દૃશ્ય પહેલું- એક વેપારી, વેપારમાં બહુ મોટી ખોટ ગઈ, ગાડી બંગલા વેચાઈ ગયા. જીવનમાં આર્થિક તકલીફ એવી આવી કે જીવન બદલાઈ ગયું, વેપારી નિરાશ અને હતાશ થઇ ગયો તેણે માની લીધું કે મારું નસીબ જ ખરાબ છે. નહિ તો આવા ધિકતા ધંધામાં ખોટ કઈ રીતે જાય? તેણે સ્વીકારી લીધું કે પોતે બદનસીબ છે અને હવે આ જ મારું જીવન છે. મારે ગરીબીમાં જ દિવસો વિતાવવા પડશે, હવે જીવનમાં કોઈ બદલાવ થવાનો નથી. છેલ્લા શ્વાસ સુધી આમ જ જીવવું પડશે માંડ બે ટંકના ખાવા જેટલું કમાઈ લઉં તોય ભલું… વેપારી નિરાશા હતાશામાં જીવનમાં હારી ગયો.
દૃશ્ય બીજું
એક વેપારી, વેપારમાં બહુ મોટી ખોટ ગઈ, ગાડી બંગલા વેચાઈ ગયા. જીવનમાં આર્થીક તકલીફ એવી આવી કે જીવન બદલાઈ ગયું, તે નિરાશ થયો પણ આશા ફરી ભેગી કરી. તેણે પોતાને અને ઘરના બધાને વિશ્વાસ અપાવ્યો કે આવતીકાલ બદલાશે. જીવનમાં ફરી બદલાવ આવશે, ધિકતો વેપાર હતો, ખોટ ગઈ પણ ફરી મહેનત કરશું તો ફરી વેપાર પાટે ચઢશે. કોઈ ખરાબ કર્મની સમજા થઈ છે પણ સારા કર્મોનું ફળ પણ મળશે.
તેને પ્રયત્નો છોડ્યા નહીં. વેપારી જીવનમાં હાર્યો પણ જીવન હારી ગયો નહી. બે દૃશ્યમાં પરિસ્થિતિ લગભગ સરખી છે પણ થોડી જુદી છે. બંને વેપારીઓને જીવનમાં હાર મળી છે. પહેલા દૃશ્યમાં વેપારી હાર મળવાથી નિરાશ અને હતાશ થઈને બેસી ગયો છે તે ફરી ઉભો થઈ નહિ શકે, તેણે આશા ગુમાવી દીધી છે એટલે તેનું જીવન સુધરવાની શક્યતા નહીવત જેવી જ છે. જીવનમાં એક હાર મેળવીને તે જીવન હારી ગયો છે.
બીજા દૃશ્યમાં વેપારી હાર મળવાથી નિરાશ થયો છે પણ આશા ગુમાવી નથી, તેને આશા છે કે મારી આવતીકાલ ચોક્કસ સુધરશે. જીવનમાં હાર મળી છે પણ તે જીવન હાર્યો નથી. જીવનમાં કોઇપણ સંજોગોમાં, ઉતાર ચઢાવમાં જે વ્યક્તિ આશા જીવંત રાખે છે, આવતીકાલ સરખીજ હશે તેવા વિશ્વાસ સાથે મહેનત ચાલુ રાખે છે. જીવન સુધારવાના સપના જીવંત રાખે છે તેના જીવનમાં બદલાવ ચોક્કસ આવે જ છે. જીવનમાં મુશ્કેલીઓ વખતે નિરાશ થાવ, થાકી જાવ કે હારી જાવ તેનો વાંધો નથી પણ મન મજબૂત રાખો અને આશા જીવંત રાખો. કાલે જીતી જઈશ તેવી હિંમત રાખો. હંમેશા યાદ રાખો કે જીવનમાં હાર ભલે મળે પણ એક હારમાં જીવન હારી જવું નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.