World

નેપાળમાં પ્રચંડની સરકાર પડી: ફ્લોર ટેસ્ટ હાર્યા બાદ PM પદથી રાજીનામું આપ્યું, ઓલી બની શકે છે વડાપ્રધાન

નેપાળના (Nepal) રાજકારણમાં (Politics) ભારે હલચલ મચી ગઈ છે. વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું છે અને તે લગભગ નિશ્ચિત છે કે કેપી શર્મા ઓલી નવા પીએમ બનશે. વડાપ્રધાન પુષ્પ કમલ દહલે સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો હતો. CPM-UMLએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. 275-સભ્યોના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં (HoR), પ્રચંડના વિશ્વાસ મત વિરુદ્ધ 194 અને સમર્થનમાં 63 મત પડ્યા હતા. વિશ્વાસ મત મેળવવા માટે 138 મતની જરૂર હતી.

કેપી શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બની શકે છે
ગયા અઠવાડિયે જ પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળના સીપીએન-યુએમએલએ પ્રચંડ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. ઓલી અને નેપાળી કોંગ્રેસ (NC) નેતાઓએ શુક્રવારે વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના ફ્લોર ટેસ્ટ પહેલા નવી ગઠબંધન સરકારની રચના પર વિચાર મંથન કર્યું. તમને જણાવી દઈએ કે NC પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલા જ નેપાળના આગામી વડાપ્રધાન તરીકે ઓલીને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે.

HORમાં નેપાળી કોંગ્રેસના 89 સભ્યો છે. આ સિવાય સીપીએન-યુએમએલ પાસે 78 સીટો છે. બંને પક્ષોના ગઠબંધન પાસે કુલ 167 બેઠકો હશે જે સરકાર બનાવવા માટે જરૂરી 138ની બહુમતી કરતાં વધુ છે. નીચલા ગૃહમાં 138 બેઠકોની બહુમતી સામે પ્રચંડની પાર્ટી પાસે માત્ર 32 બેઠકો છે. ઓલીએ કહ્યું કે દેશની રાજકીય સ્થિરતા અને વિકાસ માટે આ જરૂરી છે. કરાર મુજબ ઓલી-દેઉબા ત્રણ વર્ષ સુધી રોટેશન દ્વારા પીએમ રહેશે.

ઓલીએ બિનજરૂરી રીતે દગો કર્યો: પ્રચંડ
પ્રચંડ વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ ગયા પછી ઓલી શનિવારે વડા પ્રધાન બની શકે છે અને રવિવારે પદ અને ગુપ્તતાના શપથ લઈ શકે છે. પાર્ટી સચિવાલયમાં ઓલીએ કહ્યું કે નેપાળના વિકાસ માટે બે મોટા રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધન જરૂરી છે. બીજી તરફ વર્તમાન પીએમ પ્રચંડે આરોપ લગાવ્યો કે ઓલીએ તેમની સાથે બિનજરૂરી રીતે દગો કર્યો છે.

Most Popular

To Top