફલિત થતું હતું કે તેઓ ડાયરેક્ટ વીસીને ટાર્ગેટ કરતા હતા.તેના સંદર્ભમાં હેડ ઓફિસમાંથી અમને સુચના આવી આવી હતી અને તેના માટે અમે કમિટી બનાવી.જેમાં કમિટીના સભ્યોને પણ સાંભળવામાં આવ્યા અને જે પ્રોફેસર છે તેમને પણ સાંભળવામાં આવ્યા છે.હવે કમિટીના મેમ્બરો રિપોર્ટ તૈયાર કરી સત્તાધીશોને સોંપશે અને તે બાદ જ યોગ્ય નિર્ણય લેવાશે. -આશુતોષ બિસ્નોઈ ,ડીન એજ્યુકેશન ફેકલ્ટી