નેપાળનો ઘટનાક્રમ માત્ર રાજકીય ઊથલપાથલ નથી. યુવા આક્રોશનું અત્યંત અસરકારક પણ સ્વાભાવિક હિંસક સ્વરૂપ છે. યુવા ને ઉલટાવીને વાંચીએ તો વાયુ સમજાય. આ વાયુવેગે ઉમટેલા યુવાનો સમગ્ર વિશ્વને સંદેશ છે કે ચેતી જાઓ. આજનો યુવાન ઘોર હતાશામાં છે. પરંપરાથી તેનો વિચ્છેદ થઈ ચૂક્યો છે અને પ્રયોગ માટે અવકાશ નથી. જેણે તપ એટલે કે મહેનત કરી છે તેની પાસે તક નથી અને જેને તક મળી છે તેને તપ કરવું નથી. યુવાનો પાસે રોલ મોડેલ છીનવાઈ ગયા છે. આદર્શ અને વાસ્તવ વચ્ચેની ખાઈ બિહામણી છે.
ઝેન-ઝીને કોઈ ફરક પડતો નથી. એક જમાનામાં ધર્મ, રાજનીતિ, શિક્ષણ, સમાજના અગ્ર હરોળના વ્યક્તિત્વોનો વિસામો અનુભવતો યુવાન નોંધારો કેમ થઈ ગયો છે? ભલું થજો ટેક્નોલોજીનું જેણે જગત આખાની તથાકથિત ભવ્યતાનાં ખોખલાં આવરણ હટાવી દીધા છે. સ્વામી વિવેકાનંદે માત્ર સો યુવાનો દ્વારા પરિવર્તનની સંભાવનાની વાત કરી હતી. નેપાળમાં સો નહીં, હજારો યુવાનો છે. પણ લગભગ નિરંકુશ, વિવેક અને આનંદથી વિમુખ. બુદ્ધ, મહાવીર કે ગાંધીનો મંત્ર છીનવી લઈએ તો શું થાય એ જોવું હોય તો નેપાળનું ઉદાહરણ તાજું છે.
ઝુંડાલ, ગાંધીનગર – ડૉ. યોગેન્દ્ર પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.