Columns

નવી શરૂઆત

નિખારે કોલેજની ડીગ્રી લીધા પછી એક સ્ટાર્ટ અપની શરૂઆત કરી. દિન-રાત બધું ભૂલીને કામ કર્યું અને એક જ વર્ષમાં સફળતા પણ મળવા લાગી. કામ વધતું ગયું અને નિખારનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો. હવે તે મોટાં કામ કરવાનાં સપનાં જોવા લાગ્યો. તેણે હિંમત કરીને મોટા ઓર્ડર લેવાની શરૂઆત કરી દીધી. એક મોટા ઓર્ડરમાં ભૂલને કારણે મોટું નુકસાન થયું અને સ્ટાર્ટ અપ નુકસાનીમાં પહોંચી ગયું. નિખારની બધી જ હિંમત તૂટી ગઈ. તે મનથી પડી ભાંગ્યો. લગભગ ત્રણ દિવસ રૂમમાંથી બહાર જ ન આવ્યો.

મમ્મી અને પપ્પાએ બહુ સમજાવ્યો ત્યારે તે ચોથે દિવસે બહાર આવ્યો.પપ્પાએ ધીમેથી પૂછ્યું, ‘ઓફીસ નથી જવું?’ નિખાર બોલ્યો, ‘શું કરું ઓફીસ જઈને?’ દાદા બોલ્યા, ‘દીકરા, આ તો શરૂઆત છે. ધંધામાં એટલે કે તમારા બિઝનેસમાં કે સ્ટાર્ટ અપમાં ઉતાર ચઢાવ આવે જ. હમેશાં નફો જ થાય એવું જરૂરી નથી. ક્યારેક નુકસાન પણ થાય. તે પણ જીરવતાં શીખવું પડે. નુકસાન કેમ થયું તેના પર બેસીને અફસોસ કરવા કરતાં તેનું કારણ શોધ. શું ભૂલ થઇ ગઈ તે શોધ અને સુધારી નાખ, જેથી આગળ ભવિષ્યમાં નુકસાન ન થાય.’નિખાર રડી પડ્યો. બોલ્યો, ‘દાદા હવે એવી કોઈ શક્યતા નથી. કામ બંધ જ થયું સમજો.’ નિખારનું સ્ટાર્ટ અપ બંધ થયું. નિખારે નોકરી કરી લેવાનું નક્કી કર્યું પણ જલ્દી નોકરી પણ મળી રહી ન હતી.

એક દિવસ સાંજે નિખાર પપ્પા સાથે હવે શું કરવું, કંઈ સમજાતું નથી એમ વાત કરી રહ્યો હતો ત્યાં ડોરબેલ વાગી. નિખારે દરવાજો ખોલ્યો. સામે તેનો ખાસ મિત્ર દેવેશ, જે કોલેજ પછી વિદેશ ચાલ્યો ગયો હતો તે ઊભો હતો. દેવેશ નિખારને પ્રેમથી ભેટ્યો. પહેલાં દોસ્તને જોઇને નિખાર ખુશ થઇ ગયો પછી તરત નાસીપાસ થયો કે દોસ્તને પોતાની નિષ્ફળતા વિષે શું કહેશે? નિખાર કંઈ બોલે તે પહેલાં જ દેવેશે કહ્યું, ‘ચલ દોસ્ત, ફરી નવી શરૂઆત કરીએ.’ નિખાર બોલ્યો, ‘શેની શરૂઆત?’ દેવેશે કહ્યું, ‘દોસ્ત, મને ખબર છે તારું કામ નુકસાન જવાને કારણે બંધ થઇ ગયું છે.પણ દોસ્ત, તારી પાસે નવા આઈડિયા અને હોશિયારીની કયાં કમી છે અને હવે તો અનુભવ પણ છે.

ઇન્વેસ્ટર હું શોધી કાઢીશ.’ નિખાર બોલ્યો, ‘દેવેશ, મારી હિંમત અને આત્મવિશ્વાસ તૂટી ગયાં છે. હવે કોઈ નવી શરૂઆત કરવાની હિંમત નથી. ફરી નુકસાન જશે તો?’ દેવેશ બોલ્યો, ‘દોસ્ત, આવી વાત ન કર, મને વિશ્વાસ છે તારામાં.’ આ વાત સાંભળી રહેલા દાદા બોલ્યા, ‘નિખાર, ઊભો થા. નકારાત્મક વાતો ભૂલી જા, જીવનમાં હમેશાં નવી શરૂઆત કરવાનો ખુદને મોકો આપવો જોઈએ. આગળ શું થશે તેની ચિંતા અત્યારે કરવાની જરૂર નથી. બની શકે કે તું વધુ સારું કામ કરી નવી સફળતા મેળવી શકે.’ દાદાના શબ્દો અને દોસ્તના સાથથી નિખારને હિંમત મળી. તે નવી શરૂઆત કરવા સજ્જ બન્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top