Columns

કાકડાનાં ઝાડો અને કોતરોમાં બનાવેલી કુઈને કારણે જાણીતું નેત્રંગ તાલુકાનું અંતરિયાળ ગામ કાકડકુઈ

ભરૂચ જિલ્લાના પૂર્વ ભાગમાં આવેલું નેત્રંગ તાલુકાનું ૧૦૦ ટકા આદિવાસી વસતી ધરાવતું, વધારે કાકડાનાં ઝાડો અને કોતરોમાં બનાવેલી કુઈને કારણે જાણીતું થયેલું ગામ એટલે કાકડકુઈ. સાતપુડાની પર્વતમાળામાં આવેલા કાકડકુઈ ગામે ભૂતકાળની વિરાસતોનો વારસો, સાંપ્રત સમયમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ વિદ્યાપીઠથી ગરીબ બાળકોને શિક્ષણ માટે જીવંત જગ્યા ઊભી કરી છે. કાકડકુઈની પાડોશી જગ્યામાં પૌરાણિક તાંફર આદિવાસી રાજાનો કાર્ય વિસ્તાર હોવાથી દાબમંડળ તરીકે ઓળખાતું હતું. દાબમંડળ પૈકી ધાણીખૂટ રાજ્ય તરીકે એ સમયે ભીલ રાજા તારામહલ અને રાની ઉમરાવણુંનો રાજપાઠ હતો.

કાકડકુઈનો ઈતિહાસ અને આજના દૌરમાં વિકાસ તરફના ડગલા ભરતું કાકડકુઈ આજે ૧૦૦ ટકા શૌચાલય ધરાવે છે. હરિયાળા પ્રદેશ વચ્ચે રહેતા કાકડકુઈ આજે પણ પ્રકૃતિ તરફ લગાવ ધરાવે છે. આ ગામની વસતી સને-૨૦૧૧ મુજબ ૨૧૧૧ છે, જેમાં પુરુષોની વસતી ૧૧૦૧ છે. તો સ્ત્રીની વસતી ૧૦૧૧ છે. આ ગામમાં કુલ ઘર ૬૮૯ છે. આ ગામમાં વડ ફળિયું, નવી નગરી ફળિયું, નિશાળ ફળિયું, તળાવ ફળિયું, તાડ ફળિયું, બૈરાકાટ ફળિયું અને પટેલ ફળિયું આવેલું છે. કાકડકુઈ ગામની ભૌગોલિક સ્થિતિ વિશે વાત કરીએ તો કુલ ભૌગોલિક વિસ્તાર ૩૦૫.૪૬ હેક્ટર છે, જેમાં ખેતી ન કરી શકાય એવો વિસ્તાર ૧૭.૪૦ હેક્ટર છે. તો ગોચર જમીન ૧૪.૩૨ હેક્ટર છે. અને ૨૬૮.૫૧ હેક્ટરમાં વાવેતર કરી શકાય છે.

ગામમાં કુલ ખેડૂતોની સંખ્યા ૧૯૬ છે. જેમાં સીમાંત ખેડૂતો ૯૦ (એક હેક્ટરથી ઓછી), નાના ખેડૂતો ૫૫ (એક હેક્ટરથી ૧.૯૯ હેક્ટર), મધ્યમ ખેડૂતો ૪૬ (૨થી ૯.૯૯ હેક્ટર) અને મોટા ખેડૂત ૫ (૧૦ હેક્ટરથી વધારે) છે. ગામમાં સાક્ષરતાનો દૌર પણ વધી રહ્યો છે. સરકારની વિવિધ શૈક્ષણિક યોજના થકી આજે કાકડકુઈમાં સાક્ષરતા દર ૭૬.૨૧ ટકા પર પહોંચ્યો છે. જેમાં પુરુષનો સાક્ષરતા દર ૮૬.૧૪ ટકા છે. તો ૬૫.૪૧ ટકા સ્ત્રીઓ સાક્ષર છે. આ ગામમાં પવનપુત્ર હનુમાનજી મંદિર અને ભાથીજીનું મંદિર પણ આવેલું છે.

ગ્રામ પંચાયતની ટીમ
સરપંચ- તારાબેન ગૌતમભાઈ વસાવા
ઉપસરપંચ- કાંતિભાઈ પિચાભાઈ વસાવા
સભ્ય-વસંતાબેન ચંદુભાઈ વસાવા
સભ્ય-મહેન્દ્રભાઈ સવજીભાઈ વસાવા
સભ્ય-પન્નાબેન અભેસિંગભાઈ વસાવા
સભ્ય-દક્ષાબેન મહેન્દ્રભાઈ વસાવા
સભ્ય-સુરતાબેન ફૂલસિંગભાઈ વસાવા
સભ્ય-ગોવિંદભાઈ રાયસિંગભાઈ વસાવા
તલાટી કમ મંત્રી:-શાંતિકરભાઈ કે. વસાવા
એક સભ્યની બેઠક ખાલી (અનુસૂચિત જાતિની વસતીનો અભાવ)


NRI સર્જન ચેરિટી ફાઉન્ડેશન હોંગકોંગ દ્વારા ૪૫ ગામનાં બાળકોને નોટબુક અને દફ્તર આપવામાં આવે છે
અંતરિયાળ ગામમાં ભલે જરૂરિયાત હોય પણ ત્યાંના લોકો લાગણીશીલ હોય છે. આજની મોંઘવારીમાં પોતાનાં બાળકોને ભણાવવા માટે પૈસા ન હોય. સામાજિક કામો હોવાથી તકલીફો વેઠવા સિવાય સ્થાનિક લોકોને કોઈ આરો હોતો નથી. આવા વિસ્તારોમાં NRI સર્જન ચેરિટી ફાઉન્ડેશન હોંગકોંગ દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી માધવ વિદ્યાપીઠના સહયોગ સાથે ૪૫ ગામમાં બાળકોને નોટબુક સહિત શિક્ષણનાં સાધનો, સંગીતનાં સાધનો, કાકડકુઈ ગામને હરિયાળું બનાવવા માટે ૧૦૦૦ વૃક્ષારોપણ કરવાની એનઆરઆઈબંધુઓએ ભેખ લીધી છે. હાલમાં સર્જન ચેરિટી ફાઉન્ડેશન દ્વારા નોટબુક અને સ્કૂલબેગ મળી કુલ ૪૫૦૦ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. જો કે, આ વિસ્તારમાં આરોગ્યની ફેસિલિટીનો અભાવ હોવાથી ભાવનગર લેઉવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ સ્ટોરો દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં કાકડકુઈ રાખતાં ૭૦૦થી વધુ દર્દીએ ભાગ લીધો હતો. ખાસ કરીને ભરૂચ જિલ્લાનો પૂર્વ ભાગમાં તમામ સુવિધા ભૂતકાળમાં મળતી ન હતી. હવે સેવાભાવી આગંતુક આવતાં આવી ફેસિલિટી મળવા માંડી છે.

ગૌતમભાઈ વસાવા કાકડકુઈ ગામમાં સતત ત્રણ વખત સરપંચ પદે રહ્યા હતા
કોઈપણ અંતરિયાળ ગામડું હોય તેમાં માળખાગત સુવિધાની ભેખધારી આજે પણ ગામને જીવંત કરે છે. માત્ર ચોથું ધોરણ અભ્યાસ કરનારા ૪૯ વર્ષના ગૌતમભાઈ નાળિયાભાઈ વસાવાની કાકડકુઈમાં ઓળખ અલગ છે. ભરૂચ જિલ્લાના પૂર્વ ભાગમાં છેવાડાનું ગામ કાકડકુઈ મૂળ તો સાતપુડા પર્વતમાળામાં વસેલું છે. મૂળ તો ભૂતકાળમાં કાકડકુઈ ટેકરીઓનો પ્રદેશમાં જ્યાં પણ નજર કરો ત્યારે અસુવિધા દેખાતી હતી. એ વખતે ગૌતમભાઈ વસાવાએ ૩૦ વર્ષની ઉંમરે જાહેર જીવનમાં પગ મૂક્યો હતો. તેમણે માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. કાકડકુઈ ગામે સને-૨૦૦૫માં ગૌતમભાઈ વસાવાએ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ મળતાં પોતાનું ગામડું ફેસિલિટીયુક્ત બનાવવા માટે પહેલાં પગલાં શરૂ કરી દીધાં હતાં.

જો કે, ગૌતમભાઈ વસાવાએ ગામ વિકાસનું કામ કરતાં આખરે સરપંચ પદે ત્રણ ટર્મ રહ્યા હતા. ગામમાં આરસીસી રોડ, શુદ્ધ પીવાના પાણીની સુવિધા, ગટરલાઈન, પશુધન માટે હવાડા સહિતનાં કામો કરી દીધાં હતાં. આજે ૮૦ ટકા ગ્રામજનોને પીવાનું પાણી મળી ગયું છે. જો કે, આજે તેમનાં પત્ની તારાબેન વસાવા સરપંચ પદે આરૂઢ છે. જો કે, ગૌતમભાઈનાં ૧૫ વર્ષના શાસન કાળમાં નાણાપંચ, ગુજરાત પેટર્ન, આયોજન, MPMP/MLA અને ATVTની ગ્રાન્ટ મળીને રૂ.૩ કરોડથી વધારેનાં કામો કર્યાં છે. ગામના અગ્રણી ગૌતમભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ પદાધિકારી તરીકે કામ કરવાનો મોકો મળે ત્યારે પહેલા મારા ગામનો વિકાસ કરવાનું હું ચૂકતો નથી. જો કે, હજુ ઘણું કામ કરવાનું બાકી છે. એ પણ સમયાંતરે કરીશું.

સને-૧૯૫૪માં મુંબઈ દ્વિભાષી રાજ્યમાં કાકડકુઈ પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી
દેશની આઝાદી બાદ મુંબઈ દ્વિભાષી રાજ્યમાં સને-૧૯૫૪માં કાકડકુઈ પ્રાથમિક શાળા ધો-૧થી ૪ની શુભ શરૂઆત થઇ હતી. કાકડકુઈ ગામની બહાર ધૂળિયો રોડ, ડુંગરો અને ટેકરા પરથી પસાર થવા માટે મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ વખતે આખો વિસ્તાર અશિક્ષિત હોવાથી શાળામાં જવાનું જવલ્લે પરવડે. બે ટંક રોટલા રળી લેવાના સમયે શિક્ષણ કેટલું મહત્ત્વનું છે એ સમજ પડતા વાર લાગતી હતી. એ વખતે શાળામાં શિક્ષણની પા..પા..પગલી કરવા માટે અબુધ સ્થાનિક લોકોએ જાગૃતતા આવતાં આખરે બાળકને શાળામાં બે ચોપડી ભણી લે એ વાક્ય સાથે વાલીઓ મોકલતા હતા. આજની જેમ શિક્ષણ માટે ખુદ સરકાર બાળકનો ડ્રોપ આઉટ રેશિયા માટે છેલ્લાં ૨૦ વર્ષથી મંત્રીઓ, સનદી અધિકારીઓ જાતે ગામડાં ખૂંદી રહ્યાં છે.

ત્યારે ૬૮ વર્ષ પહેલાં ગુજરાત રાજ્ય ન હોવાથી મુંબઈ દ્વિભાષી રાજ્યમાં માંડ શાળા આપવી એ જ પ્રયાસ હતો. બાકીની જવાબદારી સ્થાનિક આમ જનતાની હતી. તેમ છતાં આજે લગભગ સાડા છ દાયકા બાદ કાકડકુઈમાં આજે પ્રોફેસર, શિક્ષકો સહિત અભ્યાસુનું પ્રમાણ વધતાં મોટા ભાગના લોકો શિક્ષિત થઇ ગયા છે. જો કે, દ્વિભાષી રાજ્ય વખતની પ્રાથમિક શાળા ધીમે ધીમે પ્રગતિ કરતાં આજે ધો-૧થી ૮ ધોરણ સુધીની થતાં કુલ ૨૧૨ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ શાળામાં કાકડકુઈ અને નાના જાંબુડાનાં બાળકો અભ્યાસ કરવા માટે આવે છે.

પ્રાથમિક શાળામાં વિશેષતા એ છે કે પાંચ વર્ષ પહેલાં અંકલેશ્વરની લુપીન કંપનીએ પાંચ શાળાની સાથે કાકડકુઈ પ્રાથમિક શાળાને ઈ-લર્નિંગ ક્લાસ તરીકે પસંદ કર્યા છે, જેમાં ધો-૫થી ૮માં અંદાજે ૨૦ લાખના ખર્ચે સોફ્ટવેર આધારિત વર્ગ શિક્ષક વગર જ અભ્યાસ કરી શકે છે. આ સાથે પ્રાથમિક શાળામાં બનાવેલા ગાર્ડન પર ૨૦ જેટલી શિક્ષિત એક્ટિવિટી તૈયાર કરી છે. જે ચિન્હોથી બાળકને સાયન્ટિફિક રસ્તો મળતો હોય છે. આજે આ શાળામાં ૧૦ ઓરડા આવેલા છે. શાળાના આચાર્ય સુકલાલભાઈ વસાવા તેમજ આસિસ્ટન્ટ શિક્ષક નારસિંહ વસાવા કહે છે કે અમે વિદ્યાર્થીઓ ઓનલાઈન વિજ્ઞાનમેળામાં ક્લસ્ટર, બ્લોક બાદ જિલ્લા લેવલ સુધી ભાગ લીધો છે. ખાસ કરીને અમારી શાળાનાં જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ માટે માધવ વિદ્યાપીઠના સહયોગથી નોટબુક અને દફ્તરનું વિતરણ કરવામાં આવે છે. જેનાથી બાળકોને શિક્ષણમાં વધારે રસ હોય છે.

લુપ્ત થતી પરંપરા
ભૂતકાળમાં ગામડાંમાં પરંપરાગત વૈદ્ય હતા, જેમાં સવિશેષ આદિવાસી સમાજમાં ગામમાં ‘ભગત’ તરીકે ઓળખતા હોય છે. ગામમાં સાત, વીંછી કરડવું, પથરી, કેન્સર, હાડવૈદ્ય, નાડીવૈદ્ય, ડાયાબિટીસ સહિત અસાધ્ય રોગોના નિષ્ણાત વૈદ્યો નજરે ચઢતા હતા, જેમાં મંત્ર ચિકિત્સા અને વનસ્પતિનાં મૂળિયા દવા બનીને જતાં તમામ રોગો દૂર થઇ જતા હોય છે. હાડકું ભાંગ્યું હોય તો પણ એકાદ મહિનો વનસ્પતિનો લેપ લગાડીને હાડવૈદ્ય ઠીક થઇ જાય છે. ક્યારેક આરોગ્યમાં આવા અસંખ્ય જ્ઞાનની સમજ અપાતી હોય છે. આ સહિત આદિવાસી સમાજમાં બારીકાઇથી જોતા સમાજમાં સારી બાબતો નજરે ચઢતી હોય છે.

કાકડકુઈ ગામે દીપક ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોના હિતમાં FRP બનાવી
છેક છેવાડાનો ખેડૂત કોઈથી છેતરાય નહીં અને આજની વ્યવસ્થામાં શોષણ ન થવું જોઈએ. કાકડકુઈ ગામડાના ખેડૂતે છેક ૨૦ કિલોમીટર નેત્રંગ ખાતે ખેતવસ્તુ લેવા જવાનો વારો આવતો હોય છે. ગરીબ ખેડૂત નેત્રંગ જવાના ટ્રાવેલિંગના પૈસાની અગવડ અને તેમાં જે વસ્તુ વેચાતી જોઈતી હોય ત્યારે વેપારીના ભાવે લેવા માટે મજબૂર થવું પડતું હોય છે. જે માટે કાકડકુઈ સહિત સાત ગામના ખેડૂતો માટે આશાનું કિરણ લઈને દીપક ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં સ્થાનિક ખેડૂતો માટે ફાર્મસ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FRP) બનાવીને શોષણમુક્ત પ્રવૃત્તિને આગળ ધરી છે. ખાસ કરીને ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર, બિયારણ, દવા અને કાચા ખેત ઉત્પાદનને પોષણક્ષમ ભાવો એ માટે વ્યવસ્થામાં જોતરાયા છે. જોડાયેલાં ગામોમાં ૩૦૩ જેટલા ખેડૂતો સભ્ય બનતાં FRPને નાબાર્ડ સંસ્થા ૩ વર્ષમાં મોટી રકમ ખેડૂતોને મળે એ માટે ફંડ આપશે. જો કે, આ વિસ્તારમાં અગાઉ ખેડૂતો સાથે કોઈ વ્યવસ્થા ન હોવાથી સારું ઉત્પાદન કરવા છતાં મજરે ભાવો ન મળતા હેરાન હતા. એવા સમયે છેલ્લા એક વર્ષથી સામૂહિક ખેડૂતના હિતમાં દીપક ફાઉન્ડેશન અડીખમ ઊભા રહીને ફાયદો કરવાના પ્રયાસ આદર્યા છે. જે આવનારા દિવસોમાં સફળ થશે. જો કે, પ્રધાનમંત્રીએ ૨૦૨૦માં સમગ્ર દેશમાં ૧૦,૦૦૦ ખેડૂત ઉત્પાદક સંગઠનો બનાવવા માટેની સેન્ટ્રલ સેક્ટર સ્કીમની જાહેરાત કરી હતી. કાકડકુઈ FRP બાબતે ડેપ્યુટી ડાયરેક્ટર ડો.જય પવારે જણાવ્યું હતું કે, ખાસ કરીને ખેડૂત ઉત્પાદક સંગઠનમાં જોડાયેલા સભ્યોને ઈનપુટ અને આઉટપુટમાં બેનિફિટ મળે એ માટે તાલીમ દ્વારા માર્ગદર્શન આપીશું. હાલમાં કાકડકુઈમાં ૩૦૦ સભ્યને આ ફાઉન્ડેશન દ્વારા રૂ.૧૨૦૦ ઓર્ગેનિક કિટ આપીશું, જેમાં દવાથી લઈને ઓર્ગેનિક વસ્તુઓ આપવામાં આવશે. મૂળ તો સમગ્ર ગુજરાતમાં ૧૪ તાલુકામાં ખેડૂત ઉત્પાદક સંગઠનો બનાવાઈ રહ્યાં છે, જેમાં એક વર્ષથી નેત્રંગ તાલુકાનો પણ સમાવેશ થાય છે. અને ખેડૂતોને પોતાની કંપની બનાવવામાં મદદ કરી રહ્યું છે. દીપક ફાઉન્ડેશનનો લક્ષ્યાંક આ ખેડૂતોની પોતાની સંસ્થાઓને મજબૂત અને આત્મનિર્ભર બનાવી જે-તે વિસ્તારના ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ બનાવવાનો છે. જેના માટે દીપક ફાઉન્ડેશન આગામી ૫ વર્ષ માટે ખેડૂતોની આ સંસ્થાને તકનીકી અને માળખાકીય સહાય આપવા માટે કટિબદ્ધ છે.

માધવ વિદ્યાપીઠ કેન્દ્રમાં આદિવાસી સમાજની પરંપરાને સ્થાન
ભરૂચ જિલ્લામાં ભલે અંતરિયાળ વિસ્તાર હોય પણ ઇકો પોઈન્ટ સાતપુડા વિસ્તારમાં અગાઉ શિક્ષણનો અભાવ હતો. સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ સિવાય આગળ જવાનો કોઈ રસ્તો મળતો ન હતો. સને-૨૦૦૦માં આવા વિસ્તારોમાં ૧૭ સ્થાન ઉપર સંસ્કાર કેન્દ્રો ચાલુ થતાં એ જગ્યાએ સરકારી સ્કૂલો તો ખરી પણ જરૂરિયાતમંદ વિસ્તારમાં આગળ ભણવાનો અભાવ હતો. આ વાત સાંભળવા મળી. મૂળ વિદ્યાભરતી ગુજરાત પ્રદેશમાં ૧૯૭૯થી ગુજરાતમાં વિદ્યાલયો ચલાવે છે. ગુજરાતમાં ૩૩ જિલ્લામાંથી ૧૩ જિલ્લા આદિવાસી વસતી ધરાવે છે. આદિવાસીઓ સરળ અને સહાનુભૂતિ વર્તન ધરાવે છે. જે માટે વિદ્યાભારતીએ આદિવાસી સમાજમાં શિક્ષણને વિશેષ સ્થાન આપવા સાથે તેમની પરંપરાને સ્થાન આપવાનો ધ્યેય છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના છેલ્લું ગામ થવામાં રીટાયર્ડ વિઠ્ઠલભાઈ વસાવા વિદ્યાભારતીની પ્રવૃત્તિ માટે જોડાઈ ગયા. ૨૦૦૦ની સાલમાં વિઠ્ઠલભાઈ સંસ્કાર કેન્દ્રમાં વિદ્યાર્થીઓને લઈને આવતા હતા. આ વિસ્તારમાં પ્રવાસી કાર્યકર્તા માટે છેક જામનગરનાં અનિલાબહેન અઘેરાને કામ સોંપ્યું. તેમણે અજાણ્યા વિસ્તારમાં ભોમિયા બની આખા વિસ્તારમાં કાર્યનો પ્રારંભ કર્યો હતો, જેમાં ઘનીષ્ઠ સંપર્કને કારણે એક જ વર્ષમાં આ વિસ્તારના બે બહેન પૂર્ણકાલીન નીકળ્યા. ત્રણેય બહેનોએ બધાં જ સંસ્કાર કેન્દ્રોને ખૂબ જ સક્રિય કરવામાં કામ કર્યું. વર્ષ-૨૦૦૧માં થવા (બેડા કંપની) મુકામે સંસ્કાર કેન્દ્રનો સામૂહિક કાર્યક્રમ થયો. એ વખતે એક શિબિરમાં આ મુદ્દે ચિંતન થતાં વિદ્યાભારતીનાં મંત્રી ઈન્દુમતીબેન કાટદરેએ કહ્યું કે, કોઈપણ કામ કરવું હોય તો એ જગ્યાએ ધૂણી ધખાવીને બેસી જાવ તો પરિણામ મળી જાય. એ માટે ૨૦૦૩-૦૪માં વિજયસિંહ સુરતીયાએ આ વિસ્તારમાં સંપૂર્ણપણે એક વર્ષ માટે સમય આપવાની તૈયારી બતાવી દીધી હતી.

માધવ વિદ્યાપીઠનું ધો-૧૦માં ૬ વખત અને ધો-૧૨માં ૪ વખત ૧૦૦ ટકા પરિણામ
વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ નર્મદા સંચાલિત શ્રી માધવ વિદ્યાપીઠ કાકડકુઈનું છેલ્લાં બાર વર્ષમાં ધો-૧૦માં (એસએસસી બોર્ડમાં) ૬ વખત અને પાંચ વર્ષથી શરૂ થયેલી ધો-૧૨માં (એચએસસી બોર્ડમાં) ૪ વખત ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. માધવ વિદ્યાપીઠ માટે મહત્ત્વની બાબત એ છે કે, આ સંકુલમાં ૭ જિલ્લા અને ૧૩ તાલુકામાંથી ૧૫૨ ગામમાંથી ધો-૫થી ૧૨ સુધી અભ્યાસ કરવામાં આવે છે.

આજે માધવ વિદ્યાપીઠમાં ૩૨૫ વિદ્યાર્થી નિ:શુલ્ક અભ્યાસ કરે છે. આ સંકુલમાં ૩૦ જણાના સ્ટાફમાં શિક્ષકથી લઈને રસોઇયણ સુધીના કામ કરે છે. શિક્ષણના અભ્યાસક્રમો સિવાય આ વિદ્યાપીઠે પાંચ અલગ વિષયો રાખ્યા છે. જેમાં યોગ, સંગીત, સંસ્કૃત, નૈતિક શિક્ષણ અને શારીરિક શિક્ષણ વિષય રાખ્યા છે. ખાસ કરીને આ વિદ્યાપીઠમાં વિવિધ વિદ્યાઓ મળે. જેમાં શિક્ષણ, આયુર્વેદ ચિકિત્સા, જૈવિક કૃષિ, ધાર્મિક ઉત્સવો, ગૌપાલન સહિતના વિષય પર વિદ્યાર્થીઓને જ્ઞાન મળે છે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ખેલકૂદમાં અગ્રેસર રહેતા હોય છે. ખો-ખો રમતમાં સતત ત્રણ વર્ષથી ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્થાન મેળવે છે. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિના વિકાસ માટે પ્રશ્નમંચ, નિબંધ સ્પર્ધા, સંસ્કૃતિનું જ્ઞાન પરીક્ષા, વિજ્ઞાનમેળો દર વર્ષે કરીને માધવ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તેજસ્વી બની જતા હોય છે.

કાકડકુઈ ગામે દીપક ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોના હિતમાં FRP બનાવી
છેક છેવાડાનો ખેડૂત કોઈથી છેતરાય નહીં અને આજની વ્યવસ્થામાં શોષણ ન થવું જોઈએ. કાકડકુઈ ગામડાના ખેડૂતે છેક ૨૦ કિલોમીટર નેત્રંગ ખાતે ખેતવસ્તુ લેવા જવાનો વારો આવતો હોય છે. ગરીબ ખેડૂત નેત્રંગ જવાના ટ્રાવેલિંગના પૈસાની અગવડ અને તેમાં જે વસ્તુ વેચાતી જોઈતી હોય ત્યારે વેપારીના ભાવે લેવા માટે મજબૂર થવું પડતું હોય છે. જે માટે કાકડકુઈ સહિત સાત ગામના ખેડૂતો માટે આશાનું કિરણ લઈને દીપક ફાઉન્ડેશનના માર્ગદર્શનમાં સ્થાનિક ખેડૂતો માટે ફાર્મસ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FRP) બનાવીને શોષણમુક્ત પ્રવૃત્તિને આગળ ધરી છે. ખાસ કરીને ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર, બિયારણ, દવા અને કાચા ખેત ઉત્પાદનને પોષણક્ષમ ભાવો એ માટે વ્યવસ્થામાં જોતરાયા છે. જોડાયેલાં ગામોમાં ૩૦૩ જેટલા ખેડૂતો સભ્ય બનતાં FRPને નાબાર્ડ સંસ્થા ૩ વર્ષમાં મોટી રકમ ખેડૂતોને મળે એ માટે ફંડ આપશે. જો કે, આ વિસ્તારમાં અગાઉ ખેડૂતો સાથે કોઈ વ્યવસ્થા ન હોવાથી સારું ઉત્પાદન કરવા છતાં મજરે ભાવો ન મળતા હેરાન હતા. એવા સમયે છેલ્લા એક વર્ષથી સામૂહિક ખેડૂતના હિતમાં દીપક ફાઉન્ડેશન અડીખમ ઊભા રહીને ફાયદો કરવાના પ્રયાસ આદર્યા છે. જે આવનારા દિવસોમાં સફળ થશે. જો કે, પ્રધાનમંત્રીએ ૨૦૨૦માં સમગ્ર દેશમાં ૧૦,૦૦૦ ખેડૂત ઉત્પાદક સંગઠનો બનાવવા માટેની સેન્ટ્રલ સેક્ટર સ્કીમની જાહેરાત કરી હતી. કાકડકુઈ FRP બાબતે ડેપ્યુટી ડાયરેક્ટર ડો.જય પવારે જણાવ્યું હતું કે, ખાસ કરીને ખેડૂત ઉત્પાદક સંગઠનમાં જોડાયેલા સભ્યોને ઈનપુટ અને આઉટપુટમાં બેનિફિટ મળે એ માટે તાલીમ દ્વારા માર્ગદર્શન આપીશું. હાલમાં કાકડકુઈમાં ૩૦૦ સભ્યને આ ફાઉન્ડેશન દ્વારા રૂ.૧૨૦૦ ઓર્ગેનિક કિટ આપીશું, જેમાં દવાથી લઈને ઓર્ગેનિક વસ્તુઓ આપવામાં આવશે. મૂળ તો સમગ્ર ગુજરાતમાં ૧૪ તાલુકામાં ખેડૂત ઉત્પાદક સંગઠનો બનાવાઈ રહ્યાં છે, જેમાં એક વર્ષથી નેત્રંગ તાલુકાનો પણ સમાવેશ થાય છે. અને ખેડૂતોને પોતાની કંપની બનાવવામાં મદદ કરી રહ્યું છે. દીપક ફાઉન્ડેશનનો લક્ષ્યાંક આ ખેડૂતોની પોતાની સંસ્થાઓને મજબૂત અને આત્મનિર્ભર બનાવી જે-તે વિસ્તારના ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ બનાવવાનો છે. જેના માટે દીપક ફાઉન્ડેશન આગામી ૫ વર્ષ માટે ખેડૂતોની આ સંસ્થાને તકનીકી અને માળખાકીય સહાય આપવા માટે કટિબદ્ધ છે.

17 વર્ષ પહેલાં માધવ વિદ્યાપીઠ સાકાર થઈ હતી
સમાજસેવી લોકોની અપેક્ષા અને સંકલનથી આખરે ૧૭ વર્ષ પહેલા કાકડકુઈમાં “‘માધવ વિદ્યાપીઠ”’ સાકાર થઈ હતી. શરૂઆતમાં ટ્રસ્ટની રચના કરીને કાકડકુઈ ગામે ૨૮ એકર જમીન ખરીદી હતી. પ્રાકૃતિક સુંદરતા અને પર્વતમાળા પર શોભતી જમીન હતી. એ વખતે ૨૦૦૫માં કાકડકુઈ સંકુલ કરવા માટે સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઝડફિયા પરિવારે રૂ.૫ કરોડનું માતબર દાન આપ્યું. એ સમયે માથા સુધીનું ઘાસ અને એક ડુંગરા પર કામઠીવાળા કાચા ઘરમાં લીંપણ કરેલી કરેલા બાંધકામ માટે કારીગરો રહેતા હતા. સને-૨૦૦૬ના વર્ષમાં વિદ્યાપીઠનું બાંધકામ થતાં એ વખતે ‘માધવ વિદ્યાપીઠ’ સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવત પહેલી વખત અહીં આવતાં ભવનનું લોકાર્પણ થયું હતું. કાકડકુઈ માધવ વિદ્યાપીઠે રૂ.૬.૫ કરોડ અદ્યતન સંકુલ બનાવ્યું છે. આજે ૬૦૦ વિદ્યાર્થી ભણી શકે એવું વિદ્યાલય (૧૬ ઓરડા, ૩ હોલ), ૧ સ્કૂલ, ૩ હોસ્ટેલ, ૧ ભોજનાલય, ૧ અતિથિ નિવાસ અને ૧ ગૌશાળા સંકુલમાં આવેલું છે. આ સાથે તમામ દાતાઓએ દાનથી આખી જગ્યા જીવંત બની ગઈ છે. આજે કાકડકુઈ માધવ વિદ્યાપીઠમાં ધો-૫થી ૧૨ સુધીના અભ્યાસમાં સમગ્ર વર્ષ દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં ફંડમાં વ્યાજ, વિદ્યાભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ, દાતાઓ તમામ ખર્ચ ઉઠાવે છે. માધવ વિદ્યાપીઠમાં સને-૨૦૦૮માં મહાવીર ગૌધનધારા ગૌશાળામાં ૫૦ ગીર ગાય છે. દરેક બાળકને રોજનું ૨૦૦ ગ્રામ દૂધ આપવામાં આવે છે. સાથે સ્ટાફને દૂધ ફ્રીમાં અપાય છે. જે બાબતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ નર્મદાના મંત્રી વિજયસિંહ સુરતીયાએ જણાવ્યું હતું કે, બાળકોને ગીર ગાયનું દૂધ આપતાં સિકલસેલ રોગમાં ખૂબ મોટો ફાયદો થયો છે.

ધનજીભાઈ ઝડફિયાએ છેવાડાનાં જરૂરિયાતમંદ બાળકો માટે શિક્ષણ આપવાની પહેલ કરી
સૌરાષ્ટ્રની ભૂમિ પર ભાવનગરના ગઢડા તાલુકામાં આવેલી પ્રહલાદ ગઢની ધરતી પર જન્મેલા અને હાલ સુરત નગરીમાં હીરા ઉદ્યોગના વ્યવસાયમાં ધનજીભાઈ ઝડફિયા ઓતપ્રોત થયેલા હતા. સુરત મૂળ તો પરિશ્રમી વ્યક્તિઓને કારણે ડાયમંડ સિટી બની ગયું છે. ધનજીભાઈ ઝડફિયા ભલે સુરત શહેર રહેતા હોય તો પણ છેવાડાના માનવી પ્રત્યે દર્દ, સંવેદનશીલ અને નવી પઢીને શિક્ષણ આગળ કરવાનું તેમના કોઠે પડ્યું હતું. ધનજીભાઈ ઝડફિયા વિદ્યાભારતીના સંપર્કમાં આવતાં અંતરિયાળ અને છેવાડાના ગરીબ આદિવાસીઓની નવી પેઢીને તૈયાર કરવાનું નક્કી કર્યુ હતું. આમ તો ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોનાં બાળકો ધો-૩થી ૫ સુધી સરકારી વિદ્યાલયો શિક્ષણ મળે પણ વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે લાંબી નજર સુધી કોઈ વ્યવસ્થા ન હતી. જો કે, વિદ્યાભારતીની હાંકલથી આખરે કાકડકુઈમાં ‘માધવ વિદ્યાપીઠ’નું શિક્ષણ સંકુલ બનાવવાનું આયોજન કરતાં રૂ.૫ કરોડની દાનની ટહેલ નાંખીને તેમનાં માતુશ્રી ગોદાવરીબેન ગાંડાભાઈ ઝડફિયા વિદ્યાસંકુલના નામથી બનાવી આપ્યું હતું. ભૂતકાળમાં એ વિસ્તારમાં કોઈ નજર કરીને જોતું ન હતું, એ કાકડકુઈ માધવ વિદ્યાપીઠથી પ્રખ્યાત થઇ ગયું છે. ગરીબ બાળકને યોગ્ય શિક્ષણ આપીને રોજગારી સાથે ઉત્તમ નાગરિક બનાવવાની પહેલ કરવાનું બીડું ઝડપ્યું હતું.

આખા ગામમાં ૧૦૦૦ વૃક્ષનું વાવેતર કરી હરિયાળી કરાશે
કાકડકુઈ ગામે વિકાસની ક્ષિતિજે આગળ વધવા માટે તમામ ડગલાં માંડ્યાં છે. સો ટકા શુદ્ધ ઓક્સિજન ધરાવતા કાકડકુઈને હજુ પણ હરિયાળું બનાવવા લોકમિજાજ બનાવવા માંગે છે. હજુ પણ ગામ ઘટાદાર વૃક્ષો માટે આધારસ્થંભ બનાવવાનો અડીખમ પ્રયાસ કરવા માંગે છે. આખા ગામમાં ૧૦૦૦ વૃક્ષનું વાવેતર કરી પ્રકૃતિનું કેન્દ્ર જાણે કાકડકુઈ બને એવાં અરમાન છે. માત્ર કાકડકુઈ જ નહીં પણ આજુબાજુનાં ૫૪ ગામને સાંકળવા માટે નવો અભિગમ અપનાવ્યો છે, જેમાં દાતા ધનજીભાઈ ઝડફિયાએ હાલમાં એક બેઠકમાં આજુબાજુની ૪૫ પ્રાથમિક શાળાને એક શાળા દીઠ ૫૦ વૃક્ષ આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પ્રાથમિક શાળા પણ હરિયાળી બને અને નવી પેઢીને વનીકરણ માટે જાગ્રત બને એ માટે સ્તુત્ય પ્રયાસ કરવામાં આવશે. પ્રકૃતિ માટેનો પ્રેમ જોતાં આવનારા દિવસમાં ખાસ કરીને કાકડકુઈ એ હરિયાળું ગામડું બને એવા ચિન્હો દેખાઈ રહ્યાં છે. કાકડકુઈ ગ્રામજનોમાં પણ એક વૃક્ષ એક વ્યક્તિ માટે જાગ્રત થયા છે. વૃક્ષને રોપવું, સંવર્ધન અને સંરક્ષણ કરવાનો લગાવ ઉપાડ્યો છે. આમેય ગામ હરિયાળું બને એ માટે વૃક્ષપ્રેમનો લગાવ ઊભો થયો છે. જો કે, કાકડકુઈનો ભવ્ય ભૂતકાળ પણ ઘટાદાર જંગલો માટે અગ્રેસર હતો. ફરીવાર ગ્રામજનોને આપણું કાકડકુઈ ગામ હરિયાળું અને નંદનવન બને એવા પ્રયાસો કરવા માટે આગળ આવ્યા છે. માત્ર લોક ભાગીદારીથી કાકડકુઈના ગ્રામજનો, સેવાભાવી અગ્રણીઓ, ગામ માટે અનોખો લગાવ ધરાવતા લોકોએ હાલમાં એક જ મુદ્દો આગળ ધર્યો છે કે માત્ર કાકડકુઈને ગ્રીનરી વિલેજ બનાવવાના અભરખા છે. જેમાં આજથી જ વનીકરણ માટે આગળ વધ્યા છે. જાગૃતતાને આગળ ધપાવીને આવનારા દિવસમાં વૃક્ષનો અનોખો પ્રેમ માટે ભવિષ્યમાં કેટલાક તહેવારોને જોડવાના પ્રયત્નો કરવાના સંજોગો દેખાઈ રહ્યા છે.

કાકડકુઈનો વિકાસ કરવા માટે અમે કટિબદ્ધ: વાસુધાબેન વસાવા
કોઈપણ ગામના નાગરિક તાલુકા કક્ષાએ પ્રતિનિધિત્વ કરે ત્યારે તમામ કાર્યક્ષેત્ર સાથે પોતાના ગામનો વિકાસ કરવા માટે કટિબદ્ધ હોય એ સ્વાભાવિક છે. કાકડકુઈ ગામનાં ૨૭ વર્ષીય વાસુધાબેન મનોજભાઈ વસાવા નેત્રંગ તાલુકા પંચાયતના સભ્ય તરીકે કામ કરે છે. જાહેર જીવન માટેનો હજુ અનુભવ મેળવી રહ્યા છે. જો કે, તેમના સસરા ગૌતમભાઈ વસાવા ૧૫ વર્ષ કાકડકુઈ ગામના સરપંચ રહ્યા હતા. અને તેમનાં સાસુ તારાબેન વસાવા પણ કાકડકુઈ ગામના સરપંચ રહ્યા છે. તેણીને તાલુકા પંચાયતનાં સભ્ય તરીકે મોકલતાં આખો પરિવાર રાજકીય ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યા છે. તાલુકા પંચાયતનાં સભ્ય વાસુધાબેન વસાવાએ ૧૧મુ ધોરણ અભ્યાસ કરીને આજે પણ તેમના પરિવારના વડીલોના પરંપરાને શોભે એમ સંસ્કાર જોવા મળે છે. તેમના પરિવારને આમેય પણ કાકડકુઈના વિકાસ માટે અનોખો લગાવ દેખાઈ છે. ગામમાં કોઈને તકલીફ ન પડે એવા અહેસાસ સાથે ધીમે પણ મક્કમ ગતિએ વિકાસ કરવા માંડ્યા છે. ગામડામાં આજે પણ સજ્જનતાનો અહેસાસ છે. આખા જિલ્લાનું છેલ્લું ગામ કાકડકુઈ એ આખા તાલુકામાં વિકાસનાં કામો માટે સૌથી વધુ મોખરે કામ આ ગામમાં થયા છે. નેત્રંગ તાલુકા પંચાયતના સભ્ય વાસુધાબેન વસાવા કહે છે કે, દરેકને પોતાનું ગામ મહત્ત્વનું હોય એમ લાગણી હોય છે. ક્યારેક ફેસિલિટીનો અભાવ પણ ધીરે ધીરે એ પ્રશ્ન હાલ થઇ જતો હોય છે. કાકડકુઈને બધી જ માળખાગત સુવિધાની તમામ ફેસિલિટી મળે એવા પ્રયાસો કરીએ છીએ. આગામી દિવસોમાં પણ વિકાસની ગતિ અવિરત રહેશે.

Most Popular

To Top