આણંદ તા.23
દેશમાં છેલ્લી સત્તાવાર આર્થિક વસ્તી ગણતરી પ્રમાણે માત્ર 14 ટકા સાહસોનું નેતૃત્વ મહિલાઓ કરે છે. જો કે આપણે સંખ્યામાં સમાન છીએ, પરંતુ જીડીપી (GDP) માં આપણો ફાળો ઘણો ઓછો છે. આમ, આર્થિક ક્ષેત્રમાં જાતીય અસમાનતા ઘટાડવી આવશ્યક છે. આ દિશામાં ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF), વુમન ડેવલપમેન્ટ સેલ (WDC) અને ઇક્વલ ઓપર્ચ્યુનિટી સેલ (EOC) દ્વારા સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોને દર્શાવતી સશક્તિકરણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પેનલના સભ્યો તરીકે શી એન્ડ વી ઇન્સ્ટીટ્યુટ ફોર વીમેન એન્ટરપ્રિન્યોરશિપ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર ડો. કૃતિ પટેલ, નાભી સૂત્રના ફાઉન્ડર સ્વાતિ વખારિયા અને શોઝો બેકર્સના ફાઉન્ડર ચાર્મી દવે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પ્રતિષ્ઠિત મહિલા સાહસિકો છે, જેમણે પોતપોતાના ઉદ્યોગોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેઓએ તેમના અંગત અનુભવો, પડકારો અને સફળતાઓ રજુ કર્યા હતા. આ ઈવેન્ટે યુવા મહિલાઓને તેમના ઉદ્યોગસાહસિક બનવાના સપનાને આગળ ધપાવવા માટે પ્રેરણા અને સશક્તિકરણ પુરા પાડ્યા હતા.
ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન 9 કોલેજોની 150 થી વધુ મહિલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમની સહભાગિતાએ માત્ર મૂલ્યવાન જ્ઞાન જ પ્રદાન કર્યું ન હતું પરંતુ મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના વ્યાપક ધ્યેયમાં પણ યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે ડબલ્યુડીસીના ચેરમેન ડો. ગાયત્રી દવે, આરપીસીપીના આચાર્ય ડો. મનન રાવલ, ડબલ્યુડીસીના કો – ઓર્ડીનેટર્સ આનલ પટેલ, લીપી આચાર્ય, સચી જોશી અને ધાત્રી રાવલ, ઇઓસીના કો – ઓર્ડીનેટર ડો. મિત્તલ પટેલ, કોર્પોરેટર કોમ્યુનિકેશન ઓફિસર કૃતેન પટેલ અને મીડીયા મેનેજર વિપુલ ભટ્ટ ઇવેન્ટની સફળતા પાછળ સભ્યો હતાં.
આ ઇવેન્ટની પરીકલ્પના CIVF ના વિઝનરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડૉ. આર. વી. ઉપાધ્યાય, ડૉ. અતુલ પટેલ, અશોક પટેલ, વિપુલ પટેલ, ગિરીશ પટેલ અને મધુકાંતા પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન CIVF ના સીનીયર એક્ઝક્યુટીવ ઓફિસર ડૉ. સ્વાતિ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. આપણે આશા રાખીએ છીએ કે આ ઇવેન્ટ સહભાગીઓને એક નવી ઉર્જાથી ભરી દેશે અને તેઓ વ્યવસાયમાં મહિલાઓની શક્તિ અને પરિવર્તનની ઉજવણી કરવા માટે આગળ આવશે.