સુરત : અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) દાખલ કરાયેલા 56 વર્ષિય આધેડનું ન્યુરો સર્જનની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. બે દિવસની સારવાર બાદ તેમને બ્રેનડેડ (Branded) જાહેર કરાતા મૃતકના પરિવારે સિવિલ હોસ્પિટલની SOTTO,સ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન ટીમના માધ્યમથી બ્રેનડેડની બે કિડની (kidney) અને લિવરનું (liver) દાન કરી ત્રણ વ્યક્તિઓને નવી જીંદગી આપી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ સુરતના ભાટપોર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંગ રોજી રોટી મેળવવા થોડા સમય પહેલા જ સુરત આવ્યા હતા. દરમિયાન ધર્મેન્દ્રસિંગ ગત 20મી ઓક્ટોબરે ટ્રક અડફેટે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
પરિવારજનોને ઓર્ગન ડોનેટ અંગેની જાણકારી આપી
સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા બે દિવસની સારવાર બાદ તેમને બ્રેનડેડ જાહેર કરાયા હતા. જેથી નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેડન્ટ ડો.ગણેશ ગોવેકર, મેડિકલ કોલેજ ડીન ડો. ઋતુંભરા મહેતા તથા ડો. નિલેશ, ડો. નિમેશ વર્મા, RMO ડો. કેતન નાયક, ડો.પારૂલ વડગામા, ડો. નિલેશ કાછડિયા, ડો.પરેશ ઝાંઝમેરાએ બ્રેનડેડ ધર્મેન્દ્રસિંગના પરિવારજનોને ઓર્ગન ડોનેટ અંગેની જાણકારી આપી.
પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી
તેમના પરિવારમાં ત્રણ દિકરા તથા એક દીકરીને ઓર્ગન ડોનેટનું મહત્વ સમજાવ્યું હતું. અંગોના દાનથી ત્રણ વ્યક્તિઓને નવું જીવન મળશે અને આ અંગોના દાનથી પિતા અન્ય વ્યક્તિમાં જીવીત રહેશે તેવી માહિતી આપતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી હતી. દરમિયાન રવિવારે સવારે અમદાવાદની IKDRC (ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર)ની ટીમ સુરત આવીને બે કીડની અને એક લિવરનુ દાન સ્વીકાર્યું હતું.