સુરત: કાપોદ્રાની અનભ જેમસમાં 118 રત્નકલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી અને એ જ આરોપી નીકળ્યો છે. અનાજના ધંધામાં 10 લાખનું દેવું થઇ જતાં તે આત્મહત્યા કરવા માટે સેલ્ફોસ નામનો પાઉડર લાવ્યો હતો. જો કે, ત્યારબાદ તે ગભરાઇ જતાં તેણે આપઘાતનો વિચાર માંડી વાળ્યો હતો અને પાઉડર વોટર કૂલરમાં નાંખી દીધો હતો.
- ઓનલાઇન અનાજના ટ્રેડિંગમાં 10 લાખનું દેવું થઇ જતાં આપઘાત કરવાનો હતો
- આપઘાત કરવા માટે સેલ્ફોસ લાવ્યો પરંતુ હિંમત નહીં ચાલતા પડીકું કૂલરમાં નાંખી દીધુ
મળતી માહિતી મુજબ ગત 9મીના રોજ અનભ જેમ્સમાં ફિલ્ટરમાં સેલ્ફોસ નાખતા 60 જેટલા રત્નકલાકારઓ આ પાણી પીતા અસર ગ્રસ્ત થયા હતા.જે બાદ પોલીસ, આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી.આ મામલે પોલીસે તપાસ દરમિયાન રત્નકલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નિકુંજ હિતેષભાઈ દેવમુરારી(રહે. ઈશ્વર કૃપા સોસાયટી, નાના વરાછા, મૂ.ભાવનગર)ને પોલીસે ઝડપી પાડ્યો છે. મેનેજરના ભાણિયા નિકુંજે જ પાણીમાં દુર્ગંધની જાણ કરી હતી અને એ જ આરોપી નીકળ્યો છે.
આરોપી નિકુંજના મામા અનભ જેમ્સમાં મેનેજર છે અને નિકુંજ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો. તે ઓનલાઇન અનાજ નું ટ્રેડિંગ કરતો હતો. આ ધંધામાં 10 લાખ દેવું થઈ જતાં જે ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. જેથી તેણે ગત 31મી માર્ચે સરથાણા વિસ્તારમાં આવેલી કીર્તિ મેડિકલ સ્ટોર પરથી ઝેરી દવા સેલ્ફોસ ખરીદી હતી.
આ દવા લઈ અવાર નવાર આત્મ હત્યાની કોશિશ કરી રહ્યો હતો પણ હિંમત ચાલતી ન હતી. બાદમાં ગત 9મીના ફિલ્ટર પાસે જઈને આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાંખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત નહીં થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. જે બાદ લોકોની અવરજવરથી ભયભીત થઈ ગયો અને કોઈને ખબર ન પડે તે માટે સેલ્ફોસનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું. નિકુંજ લક્ઝુરિયસ લાઈફ જીવી રહ્યો હતો. જેથી તેણે ઉધારમાં 10 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો. પોલીસે હાલ તેની અટક કરી છે. નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
મામલો એ હતો કે, કાપોદ્રાની અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં 10 ગ્રામ વજનનું સેલ્ફોસનું પાઉચ ભેળવી સામુહિક રીતે રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરવાની હિચકારી ઘટનામાં પોલીસે મેનેજરની ફરિયાદને આધારે અંદરના જાણભેદુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
પોણાનવથી સાડાનવ વાગ્યાના પોણા કલાક દરમિયાન 60 વ્યક્તિ ફિલ્ટર પાસે પાણી લેવા ગઈ હતી. તેમાંથી જ કોઇનું આ કૃત્ય હોવાની શંકા સાથે ફિલ્ટર તરફ જતા-આવતા કર્મચારીઓના અંદરની તરફ લગાવવામાં આવેલા કેમેરામાં રેકોર્ડ થયેલા હાવભાવને આધારે જાણભેદુને અલગ તારવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
નિકુંજ મેડિકલ સ્ટોરમાં સેલ્ફોસ ખરીદતા કેમેરામાં કેદ થઇ ગયો હતો
આ મામલે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે,પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસ પોતે પણ સેલ્ફોસનું પાઉચ ખરીદી લાવ્યા હતા.બાદમાં એક ગ્લાસમાં તે ભેળવામાં આવ્યું હતું.જેથી થોડાક સમયમાં જ તેની તીવ્ર વાસ આવવા લાગી હતી. જેથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે,આ હરકત કરનાર ફિલ્ટર નજીક હોઈ અને આખા મામલે ફરીથી જોતા નિકુંજ પર વધુ શંકા ગઈ હતી. જે બાદ એક મેડિકલ પર તે ખરીદી કરતો પણ કેદ થયો હતો.
પોલીસે કડક પૂછપરછ કરતાં નિકુંજ ભાંગી પડ્યો
આખા મામલે નિકુંજ સહિત અન્ય 3 લોકો પર શંકા જતા પોલીસે તમામની પૂછપરછ કરી હતી.આ દરમિયાન સર્વેલન્સ સ્ટફા નિકુંજનો મોબાઈલ પણ ચેક કર્યો હતો.મોબાઈલમાં નિકુંજના ટ્રેડિંગના ધંધા વિશે માહિતી મળી હતી.જે બાદ તેનું વોટ્સેપ ચેટ પણ પોલીસે ચેક કરતા પૈસા લેતી દેતી ના મેસેજ પોલીસનાં હાથ લાગ્યા હતા.આ મામલે વધુ પૂછપરછ કરતા પોતાને દેવું થઈ ગયું હોવની હકિકત જણાવી હતી.બાદમાં પોલીસનાં કડક વલણ સામે તે ભાંગી પડ્યો અને આ કાવતરું પોતે કર્યું હોવાની કબૂલાત કરી હતી.
