“ગુજરાતમિત્ર” સ્ટાન્ડર્ડ દૈનિકમાં શુકવાર તારીખ ૧૦.૦૧.૨૦૨૫ ના અંકમાં જાણીતા, માનીતા અને લોકપ્રિય હાઇકોર્ટના સિનિયર મોસ્ટ ક્રિમિનલ લોયર કેરસી જે. શેઠનાની વકીલાત ક્ષેત્રેની સફળ યાત્રા તેમજ ઉજ્જવળ અને અવિસ્મરણીય કારકિર્દી ઉપર “અતિથિની કલમે” માં હોર્મઝ બહેરામ શેઠનાનો અભૂતપૂર્વ અને આશ્ચર્ય ઉપજાવે તેવો વેધક, તીક્ષ્ણ અને ધારદાર લેખ વાંચ્યો, એ બદલ સર્વપ્રથમ “ગુજરાતમિત્ર” સહિત વિભાગ લેખકને ખૂબ ખૂબ અભિનંદન હોજો!
સમગ્ર રસપ્રદ આર્ટિકલમાં ખૂબ જ મહત્ત્વ અને અગત્યની વાત લેખકે એ ભારપૂર્વક દોહરાવી છે કે, “સુરતના કે જે શેઠનાએ ૭૮ વર્ષની વયે ફોજદારી કાયદાની નોટ્સ તૈયાર કરી હતી “! લેખક સચોટ રીતે લખે છે કે , “ સુરતથી કોઈ પણ વકીલ ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરવાનો વિચારતો તો એને સલાહ અપાતી કે, પહેલાં શેઠના સાહેબને જઈને મળજે “’! કટારમાં હોર્મઝ બહેરામ શેઠના ખૂબ જ સુંદર રીતે વર્ણન કરે છે કે, સિનિયર એડવોકેટ શેઠના સાહેબની ઓફીસમાં નિમ્નલિખિત બોર્ડ એ હતું કે, ‘તેનો હુકમ બજા લાવજે. તેના ઉપર હુકમ કરતો ના: ઉમેદ જો તારા હકમાં ના હોય તો ખોદા સાથે નાઉમેદ થાતો ના’.! ખેર,.”ન ભૂતો ન ભવિષ્યતિ”! અત્યંત વિદ્વાન વરિષ્ઠ વકીલ કે જે શેઠના એક અચ્છા અને સચ્ચા મહામાનવ અને સુરતના સુપુત્ર હતા.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બેન્ક ફ્રોડમાં તીવ્ર ઉછાળો
ભારતીય રીઝર્વ બેન્કના લેટેસ્ટ રિપોર્ટમાં ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસના ગાળા દરમ્યાન બેન્ક ફ્રોડના કેસીસમાં ચિંતાજનક વધારો થયો છે. એપ્રિલ 24થી સપ્ટેમ્બર 24ના છ માસના ગાળા દરમ્યાન દેશના બેન્ક ફ્રોડના 18461 કેસીસ નોંધાયા છે. જેની કુલ રકમ 21367 કરોડ રૂપિયા થાય છે. આટલી મોટી રકમમાંથી તો દેશના કેટકેટલા મોટા પ્રોજેકટ ઊભા કરી શકાય! આ બેન્ક ફ્રોડના કારણે સમગ્ર ફાઇનાન્સિયલ સિસ્ટમ સામે મોટું જોખમ ઊભું થયું છે.
આ ઉપરાંત બેન્કની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે છે. બેન્કનાં ગ્રાહકોમાં બેન્ક ઉપરનો વિશ્વાસ ઘટે છે. વળી ઓપરેશનલ અને વ્યાવસાયિક જોખમ પણ રહે છે. દેશની આર્થિક સ્થિરતામાં પણ અસ્થિરતા આવે છે. દેશ જયારે વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા તરફ જઇ રહી છે ત્યારે બેન્કના ફ્રોડ તેમાં અવરોધરૂપ બની શકે છે. કેન્દ્ર સરકારનું નાણાં ખાતું તથા રીઝર્વ બેન્ક આવા ફ્રોડ તરફ કડક વલણ ન અપનાવશે તો દેશમાં મોટું આર્થિક સંકટ ઊભું થશે.
શિકાગો – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)