પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ સો રૂપિયાને વટાવી ચૂક્યો છે. ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પડતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સામાન્ય પરિવારો માથે પેટ્રોલ-ડીઝલના ભાવવધારોથી ચિંતાનાં વાદળો ઘેરાઇ રહ્યાં છે. ઇંધણના કમરતોડ ભાવના પગલે નેત્રંગના લાલમંટોડી વિસ્તારના ઈમ્તીયાઝ ખત્રીએ બેટરીથી ચાલતી સાઇકલ બનાવી છે.
જેની વિશેષતાની વાત કરીએ તો સાઇકલમાં ચાર ટાયર છે. 24 વોલ્ટની મોટર છે. 12-12 વોલ્ટની બે બેટરી છે. ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સાઇકલ ચાલે છે. બેટરી ફુલ ચાર્જ કર્યા બાદ ૫૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. સાઇકલનું વજન 60 કિ.ગ્રા. હોવાથી નાનાં બાળકથી લઇને યુવકો પણ આસાનીથી હંકારી શકે છે. ફોરવ્હીલ કારમાં પગથી એક્સિલીટર અને બ્રેક કરી શકાય છે એમ આ સાઇકલને પણ એક્સિલિટર-બ્રેક મારી શકાય છે. આ સાઇકલ બનાવવા માટે ભંગારના વેપારીને 2 મહિનાનો સમય થયો હતો.
તમામ જરૂરી સાધનો માટે વેપારીએ વેસ્ટમાંથી બેસ્ટનો જ ઉપયોગ કર્યો છે, અને મામૂલી ખર્ચ રૂ.5000 આસપાસ થયો છે. ઇંધણના ભાવોમાં ભારે વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારોને મોટરસાઈકલ વાપરવી પરવડે એમ નથી. આવા સમયે પૈસાની બચત માટે બેટરી આધારિત ઈલેક્ટ્રિકલ સાઈકલ બનાવતાં આજુબાજુના લોકો જોવા માટે આવી રહ્યા છે.