આણંદ: આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ ખાતે આવેલા તળાવનું 4.75 કરોડના ખર્ચે બ્યુટિફીકેશન કરવામાં આવ્યું હતું. જોકે, પ્રજા હજું અહીં હરવાફરવા આવે તે પહેલાં આ તળાવમાં કાંસના ગંદા પાણી ભરી દેતાં આસપાસમાં દુર્ગંધયુક્ત વાતાવરણ સર્જાયું છે. જેને કારણે પ્રજામાં રોષ ફેલાયો છે.
આણંદ નગરપાલિકા દ્વારા પાંચ વર્ષ પહેલાં બાકરોલના તળાવનું બ્યુટિફીકેશન કરવામાં આવ્યું હતું. જેમાં તળાવને ઉડું કર્યા બાદ ચોતરફ રેલીંગ કરી ગેટ નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત એલઇડી લાઇટ, વિવિધ રમતના સાધનો, વરીષ્ઠ નાગરીકો માટે બેસવા માટે બાંકડા, યુવાનો માટે કસરતના સાધનો, વૉક-વે, ફૂડ પાર્ક માટે ખુલ્લી જગ્યા સહિતની સુવિધાઓ પાછળ રૂ. 4.75 કરોડનું આંધણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આસપાસના લોકો અહીં હરવા ફરવા આવે તે પહેલાં આણંદ પાલિકાએ આ તળાવમાં કાંસના ગંદા પાણી ડાયવર્ટ કરી દેતાં સમગ્ર તળાવ દુર્ગંધયુક્ત પાણીથી ભરાઇ ગયું છે. જેને કારણે અહીં લોકોએ આવવાનું બંધ કરી દીધું છે. પરંતુ આસપાસમાં રહેતા રહિશોની સ્થિતી કફોડી બની ગઇ છે.
તળાવના ગંદા પાણીને કારણે દુર્ગંધયુક્ત વાતાવરણ ઉપરાંત હવે નાના જંતુઓનો પણ ઉપદ્રવ વધ્યો છે. જેને કારણે રહેવું મુશ્કેલ બની ગયું છે.
જોકે, આ અંગે પાલિકાના એન્જિનિયર વિજયભાઇ સોનીએ જણાવ્યું હતું કે તળાવ નજીક આવેલા કાંસને નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે કામ ચલાઉ કાંસનું પાણી તળાવમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે. નવો કાંસ બનતાં તળાવ ખાલી કરી દેવામાં આવશે. અલબત્ત તળાવમાં કુંભવેલ વધી જતાં તેને કાઢવા વધુ લાખોનો ખર્ચ કરી ખીસ્સા ભરવાનું કારસ્તાન જણાઇ રહ્યું છે.