નડિયાદ: કઠલાલ તાલુકાના સરાલી ગામની સીમમાં રહેતા કાકા-ભત્રીજા વચ્ચે ખેતરમાંથી લાકડા વીણવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા ભત્રીજાએ લાકડાની ડાંગ વડે કાકા ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા કાકાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કઠલાલ તાલુકાના સરાલી ગામની સીમમાં આવેલ ધોરા વિસ્તારમાં રહેતાં 48 વર્ષીય ભરતભાઇ બુધાભાઈ બારૈયા ગત બુધવારના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં પોતાની માલિકીના ઝાડના તુટી ગયેલા ડાળખા ભેગા કરી રહ્યાં હતાં. તે વખતે બાજુના ખેતરમાં રહેતા તેમના ભત્રીજો દિલીપભાઈ ઉર્ફે દિપો રમતુભાઈ ઉર્ફે લાલાભાઈ બારૈયા ઘરની બહાર દોડી આવ્યો હતો.અને અમારા ખેતરમાં પડેલા ડાળખા તમે કેમ વીણી જાવ છો તેમ કહી ભરતભાઈ સાથે ઝઘડો કર્યો હતો.
જોતજોતામાં ઝઘડો ઉગ્ર બની જતા ઉશ્કેરાયેલા દિલીપભાઈએ નજીકમાં પડેલી લાકડાની ડાંગ ઉઠાવી કાકા ભરતભાઈના માથામાં ફટકારી દીધી હતી. તેમજ ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડેલા ભરતભાઈના પુત્ર જીગરના પગમાં ડાંગ મારી હતી. આ હુમલામાં જીગરને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે ભરતભાઈને માથાના ભાગે ડાંગ વાગી હોવાથી તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યાં હતા.
ગંભીર ઈજાગ્રસ્ત બનેલા ભરતભાઈને તાત્કાલિક સારવાર માટે કઠલાલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન ભરતભાઈ બુધાભાઈ બારૈયા (ઉં.વ ૪૮) નું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જીગર ભરતભાઈ બારૈયાની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે દિલીપભાઈ ઉર્ફે દિપો રમતુભાઈ ઉર્ફે લાલાભાઈ બારૈયા સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.