નવસારી : તવડી ગામે નજીવી બાબતે પાડોશીઓ (Neighbor) બાખડતા મામલો મરોલી પોલીસ (Police) મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ 5 સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના તવડી ગામે માધવવાડી ફળિયામાં મનોજભાઈ ગણપતભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. ગત 27મીએ મનોજભાઈનો પુત્ર દીપ તેના મિત્ર ધ્રુવ સાથે નવસારી ગયો હતો. ત્યારે પરત ઘરે આવતા ધ્રુવના મોબાઈલ ઉપર તેના પિતા જયેશભાઈએ ફોન કરી જણાવ્યું હતું કે, આજે તમે અલ્પેશભાઈને ગાળો આપી છે કે કેમ તે બાબતે પૂછતાં ધ્રુવે ના પાડી હતી.
છોકરાને કેમ અપશબ્દો બોલ્યા બાબતે પાડોશીઓ બાખડ્યા
ત્યારબાદ દીપ અને ધ્રુવ માણેકપોર ચાર રસ્તા પાસે અલ્પેશભાઈ મળતા તેમને આ બાબતે પૂછતાં અલ્પેશભાઈ ઉશ્કેરાઈ જઈ દીપને ગળાના ભાગે પકડી લીધા હતા જેથી બંને બાઇક પરથી પડી ગયા હતાં. જોકે ત્યારે દીપ ભાગીને ઘરે જતો રહ્યો હતો. અને ઘરે આવી આ બધી વાત તેની માતાને જણાવી હતી. જેથી દીપની માતાએ અલ્પેશભાઈને ફોન કરી મારા છોકરાને કેમ અપશબ્દો બોલ્યા તેમ જણાવતા અલ્પેશભાઈ તેમને પણ અપશબ્દો બોલ્યા હતા. અને તવડી ગામના મંદિર ફળિયા પ્રાથમિક શાળા ચોરા પાસે આવવા માટે જણાવતા સાંજે મનોજભાઈ તેમની પત્ની અને પુત્ર સાથે અલ્પેશભાઈને મળવા ગયા હતા. જ્યાં અલ્પેશભાઈએ મનોજભાઈ અને તેમની પત્ની શીતલબેનને પ્લાસ્ટિકના પાઈપથી સપાટા મારવા લાગ્યા હતા. જોકે હાર્દિકભાઈ તથા ગામના અન્ય માણસો વચ્ચે પડી તેઓને છોડાવવાના પ્રયત્નો કરતા હતા.
પ્લાસ્ટિકના પાઈપ અને લાકડા વડે માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
તે વખતે અલ્પેશભાઈ અને જીજ્ઞેશભાઈએ દીપને પ્લાસ્ટિકના પાઈપ અને લાકડા વડે માર મારતા દીપને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારે ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેઓને છોડાવતા અલ્પેશભાઈ અને જીજ્ઞેશભાઈ જતા-જતા જાનથી મારી નાંખવાની ધમકી આપી ગયા હતા. આ બનાવ અંગે મનોજભાઈએ મરોલી પોલીસ મથકે અલ્પેશભાઈ અને જીજ્ઞેશભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.જયારે સામે પક્ષે અલ્પેશભાઈએ આ બાબતે દીપ, મનોજભાઈ અને શીતલબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. નઈમખાનને સોંપી છે.