Entertainment

નીલ નીતિન મુકેશ, અભિનય ન કરવા મળે તો નિર્માતા બનો!

નીલ નીતિન મુકેશ દેખાય છે હેન્ડસમ, યુરોપ-અમેરિકાનો હોય એવો. અભિનય પણ સારો કરે છે ને છતાં તેને ધારી સફળતા નથી મળી. જોકે ગાયક મુકેશનો આ પૌત્ર હારીને બેસી જાય એવો નથી. તે ફિલ્મોમાં ટકવા આવ્યો છે ને તે માટે ઝઝૂમે છે. ફિલ્મો ન મળે તો મેળવે છે, એટલે કે જાતે નિર્માતા બની ગયો છે. તેની ‘બાયપાસ રોડ’ રજૂ થઇ ચુકી છે જેમાં તે સ્વયં અિભનેતા હતો અને તેના ભાઇ નમને તેનું દિગ્દર્શન કરેલું. મતલબ કે તે કમ્પલીટ હોમ પ્રોડકશન માટે તૈયાર છે. કમ્પલીટ એટલે ત્યાં સુધી કે નીલ નીતિન મુકેશ જ પોતાના હોમ પ્રોડકશન હેઠળ બનનારી બે ફિલ્મોની પટકથા લખી રહ્યો છે.

તેને થ્રિલર ફિલ્મો બનાવવી છે ને અગાથા ક્રિસ્ટીનો ચાહક એવો નીલ પોતે જ થ્રિલર લખી રહ્યો છે. જો આ બંને ફિલ્મમાં તે પોતે જ અભિનય કરશે એવું નથી. એકમાં તે પોતે અભિનેતા છે. બેમાંથી એક ફિલ્મનું દિગ્દર્શન નમન કરશે. તેઓ એક ખરા પ્રોફેશનલની જેમ આગળ વધી રહ્યા છે. જયાં પોતાની જરૂરિયાત હોય ત્યાં પોતે ઊભા રહેવાનું, બાકી બીજા કયાં નથી? ૨૦૦૭ ની ‘જહોની ગદ્દાર’થી તેણે અભિનેતા તરીકે આરંભ કરેલો અને પછી ‘ન્યૂયોર્ક’ માં પણ પ્રશંસા મેળવેલી. તેને તમિલ ફિલ્મ ‘કથ્થી’ મળી જેનું દિગ્દર્શન એ.આર. મુરુગાદોષે કરેલું. આ ફિલ્મ અને તેમાં નીલ નીતિન મુકેશ સફળ રહેલા. પણ તેનાથી તે સાઉથનો નથી થયો. ‘પ્રેમ રતન ધન પાયો’, ‘ગોલમાલ અગેઇન’ ને ‘સાહો’ વગેરેમાં તે કામ કરતો રહ્યો છે.

તેની ‘૭ ખૂન માફ’ થી મંાડી ‘ઇન્દુ સરકાર’ પણ છે જેમાં તેણે સંજય ગાંધીની ભૂમિકા ભજવેલી.  ‘બાય પાસ રોડ’ માં તેની સાથે અદા શર્મા અને શમા સિકંદર હતા. તેની સાથે બે સહનિર્માતા હતા અને હવેની બન્ને ફિલ્મો પણ એજ રીતે બનાવશે. બનવા પહેલાં જ આર્થિક જોખમ ઓછું થાય તેની તે કાળજી રાખે છે. મૂળ છે અભિનેતા અને નિર્માતા તરીકેનો મિજાજ કેળવી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મને કારણે એટલું તો આશ્વાસન હોય જ છે કે થિયેટર્સ ન મળે તો વિકલ્પ હજર છે. હા, બજેટ મર્યાદિત રાખી ફિલ્મ બનાવવી જરૂરી છેે. નહિતર માર ખાવો પડે. નીલ નીતિન મુકેશ આ જાણે છે એટલે જ સમજીને આગળ વધી રહ્યો છે.

Most Popular

To Top