નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે ચાલી રહેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. હિંસક વિરોધને રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે. આ પછી પણ ઘણા વિસ્તારોમાં હિંસા ચાલુ છે. સેના અને પ્રદર્શનકારીઓ સામેસામે જોવા મળ્યા હતા.
નેપાળમાં હાલ કર્ફ્યુ છે છતા ઉપદ્રવીઓ હિંસા કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ન્યાયાલયને પણ નિશાન બનાવ્યં. મંગળવારે સાંજે પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટને આગ ચાંપી દીધી હતી જેના કારણે 25 હજારથી વધુ કેસ ફાઇલો રાખ થઈ ગઈ હતી. આજે સેનાએ 27 બદમાશોની ધરપકડ કરી છે.
સેનાનું કહેવું છે કે આ લોકો પરિસ્થિતિનો લાભ લઈ તોડફોડ, અરાજકતા, લૂંટફાટ, આગચંપી અને જાનમાલને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી 33.7 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે.
આ ઉપરાંત 23 બંદૂકો, મેગેઝિન અને ગોળીઓ સહિત 31 વિવિધ પ્રકારના હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કેપી શર્મા ઓલીએ પીએમ પદ પરથી રાજીનામું આપીને કાઠમંડુ છોડી દીધું છે. અહીં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 23 લોકોના મોત થયા છે જ્યારે 400 થી વધુ લોકો ઘાયલ થયા છે.
નેપાળ પછી હવે ફ્રાન્સમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. બજેટ કાપ સામે અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માંગણી સાથે બુધવારે 1 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પ્રદર્શનકારીઓની ઘણી જગ્યાએ સુરક્ષા દળો સાથે અથડામણ થઈ છે. તેમણે ઘણી જગ્યાએ તોડફોડ અને આગચંપી પણ કરી છે. સરકારે 80 હજાર પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે. અત્યાર સુધીમાં 200 થી વધુ બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.