Comments

પાડોશી દેશોની અશાંતિ ભારત માટે પડકારજનક

શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનમાં બગડતી આર્થિક સ્થિતિ એ ભારત માટે એક પડકાર છે કારણ કે આ સમસ્યાનો તાત્કાલિક હલ ઉપલબ્ધ ન હોવાથી લોકોનો વધતો રોષ રાજકીય અસ્થિરતાને ઉત્તેજન આપી શકે છે. આર્થિક કટોકટીમાં ઘેરાયેલા શ્રીલંકામાં મહિનાઓથી અંધારપટ, ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણ અને દવાઓની અછતના કારણે લોકોમાં તીવ્ર આક્રોશ ફેલાયેલો છે અને લોકો સત્તા પરિવર્તન ઈચ્છે છે. લોકોનો વધતો રોષ અને હિંસક બનાવોના પગલે વડા પ્રધાન રાજપક્ષેએ રાજીનામું આપી કોલંબો છોડી નૌસેનાની છાવણીમાં આશરો લીધો છે. તેમ છતાં લોકોનો રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો અને પરિસ્થિતિ ગૃહયુદ્ધ તરફ જતી દેખાય છે. શ્રીલંકામાં દેશવ્યાપી કરફ્યુ નાખવામાં આવ્યો છે અને દેખો ત્યાં ઠારના ઓર્ડર અપાયા છે. ભારત શ્રીલંકાને તાજેતરમાં જ ત્રણથી ચાર અબજ ડોલરની સહાય આપી છે. ઉપરાંત ચોખા અને દવાઓની પણ સહાય કરી છે.

પરંતુ શ્રીલંકામાં જનતા એટલી હદે વ્યથિત થઈ ગઈ છે કે તેમનો આક્રોશ બેકાબૂ થઈ ગયો છે. હાલમાં અહીં સરકાર જેવું કંઇ છે જ નહીં અને જો રાષ્ટ્રપતિ જલદી વચગાળાની સરકારની રચના નહીં કરે તો લશ્કરી શાસનની આશંકા છે. જો કે આવનાર નવી સરકાર માટે પણ પરિસ્થિતિ ખૂબ પડકારજનક જ બની
રહેવાની છે. ભારતના અન્ય બે પાડોશીઓ અને ચીનના મિત્રો, નેપાળ અને પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ નબળા શાસન, વધતું દેવું અને ખાદ્ય-બળતણના ફુગાવાને કારણે સર્જાયેલી ગરબડને કારણે અત્યંત ખરાબ સ્થિતિમાં છે. ગંભીર આર્થિક તાણ હેઠળના આ ત્રણેય દેશો ચાઈનીઝ બેલ્ટ રોડ ઈનિશિએટીવનો ભાગ છે અને ચીનની એક્ઝિમ બેંકની કોમર્શિયલ લોનના કારણે ચીનના ભારે દેવા હેઠળ છે.

ભારતના પાડોશી દેશોમાં પ્રવર્તી રહેલ હાલની આર્થિક કટોકટી ભારત માટે પડકારજનક છે કારણ કે આ દેશોમાં લોકોનો ગુસ્સો માનવીય કટોકટી તરફ દોરી શકે છે અને શરણાર્થીઓ ઉત્તર શ્રીલંકાથી તમિલનાડુમાં અને નેપાળથી ખુલ્લી સરહદો દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. ઇમરાન ખાનની વિદાય પછી પાકિસ્તાનમાં નવી સરકાર બની જેણે સાઉદી અરેબિયા અને UAE બંને રાજ્યો સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો અને આ બંને દેશોને પાકિસ્તાને લોન આપવા મનાવી લીધા છે, તેમ છતાં પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ગંભીર છે.

કેટલાક વ્યૂહરચનાકારો માને છે કે વર્તમાન આર્થિક કટોકટી પણ ભારત માટે એક તક છે, જ્યારે હકીકત એ છે કે શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનમાં ચાલી રહેલ હાલની આર્થિક કટોકટી માટે દાયકાઓનો આર્થિક ગેરવહીવટ અને નબળું શાસન જવાબદાર છે. ભારત આ પરિસ્થિતિમાં આ દેશોમાં લોકોના ગુસ્સાને શાંત કરવા નાણાંકીય પેકેજ પ્રદાન કરવા સિવાય કંઈ કરી શકે તેમ નથી. ભારત માટે આમ કરવું જરૂરી પણ છે કેમ કે આ દેશોમાં વધતો જનાક્રોશ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ ખતરો બની શકે છે.

નેપાળે લકઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે અને પાકિસ્તાને બળતણ અને વીજળી સબસિડીને રેશનલાઈઝ કરી છે, ત્યારે શ્રીલંકામાં રાજકીય અસ્થિરતાને પગલે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. રાજપક્ષે સરકારનું પતન થઈ ગયું છે અને વિપક્ષો પાસે રાજકીય વિકલ્પ પૂરો પાડવા માટે પૂરતી તાકાત ન હોવાના કારણે શ્રીલંકામાં અફરાતફરીનો માહોલ છે. બેઇજિંગના લગભગ અડધા ભાગમાં અને સમગ્ર શાંઘાઈના સખત એન્ટી-કોવિડ પગલાંને લીધે લાંબા સમય પછી ચીન પોતે આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે તેવામાં ચીન કોઈ બાંહેધરી કે લાભ વિના આ દેશોને આર્થિક સહાયતા આપે એવી દેખાતું નથી. હાલની આ પરિસ્થિતિ જોતાં આ દેશોને સમજાઇ જવું જોઈએ કે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂરતા ફોરેક્સ રિઝર્વના ટેકા વગર માત્ર બાહ્ય ઋણ પર બાંધવામાં આવે ત્યારે એ હંમેશા આપત્તિ તરફ દોરી જાય છે.
ડૉ. જયનારાયણ વ્યાસ
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top