નવી દિલ્હી: પાડોશી દેશ નેપાળની એક અવળચંડાઈનો મામલો સામે આવ્યો છે. નેપાળે શુક્રવારે નકશા સાથે 100 રૂપિયાની નવી નોટ છાપવાની જાહેરાત કરી હતી. આ નોટમાં ભારતના લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની દર્શાવવામાં આવ્યા છે. તેનો અર્થ એ થયો કે ભારતના આ ત્રણ વિસ્તારોને નેપાળ પોતાના બતાવી રહ્યું છે.
એજન્સી અનુસાર સરકારના પ્રવક્તા રેખા શર્માએ કેબિનેટના નિર્ણયની જાણકારી મેળવ્યા બાદ કહ્યું કે વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીને 100 રૂપિયાની બેંક નોટમાં સામેલ કરવામાં આવશે.
માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રી રેખા શર્માએ કહ્યું, 25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન કેબિનેટે 100 રૂપિયાની બેંક નોટને ફરીથી ડિઝાઇન કરવા અને બેંક નોટની પૃષ્ઠભૂમિમાં છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી.
18 જૂન, 2020 ના રોજ નેપાળે તેના બંધારણમાં સુધારો કરીને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાના ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારોને સમાવવા માટે દેશના રાજકીય નકશાને અપડેટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ભારતે આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપી અને તેને “એકપક્ષીય કાર્યવાહી” ગણાવી હતી.
ભારત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો અધિકાર ઘરાવે છે. નેપાળ પાંચ ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1,850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. જૂન 2023 માં નેપાળી પીએમ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ તેમની ભારત મુલાકાત દરમિયાન મિત્રતાની ભાવનાથી સરહદ વિવાદને ઉકેલવાની વાત કરી હતી.
શું છે વિવાદ?
ભારત અને નેપાળ વચ્ચે કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખ ભારત-નેપાળ અને ચીન અને સુસ્તા વિસ્તાર (પશ્ચિમ ચંપારણ જિલ્લો, બિહાર) પર સરહદ વિવાદ છે. કાલાપાની એ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલી એક ખીણ છે. તે કૈલાશ માનસરોવર રોડ પર આવેલું છે.
કાલાપાની ક્ષેત્રમાં કાલી નદી ભારત અને નેપાળ વચ્ચે સરહદ બનાવે છે. નદીના સ્ત્રોતને શોધવામાં મુશ્કેલીના કારણે ભારત અને નેપાળ વચ્ચે સરહદ વિવાદ થયો છે. સુસ્તા વિસ્તારમાં સંઘર્ષનું મુખ્ય કારણ ગંડક નદીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે. સુસ્તા ગંડક નદીના કિનારે આવેલું છે. નેપાળમાં તેને નારાયણી નદી કહેવામાં આવે છે અને તે બિહારમાં પટના પાસે ગંગામાં જોડાય છે.